________________
પંચમ પલ્લવર
૧૦૯ * * આ પૂર્વસમુદ્રના પ્રદેશમાં રત્નપુર નામનું નગર છે. અહીંની ભૂમિ સ્વર્ગલોક જેવી સર્વને સુખ આપનારી છે. અહીં મહાસેન નામે રાજા રાજય કરે છે. તે દશે દિશામાં પ્રસિદ્ધ છે. પૂર્વ દિશાના દેશોનો સ્વામી છે અને સુવર્ણસમાન કાંતિવાળો છે. તે રાજાને પ્રેમવાળી, સારી સ્ત્રીઓમાં શિરોમણિ પાંચ હજાર સ્ત્રીઓમાં મુખ્ય અને દક્ષ એવી પ્રેમવતી નામે પટ્ટરાણી છે આ રાજાની પાસે દશક્રોડ નગર, ગામ અને પુર છે. દશ લાખ હાથી છે. દશ લાખ રથો છે. વીશ કોડ પાયદળ છે. ત્રીસ લાખ ઘોડાઓ છે, ભંડારમાં ગણી ન શકાય તેટલું દ્રવ્ય છે. પણ ખામી માત્ર એક છે કે તેને કુળ અને રાજયની ધુરાને ધારણા કરનાર પુત્ર નથી. પુત્રપ્રાપ્તિ માટે રાજાએ અનેક ઉપાયો કર્યા પરંતુ પૂર્વકર્મના વિપાકથી તેને પુત્ર થયો નહીં. મણિ, મંત્ર, ઔષધિ, યંત્ર, દેવોની આરાધના–એ સર્વ પુણ્યનો યોગ હોય તો જ ફળે છે. તે વિના નિષ્ફલ થાય છે. “મોટું પહોળું કરીને દાંત બતાવતો, હાસ્ય કરતો, કાલું કાલું બોલતો, રમણીય વચનો સંભળાવતો, ખોળામાં રમતો અને આનંદ કરતો બાળક પોતાના પગની રજવડે જેના ખોળાને ધૂલીધૂસર કરે છે એવા પુત્રની માતાને ધન્ય છે.” “વંધ્યપણુ, બાળરંડાપણું, મૂકપણું, અંગનું તીનપણું, કુષ્ટ અને પાંડુરોગીપણું એ સર્વ પાપના યોગથી પ્રાપ્ત થાય છે.”
રાજાએ સંતાન પ્રાપ્તિ માટે અનેક પ્રકારના પુણ્ય કાર્યો આરંભ્યા અને દરરોજ અનેક દુઃખી તેમજ દીનજનોને દાન આપવા લાગ્યો. દેવપૂજા કરવા લાગ્યો. વિશેષ કરીને સુપાત્રને દાન આપવા લાગ્યો. આ પ્રમાણે કરતાં તેનું અંતરાયકર્મ કંઈક પાતળું પડ્યું. અનુક્રમે તે રાજાની પટ્ટરાણી પ્રેમવતી સગર્ભા થઈ. જેથી રાજા, રાણી અને પ્રજાજનો અત્યંત હર્ષિત થયા. ગર્ભસ્થિતિ પૂર્ણ થતા રાણીએ બે પુત્રીને જન્મ આપ્યો. રાજાએ બહુ હર્ષ પામીને તેની વધામણી આપી તેમજ જન્મમહોત્સવ કર્યો. રાજા સંતાન વિનાનો હતો તેથી પુત્રીઓ થવાથી પણ તેને અરેણ્યમાં જળની પ્રાપ્તિ થવાથી તૃષાર્ત મનુષ્યને જેટલો આનંદ થાય તે કરતાં વધુ આનંદ થયો. જેમ વૃક્ષ વિનાના ગામમાં એરંડો પણ મહાવૃક્ષ ગણાય છે, તેમ પુત્ર વિનાના રાજાને પુત્રીનો જન્મ પણ સો પુત્રના જન્મ જેવો ઈષ્ટ લાગ્યો. બન્ને પુત્રીઓનો જન્મમહોત્સવ કર્યા બાદ યોગ્ય સમયે તેના કનકમંજરી ને ગુણમંજરી એ પ્રમાણે નામ પાડ્યા. શુક્લપક્ષમાં જેમ ચંદ્ર વૃદ્ધિ પામે તેમ દાસીઓવડે લાલનપાલન કરાતી તે બન્ને કન્યાઓ વૃદ્ધિ પામવા લાગી. બુદ્ધિગુણવાળી તે બને કન્યાઓને સર્વ કળાઓ શીખવવામાં આવી. અનુક્રમે તે રૂપલાવણ્યના મંદિરરૂપ તરૂણાવસ્થાને પામી. નેત્રને આનંદ આપનારી તે બે પુત્રીને જોઈને રાજા તેના વિવાહને માટે ચિંતા કરવા લાગ્યો, તેવામાં અકસ્માત્ શું બન્યું તે સાંભળો :
- એક પુત્રી ઝરતાકુષ્ઠવાળી થઈ ગઈ અને બીજી પુત્રી અંધ થઈ ગઈ. તે જોઈને દુઃખના પુરથી પ્લાવિત થયેલો રાજા વિચારવા લાગ્યો કે-“અહો ! આ બન્ને પુત્રીઓને અકસ્માતુ આ શું થઈ ગયું ? દૈવે આ કન્યારત્નને દૂષિત કરી નાંખ્યા. આ બાબત અંગે કોને પૂછું અને શું કરું?” આ પ્રમાણે દુઃખને ધારણ કરતો રાજા રાજયની ચિંતાથી પણ વિમુખ થયો. તેટલામાં પ્રધાનપુરુષોએ તેમને વિનયપૂર્વક કહ્યું કે-“હે રાજન્ વિષાદ શા માટે કરો છો ? વિષાદ કરવાથી કંઈ થતું નથી. કર્મની ગતિ વિષમ છે. દૈવને ઉપાલંભ દેવાથી પણ શું? મનને મજબૂત કરો અને અનેક વૈદ્યોને બોલાવીને તેઓ કહે તેમ આ રોગની શાંતિને માટે વિવિધ પ્રકારની