________________
૧૦૨
શ્રી ધર્મસ્પદ્રુમ મહાકાવ્ય બોલે છે? તું જ્યાં જ્યાં જઈશ ત્યાં ત્યાં હું તારી પાછળ આવીશ. સત્ત્વવાનુને શું દુઃસાધ્ય છે? સમુદ્ર પણ દુસ્તર નથી. મેરુ પણ ત્યાં સુધી જ ઊંચો છે કે જ્યાં સુધી ઉદ્યમી પુરુષ તેની ઉપર ચડવા ઇચ્છતો નથી.” આ પ્રમાણે પરસ્પર વાતો કરતા તેઓ ચાલવા લાગ્યા. એમ કરતા આખી રાત વીતી ગઈ અને પ્રભાત થવાથી સૂર્યોદય થયો. તેની કાંતિથી ઉદ્યોત વિનાનો થયેલો દીપક ગાઢ વનમાં કોઈક જગ્યાએ તે ધૂર્તની દષ્ટિને ઠગીને છૂપાઈ ગયો. પેલો જુગારી વિચારવા લાગ્યો. કે–“દીપક દેખાતો નથી તેથી જરૂર તે મને ઠગીને ક્યાંક છૂપાઈ ગયો લાગે છે. ધૂર્ત એવા મને પણ તેણે ઠગ્યો. તેણે પોતાનું વચન સત્ય કર્યું. દેવશક્તિ પ્રબળ હોય છે. આ લોકોક્તિ અન્યથા ન થઈ.
- શીકાંપરથી પડેલા બીલાડાની જેમ, યૂથથી ભ્રષ્ટ થયેલા મૃગની જેમ, નિશાન ચૂકેલા શૂરવીરની જેમ, તાલથી ચૂકેલા નટની જેમ, સત્યથી ચૂકેલા સપુરુષની જેમ, શાખા પરથી પડેલા વાનરની જેમ, તેમજ ફાળ ચૂકેલા સિંહની જેમ તે જુગારી ખેદમાં નિમગ્ન થઈ ગયો. તે વિચારવા લાગ્યો કે-“હું ધૂર્ત હોવા છતાં દીપકથી ઠગાણો, તેથી “કાગડાને ઠગનાર પણ કોઈક મળે છે. એ લોકવાણી સાચી થઈ. દીવાની પાછળ મને વનમાં દૂર જતો કરીને ચંડિકા દેવીએ મને મારી નિશૂકતાનું ફળ આપ્યું. મેં એની અવજ્ઞા કરી તેના દીવાનું તેલ લીધું તેથી તેણે મને વૈરી ગણીને મારી ઘણી વિડંબના કરી, માટે હવે આજ પછી તેની આ પ્રમાણે અવજ્ઞા ન કરવી.”
હવે તે જુગારી ચિંતાતુર થઈને તે વનમાં ભમતો હતો તેટલામાં તેણે જાજ્વલ્યમાન અગ્નિવાળો આશ્ચર્યકારી એક અગ્નિકુંડ જોયો, તે કુંડની પાસે તેણે અતિ મનોહર અને રૂપવડે દેવાંગનાનો પણ તિરસ્કાર કરે તેવી નવયૌવના બે કન્યાઓ જોઈ. તેની સમીપે વિકળાકૃતિવાળો, દીન મુખવાળો અને કુશશરીરવાળો એક પુરુષ જોયો. તેને જોઈને પેલો જુગારી બોલ્યો કે-“અરે ભદ્રે ! તમે બન્ને કોણ છો અને આ પુરુષ કોણ છે? આ વનમાં તમે ક્યાંથી આવ્યા છો? મને તમારું વૃત્તાંત કહો, મને તે સાંભળવાનું કૌતુક છે.” આમ પૂછવા છતાં તેને ધૂર્ત જાણીને તે કન્યાઓએ ઉત્તર આપ્યો નહીં, મૌન જ રહી, તેથી જુગારી પોતાના પગલાને અનુસારે પાછો ચાલ્યો અને અનુક્રમે પોતાને સ્થાને પહોંચ્યો.
એ જુગારીએ રાજસભામાં જઈને રત્નપાળ રાજાને તે બે કન્યાઓની અપૂર્વ વાત કરી. રાજાએ અપૂર્વ વાત કહેનારને લક્ષ દીનાર આપવાનું જાહેર કર્યું હતું તેથી એ જુગારીને લક્ષ દ્રવ્ય આપ્યું.
પછી રત્નપાળ રાજા તે જુગારીની સાથે વનમાં આવ્યો અને ત્યાં બે કન્યાઓને જોઈને તેણે આદરપૂર્વક પૂછયું કે–“હે સ્ત્રીઓ ! તમે કોણ છો ? આ વિકળ પુરુષ કોણ છે ? અને આ વનમાં તમે શા માટે બેઠી છો !' આ અગ્નિકુંડ શેનો છે? તેની સમીપે તમે કેમ સ્થિર થયેલી છો? મને તમારું સર્વ વૃત્તાંત કહો, મને તે સાંભળવાનું કૌતુક છે. હું રત્નપાળ નામે પાટલીપુત્ર નગરનો સ્વામી છું.”
આ પ્રમાણે રાજાએ પૂછવાથી કાંઈક વિચારીને તે બેમાંથી એક કન્યા બોલી–હે નૃપ !