________________
૧૦૬
શ્રી ધર્મકલ્પદ્રુમ મહાકાવ્ય ઉડશે. તેના પવનથી સમુદ્રનું જળ બહુ જ ઊછળશે. એટલે તેની પ્રેરણાથી આવર્તમાં પડેલું વહાણ તરત જ તેમાંથી બહાર નીકળી જશે અને સમુદ્રમાં પોતાને ઇચ્છિત માર્ગે ચાલવા લાગશે. હે વૃદ્ધાકુમાર ! આ કલ્પમાં કહેલી હકીકત મેં આપને કહી, હવે આપને યોગ્ય લાગે તેમ કરો.”
વૃદ્ધાકુમાર ઘણો સાહસિક અને સત્ત્વવંત હોવાથી તેની કહેલી વાત સાંભળીને તુરત જ મૃગપુચ્છની દીવી સળગાવીને ચાલ્યો અને તે પુરુષે બતાવેલા બીલમાં પ્રવેશ્યો. પછી તેણે બતાવ્યા પ્રમાણે બધું કર્યું, તેથી વહાણ આવર્તમાંથી નીકળી રસ્તે પડ્યું. અનુક્રમે તેઓ કલ્પજ્ઞપુરુષ સહિત સિંહલદ્વીપે આવ્યા. વૃદ્ધાકુમાર બીલમાં રહ્યો. રાજાએ “વૃદ્ધાકુમાર ક્યાં છે?” એમ પૂછતાં તેની હકીકત જાણવાથી તે કલ્પજ્ઞ પુરુષ ઉપર રાજા બહુ જ કોપાયમાન થયા. તેને કહ્યું કે–“અરે દુખ ! તે આ શું કર્યું? ખાસ વૃદ્ધાકુમારને જ ત્યાં રાખ્યો !” પછી તેને કજે કરીને રાજા દુખપૂર્વક કાળ પસાર કરવા લાગ્યો.
અહીં વૃદ્ધાકુમાર વાપિકામાં દેહ, વસ્ત્ર અને આત્માનું પ્રક્ષાલન કરીને પવિત્ર થઈ વનમાંથી સુંદર ફૂલો લાવીને દરરોજ ભક્તિપૂર્વક શ્રી યુગાદિદેવની પૂજા કરવા લાગ્યો. એક વખત ત્યાં એક કન્યા આવી. તે વૃદ્ધાકુમારને જોઈને તેણે પોતાની માતાને તે વાત જણાવી. તેણીએ પોતાના સ્વામીને તે વાત કહી. વિદ્યાધર તે વાત સાંભળીને તુરત જિનમંદિરે ગયો અને ત્યાંથી વૃદ્ધાકુમારને સન્માનપૂર્વક પોતાને મંદિરે લઈ આવ્યો. પછી સ્નાન ભોજન તેમજ વસ્ત્રાદિકથી તેનો સારી રીતે સત્કાર કર્યો, વિદ્યાધરની પ્રિયાએ એકાંતમાં વૃદ્ધાકુમારને કહ્યું કેતમને અમારી પુત્રી પરણાવવાની છે પરંતુ તેના કરમોચન સમયે તમે તમારા શ્વસુર પાસેથી દેવાધિષ્ઠિત આકાશગામી પલંગ છે તે માંગી લેજો. ત્યારબાદ વિદ્યાધરે કુમારને પોતાની પાસે બોલાવીને કહ્યું કે- હે કુમાર ! મને પૂર્વે એક નિમિત્તિયાએ કહ્યું હતું કે–અહીં એક સાહસિક અને રૂપવંત એવો કોઈ પુરુષ એકાકી આવશે, તે અહીં દેવાલયમાં જિનપૂજા કરીને પછી ત્યાં રહેલી ઘંટા વગાડશે. તે વૃદ્ધાકુમાર નામનો પુરુષ તમારી પુત્રીનો પતિ થશે.” આજે તે બધી વાત સાચી થઈ છે અને તે કારણે જ હું તમને અહીં લઈ આવ્યો છું. તો હવે હે મહાશય ! આનંદથી તમે મારી પુત્રીનું પાણિગ્રહણ કરો.” વૃદ્ધાકુમારે તેનું વચન માન્ય કર્યું. તેથી વિદ્યાધરે તેનો પાણિગ્રહણ મહોત્સવ કર્યો. કરમોચન પ્રસંગે અનેક સુર્વણરત્નાદિ આપ્યા. વૃદ્ધાકુમારે આકાશગામી પલંગ માંગ્યો, તે પણ તેણે આપ્યો.
પછી વૃદ્ધાકુમાર પોતાના સાર્થને મળવા જવા ઉત્સુક થયો, એટલે તેના શ્વસુર વિદ્યાધરે કહ્યું કે-“મારી મૂળસ્થિતિ તો વૈતાઢ્ય પર્વત ઉપર છે. અમારો ધન ભંડાર ત્યાં છે. અહીં તો સ્વલ્પ માત્ર ધન રાખીએ છીએ અને આ મનોહર મકાન માત્ર ક્રીડા કરવા માટે અહીં આવીએ ત્યારે રહેવા માટે બનાવ્યું છે. તેથી તમારે કોઈ અવસરે ત્યાં આવવું કે જેથી અમે વિદ્યા અને દ્રવ્યાદિવડે તમારો સારી રીતે સત્કાર કરશું.” આ વાતનો સ્વીકાર કરીને વૃદ્ધાકુમાર પ્રિયા સહિત પલંગ પર આરૂઢ થઈ શ્વસુરે આપેલું સુવર્ણરત્નાદિ લઈ આકાશમાર્ગે સિંહલદ્વીપ તરફ ચાલ્યો. ક્ષણમાત્રમાં તે ત્યાં પહોંચ્યો. વૃદ્ધાકુમારને આવેલ જોઈને સિંહલનૃપતિ હર્ષિત થયા પછી પેલા કલ્પજ્ઞ વણિકને કારાગૃહમાંથી છૂટો કર્યો અને કુમારના ગુણથી રંજીત થઈને તેનું દાણ છોડી દીધું.