________________
૧૧૧ પંચમ પલ્લવઃ વિશ્વનાયક ! આ સમગ્ર રાજ્ય તમારે આધારે છે. હે નાથ ! તમારા વિના શૂન્ય એવું રાજય શી રીતે ટકી શકે ? વળી તમારા વિના અમારું નિરોગીપણું પણ સર્વથા અયોગ્ય થઈ પડે, માટે તમારે આવું વચન તો બોલવું જ નહિં.
રાજાએ કહ્યું કે– હે મંત્રીઓ ! અનેક પ્રકારની ચિકિત્સા કરવા છતાં પણ આ પુત્રીઓને વ્યાધિ નાશ થયો નથી. તેથી તે વ્યાધિના દુઃખથી પીડિત પુત્રીઓ મૃત્યુ પામવા ઇચ્છે છે. વળી મારે એક પણ પુત્ર નથી તો આ દુઃખ હું શી રીતે સહન કરું ? મુખ્યમંત્રી બોલ્યા કે– હે સ્વામી ! હું કહું છું તે સાંભળો. પુત્રીના રોગની શાંતિ માટે આપણા રાજ્યની રક્ષા કરનારી શક્તિને તમે આરાધો. તમારા પૂર્ણ સદ્દભાવથી તે ભક્તવત્સલ દેવી જયારે તમારી ઉપર તુષ્ટમાનું થશે ત્યારે તે પુત્રીના રોગનો નાશ કરશે અથવા તેનો ઉપાય બતાવીને તમારા કાર્યની સિદ્ધિ કરશે. વળી હે રાજન્ ! મારું એક વચન સાંભળો, દુઃખ આવે ત્યારે સ્ત્રીજનને ઉચિત એવું મરણને શરણ ઇચ્છવું તે કાયરનું કામ છે, બીજાનું નહીં. “સંપત્તિમાં જેને હર્ષ નથી, વિપત્તિમાં જેને વિષાદ નથી અને રણમાં ધરપણું છે એવા ત્રણભુવનના તિલકરૂપ પુત્રને તો કોઈ વિરલ માતા જ જન્મ આપે છે.” જે પુરુષો સત્યથી સંયુક્ત છે, સર્વ કાર્યમાં વિચક્ષણ છે અને કષ્ટ પ્રાપ્ત થતાં પણ અકાર્ય જેઓ કરતા નથી, એવા ઉત્તમ પુરુષોથી જ આ પૃથ્વી શોભે છે.” વળી કાયર થવાથી અને મૃત્યુ પામવાથી કાંઈ દુઃખનો નાશ થતો નથી. માટે હે નાથ ! તમે સ્થિર ચિત્તવાળા થઈને ગોત્રદેવીનું આરાધન કરો, કાયરપણું તજી ઘો અને હૃદયમાં ધૈર્યતાને ધારણ કરો.”
આ પ્રમાણેના મંત્રીના વચનો સાંભળીને રાજાએ વિચાર્યું કે–“આ મંત્રી હંમેશા મારો હિતચિંતક છે, તેથી તેણે અત્યારે મને સાચો ઉપાય બતાવ્યો છે. આ પ્રમાણે વિચારી હર્ષમાં આવીને રાજા બોલ્યો કે– હે મંત્રી ! તારું કહેવું શક્ય છે.” માટે હું ગોત્રજ દેવીનું આરાધન કરું તેમાં તું મારો સાનિધ્યકારી થજે કે જેથી મને કોઈપણ પ્રકારનો ક્ષોભ થાય નહીં. સમર્થ અને તેજસ્વી પણ સહાય વિના કાર્ય કરી શકતા નથી. જુઓ ! પવનની સહાય વિના અગ્નિ વૃદ્ધિ પામતો નથી, પણ ઠરી જાય છે, માટે તારે મને આદરપૂર્વક સહાય કરવી. હવે તું સત્વર તેના આરાધનની સામગ્રી તૈયાર કરાવ.” આ પ્રમાણે મુખ્યમંત્રીને કહીને જુદા જુદા મંત્રીને યોગ્ય રીતે જુદી જુદી શિક્ષા આપીને રાજા પવિત્ર થઈ શુભ વસ્ત્ર ધારણ કરી કુળદેવતાના સ્થાનમાં આવ્યો. ત્યાં નિશ્ચળ મનથી શુભ ધ્યાનમાં તત્પર થઈ આહાર નિદ્રા વગેરેનો ત્યાગ કરી નિશ્ચળ થઈને બેઠો. તે વખતે રાજા મહાધ્યાની, મહામૌની માનમાયા વિનાના અને સ્થિરચિત્તવાળા કોઈ મુનીન્દ્રની સ્થિતિને પામ્યો. અમાત્ય પણ સ્થિર ચિત્તવાળો થઈને તેની પાસે બેઠો અને કપૂર, અગરુ અને કસ્તૂરી વગેરે સુગંધી દ્રવ્યોનો ભોગ આપવા લાગ્યો અર્થાત્ એવી સુગંધી વસ્તુનો ધૂપ કરવા લાગ્યો. જાપ, હોમ અને બલી આપીને તેમજ છેવટે પૂર્ણ આહૂતિ આપીને પછી રાજા દેવીને નમીને આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યો.
હે આદ્યશક્તિ ! તમને અમારા નમસ્કાર થાઓ. હે વિશ્વના વિબસમૂહને હરનારી ! તમે વિશ્વનું પાલન કરનારી છો અને ભક્તજનોને સિદ્ધિ આપનારી છો, સર્વજ્ઞ છો, સર્વગત છો, સર્વ કલ્યાણકારી છો, તમે એક હોવા છતાં સર્વજીવોના દેહમાં જુદા જુદા રૂપે રહેલી છો.