________________
પંચમ પલ્લવ
૧૧૭ દીન અનાથ વગેરે લોકોને અનુકંપાવડે પુષ્કળ દાન આપીને, સર્વ પ્રાણીઓના હિત માટે સર્વત્ર અમારી પડહ વગડાવીને, ગામનગરાદિકમાં અનેક જનોને ઋણમુક્ત કરીને તેમજ બીજા પ્રકારે પણ ગૃહસ્થ ધર્મ આરાધીને મહાસેન રાજા દીક્ષા લેવા માટે તત્પર થયો.
પછી સારા દિવસે શિબિકામાં બેસીને, મોટા ઉત્સવપૂર્વક, ચતુરંગિણીસેના સહિત, સચિવાદિકથી પરિવરેલા, માથે છત્ર ધરાવતા, બે બાજુ શ્વેતચામરોવડે વીંઝાતા, અશ્વારૂઢ અને ગજારૂઢ એવા કેટલાક સેનાનીઓથી યુક્ત, વળી વૈરાગ્યરસથી સંપૂર્ણ એવા રાજા દક્ષા લેવા માટે રત્નપાળની સાથે ચાલ્યા. માર્ગમાં સ્થાને સ્થાને લોકો અનેક પ્રકારે તેનું સન્માન કરતા હતા. અર્થી મનુષ્યોને પુષ્કળ દાન દેવાતું હતું. લોકો સુવર્ણવડ તેમજ વસ્ત્રાદિવડે ન્યુંછણા કરતા હતા, રાજાની પાછળ બેઠેલી તેમની બહેન લુણ ઉતારતી હતી, બંદીજનો જયજય શબ્દ બોલી રહ્યા હતા, ગાંધર્વો અનેક પ્રકારના ગીતો વડે રાજાના ગુણોનું ગાન કરતા હતા, વિવિધ જાતિના અનેક પ્રકારના વાજીંત્રો વાગી રહ્યા હતા, નૃત્ય કરતી વારાંગનાઓ આગળ ચાલતી હતી, પંડિતજનો તે મહારાજાની અનુમોદના કરી રહ્યા હતા, પોતપોતાના ઘરના ગવાક્ષમાં બેઠેલી તેમજ રસ્તા પર ઉભેલી, પતિ સહિત તેમજ એકલી સ્ત્રી એક દૃષ્ટિથી રાજાની સામે જોઈ રહી હતી. તેમાંની કેટલીક મોતીઓથી અને કેટલીક અક્ષતથી રાજાને વધાવતી હતી, કેટલીક ચિરંજીવ, ચિરનંદ એમ આશિષ આપતી હતી, આખું નગર શણગારેલું હતું, દરેક દુકાને તોરણ અને ધ્વજાઓ બંધાયેલી હતી, માર્ગમાં પુષ્પના ઢગલાઓ કરેલા હતા કે જેથી રાજા આ માર્ગે જવાના છે એમ જણાતું હતું.
આ પ્રમાણેના ઉત્સવ સહિત મહાસેન રાજા નગર બહારનાં ઉદ્યાનમાં જ્યાં ગુરુભગવંત બિરાજમાન હતા ત્યાં આવ્યા અને તરત જ શિબિકામાંથી ઉતર્યા. પછી નિસીહી કહી ગુરુભગવંતને ત્રણ પ્રદક્ષિણા આપી મસ્તકે અંજલી કરીને રાજાએ હર્ષિત ચિત્તે વિધિપૂર્વક વંદન કર્યું. પછી પાંચ પ્રમાદને તેમજ મત્સરને તજીને રત્નપાળ સહિત રાજા યથાસ્થાને બેઠા. ગુરુમહારાજે મહાસેન રાજા વગેરેને ધર્મલાભરૂપ આશીષ આપી ને વિવેકરૂપી દીપકને પ્રગટ કરનારી દેશના આપવાનો - આરંભ કર્યો.
ભો ભવ્યજનો ! આ સંસારનું સમ્યગુ અને અસમ્યગુ સ્વરૂપ સાંભળો. આ સંસારમાં સુખ સસ્સવ જેટલું છે અને દુઃખ મેરુ સમાન છે. સંપદા ચંચળ છે, જીવિત ચંચળ છે, યૌવન અકાળે વિનાશ પામે તેવું છે, આ શરીર અનેક પ્રકારના વ્યાધિનું સ્થાન છે, તેથી જેમ બને તેમ નિરંતર ધર્મારાધનામાં યત્ન કરો. મનુષ્યભવ, આદિશ, પ્રશસ્ત જાતિ, ઉત્તમ કુળ–એ બધી વસ્તુને પામીને રાતદિવસ પુણ્યકાર્ય કરો કે જેથી તેના ઉદયવડે તમારું ઇચ્છિત કાર્ય સિદ્ધ થઈ શકે. જેમ સુતરના તાંતણા માટે રત્નની માળાને તોડનાર, ભસ્મ માટે ચંદનને બાળનાર, લોઢાની ખીલી માટે ભરસમુદ્રમાં પોતે બેઠેલા પ્રવાહણને ભાંગનાર, અક્ષય નિધાન પામ્યા છતાં નિત્ય ભિક્ષાનો અભિલાષી થઈને તે નિધાનને ત્યજનાર મહામૂર્ખ કહેવાય છે તેમ મહાદુર્લભ એવી મનુષ્યભવાદિ સામગ્રી પામીને, તેને ઐહિક સુખનો અભિલાષી થઈ ફોગટ ગુમાવનાર અને ધર્મ નહીં કરનાર પ્રાણી મહામૂર્ખ જેવો છે. કાષ્ટ જેવા હળુકર્મી જીવો જ આ અપાર અને દુસ્તર