________________
પંચમ પલ્લવઃ
૧૧૩
રાજન્ ! તમારી બન્ને કન્યાને તે રોગરહિત કરશે અને પૂર્વજન્મના સ્નેહથી તે બન્ને કન્યાનો ભર્તાર થશે.”
આ પ્રમાણે કહીને દેવી તરત જ અદૃશ્ય થઈ ગઈ, તેના વચનોથી લોકો ખુશ થયા અને મંત્રીઓ વિશેષ રાજી થયા. રાજા રાણી અને બે કન્યાઓ રોગશાંતિની હકીકત સાંભળીને વર્ષાના આગમનથી મોર હર્ષ પામે તેમ અત્યંત હર્ષિત બની. પછી રાજાએ દેવીનું ધ્યાન સમાપ્ત કરી પરિવાર સહિત તપનું પારણું કર્યું.
મનુષ્યરૂપે રહેલ દેવી રત્નપાળ રાજાને બે કન્યાઓ સંબંધી ઉપર પ્રમાણે કથા કહીને કહે છે કે—‘હું તમને પવનપ્રેરિત નાવવડે કરીને બહુ દૂર લઈ આવી છું. અહીંથી તમારું નગર છસો યોજન દૂર છે. અહીંનાં રાજ્યની હું અધિષ્ઠાયિકા દેવી છું. તમને પૂર્વોક્ત સંબંધ જણાવવા માટે હું પુરુષરૂપે તમારી પાસે આવી છું, તો હવે તમે બન્ને કન્યાઓની વ્યાધિ દૂર કરીને તેમની સાથે પાણિગ્રહણ કરો. હું તમારી સહાયકારી છું. તમને છેતરનારી નથી. હે રાજન્ ! પૂર્વના પુણ્યથી જ દેવદર્શનની પ્રાપ્તિ થાય છે, તેમજ ભાગ્ય વિના દેવો મનુષ્ય ઉપર તુષ્ટમાન પણ થતા નથી. કહ્યું છે કે—દિવસે વિદ્યુત્ થાય તે અમોઘ, રાત્રિનો ગર્જારવ અમોઘ, સજ્જનોની વાણી. અમોઘ અને દેવનું દર્શન અમોઘ હોય છે.' ‘હે ભૂપ ! તમારે યત્કિંચિત્ પણ ભય રાખવો નહીં અને હું ક્યાં આ પરભૂમિમાં આવી પડ્યો એવી ચિંતા પણ કરવી નહીં. તમારે કાંઈપણ કાર્ય હોય તો મને યાદ કરવી. તમારા પુણ્યપ્રભાવથી હું તુરત જ આવીશ અને બધું સારું થશે અર્થાત્ હું તમારું સર્વ શ્રેય કરીશ તમારે કાંઈપણ અરિત ન કરવી અને આ બધું મેં કર્યું છે એમ તમારે કહેવું. એમાં જ તમારું ભાવિહિત રહેલું છે. મારા ખબર આપવાથી હમણાં જ ઉત્સાહિત થઈને અહીંના રાજા વગેરે તમને લઈ જવા માટે તમારી સામે આવશે. તેમના આમંત્રણથી તમારે તેમની સાથે તુરત જ જવું. તેમાં કાંઈ જ વિચાર કરવો નહિ ભાવિમાં તમારું સર્વ પ્રકારે હિત થવાનું જ છે એમ સમજવું. કારણકે દેવવાણી અન્યથા થતી નથી.”
આ પ્રમાણેની દેવીએ કહેલી સર્વ હકીકત સાંભળીને રત્નપાળ રાજાએ કહ્યું કે—‘હે દેવી ! તમે કહ્યું તે તો બરાબર પણ મારે તે બન્ને કન્યોને નિરોગી શી રીતે કરવી ? તે કાંઈ હું જાણતો નથી.' દેવીએ કહ્યું કે—“હે મહાસત્ત્વવંત ! એમ ન બોલો, તમારી પાસે જે સિદ્ધરસ છે તેથી ક્ષણમાત્રમાં તે કન્યા નિરોગી થશે.' રાજાએ કહ્યું કે—‘તે વાત ઠીક છે, પણ તે રસનો કુંભ તો મારા ભંડારમાં છે.' દેવીએ કહ્યું કે—‘તે તુરત જ અહીં લાવી આપું છું.' એમ કહી દેવી ક્ષણમાત્રમાં તે રસનો કુંભ લાવીને રાજાને આપ્યો અને કહ્યું કે–રાજપુત્રીને ગુણ કરનાર રસકુંભ સાચવીને રાખજો.' એમ કહીને તે અદૃશ્ય થઈ ગઈ. દિવ્યાનુભાવથી રાજા તુરત જ મૂચ્છિત થયો અને પાછો સાવધ થયો. પછી મનમાં વિચારવા લાગ્યો કે—આ તો ઇન્દ્રજાળ છે કે આ મારા ચિત્તની ચપળતા છે ? અથવા તો શું મેં સ્વપ્ન જોયું છે ? અને તે પુરુષરૂપધારી દેવ ક્યાં ગયો ?' આ પ્રમાણે આંખો મીંચીને વિચારવા લાગ્યો અને ચારે દિશાએ જોવા લાગ્યો.