________________
૧૦૮
શ્રી ધર્મલ્પદ્રુમ મહાકાવ્ય નથી, પરંતુ આપે જિનપૂજા કરવા માંડી ત્યારથી હું કરી શકતો નથી. તે કારણથી મારા ચિત્તમાં ખૂબ અરતિ રહ્યા કરે છે. તેથી હું ક્ષીણ થાઉં છું.” તે સાંભળીને તમે કહ્યું કે–“હે વત્સ! તું પણ ખુશીથી જિનપૂજા કર.” પછી તે દરરોજ ઘણા ભાવપૂર્વક જિનપૂજા કરવા લાગ્યો. તમે પણ તેને પુત્રવત્ માનવા લાગ્યા. અનુક્રમે કાળયોગે શૂળની વ્યાધિથી તે સેવક અકસ્માત મરણ પામ્યો અને પુણ્યયોગથી તમારે ત્યાં જ પુત્રપણે ઉત્પન્ન થયો.
આ પ્રમાણે પોતાનું પૂર્વ વૃત્તાંત સાંભળીને વૃદ્ધાકુમારને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. અને ગુરુભગવંતે કહેલું સર્વ વ્યતિકર તથારૂપે જાણ્યું. તેમજ આ બધું જિનાર્ચનનું ફળ છે એમ પણ નિશ્ચય થયો. પછી તે ગુરુમહારાજને વંદન કરી પોતાના પિતાની સાથે ઘરે આવ્યો. અનુક્રમે વૃદ્ધાકુમાર તે નગરનો રાજા થયો અને જિનપૂજાદિ તેમજ દાનાદિ અનેક પ્રકારના ધર્મકાર્ય વિશેષ પ્રકારે કરવા લાગ્યો. આવી રીતે ઘણા વર્ષો પર્યત ધર્મારાધન સાથે રાજ્યની પ્રતિપાલના કરી. પ્રાંતે ગુરુમહારાજ પાસે ચારિત્ર લઈને મોક્ષલક્ષ્મીનું ભાજન થયો. શ્રીજિનેશ્વરની પૂજા કલ્યાણ કરે છે. દુરિતને હરે છે, લક્ષ્મીની વૃદ્ધિ કરે છે, પુણ્યનો સંચય કરે છે, માન્યપણું ઉપજાવે છે અને કર્મશત્રુને હણે છે. આ પ્રમાણે જિનપૂજા અનેક પ્રકારના સુખ આપનારી થાય છે.”
“હે રત્નપાળ રાજા ! તમે નિરંતર એકાગ્રચિત્તે જિનપૂજન કરો કે જેથી મહાસૌખ્યનું ભાજન થાઓ.” આ પ્રમાણે જિનપૂજાનું ફળ સાંભળીને ઘણા ભવ્ય પ્રાણીઓ હર્ષિત થયા અને તેઓએ ગુરુભગવંત પાસે જિનાર્ચન કરવાનો નિયમ ગ્રહણ કર્યો. પછી રત્નપાળ રાજા ગુરુવંદન કરીને પોતાને સ્થાને આવ્યો અને ગુરુમહારાજાએ અન્ય ભવ્ય જીવોને પ્રતિબોધ આપવા માટે અન્યત્ર વિહાર કર્યો.
હવે રત્નપાળ રાજા તે દિવસથી વિશેષ પ્રકારે જિનપૂજા કરવા લાગ્યો. તે સાથે બીજા પણ ધર્મકાર્યો કરવા લાગ્યો. એક વખત ગ્રીષ્મકાળે જળક્રીડા કરવા માટે તે ગંગા કિનારે ગયો અને એકલાએજ નાવડીમાં બેસીને ગંગા પ્રવેશ કર્યો. તેને ક્રીડા કરતા જે અકસ્માત બનાવ બન્યો તે સાંભળોઃ
અકસ્માતુ મહા બળવાનું પવન વાવા લાગ્યો અને તે પવનથી ઉછળતી નાવડી એકદમ જલ્દી ચાલી. નાવડીના શીઘગમનથી રત્નપાળ રાજાએ અનેક નગર દ્વીપ, પર્વતો અને વૃક્ષો જોયા. એમ કરતાં કરતાં એક મુહૂર્તમાં તો તે નાવડી પૂર્વ સમુદ્ર સુધી પહોંચી ગઈ. પરંતુ ત્યાં કિનારો આવવાથી નાવડી સ્વયમેવ ઊભી રહી. તેથી રાજા સ્વસ્થ થયા અને નાવડીમાંથી ઉતરીને કિનારા ઉપર ગયા ત્યાં એક પુરુષ શીવ્રતાથી તેની પાસે આવ્યો અને બોલ્યો કે–“હે મહારાજ ! તમે જરા પણ વિષાદ કરશો નહીં, તમે અહીં દૂર વિદેશમાં આવ્યો છો પણ તમારું કંઈ પણ અશ્રેય થયું નથી. તમે મનમાં એમ ના વિચારશો કે હું અહીં ગામની સીમ, જન, જનપદ વગેરે કંઈપણ જાણતો નથી. તો હું શું કરીશ? અને ક્યાં જઈશ ? કારણકે તમારું તો સર્વદા સર્વત્ર સર્વ પ્રકારે શુભ જ થવાનું છે. હું તમારો સહાયભૂત છું. તમારું હિત કરનારો છું. જેથી પરિણામે તમારું સર્વ પ્રકારે શ્રેય જ થશે. હે સુંદર ! હું તમને એક વાત કહું તે સ્વસ્થ થઈને સાંભળો કે જે સાંભળવાથી તમારા ચિત્તને ઘણું આશ્વાસન મળશે.