________________
પંચમ પલ્લવઃ
૧૦૧
કરનારની લક્ષ્મી સ્થિર રહેતી નથી.' તે જુગારીએ એક દિવસમાં જ લાખ દીનાર ગુમાવ્યા. ખરેખર ! ભાગ્ય વિપરીત હોય ત્યારે જ પ્રાણીને ધૂત, વેશ્યાસંગ અને વિવાદ સૂજે છે.’ મહાચંડિકા જેવી ઘૂતક્રિયામાં જે આસક્ત થાય છે તે મોટો ધનવાન્ હોવા છતાં પણ દ્રવ્યરહિત થઈ જાય છે, તેમજ લંગોટી પહેરનાર, રજવડે વ્યાપ્ત શરીરવાળો, હાથમાં કપાળ લઈને ફરનારો અને વિરસ અન્ન ખાનારો થાય છે.
તે જુગા૨ી તો ત્યારપછી પણ પૂર્વેની જેમ દેવીના મંદિરમાં આવી તેના શરીરપર બે પગ મૂકી પૂડલા ખાતો હતો. તેથી દેવી વિચારવા લાગી કે ‘જુગારીની આ કુચેષ્ટાનું નિવારણ કેવી રીતે કરું ? આ બાબત અંગે ગાઢ નિર્ણય કરવો પડશે, કારણકે પૂર્વે પણ આણે મારી ઘણી વિડંબણા કરી છે. તેથી મને બહુ ચિંતા રહ્યા કરે છે.” આ પ્રમાણે વિચારતા તેણે નિર્ધાર કર્યો કે ‘હં....હવે તેનો ઉપાય મળી ગયો છે. આજે તેના આવવાને સમયે દિવ્ય પ્રભાવથી દીવો જ બહાર કાઢી લઈશ. તેથી જો દીવો જ નહીં હોય તો તેને તેલ ક્યાંથી મળશે ? અને આ પ્રમાણે કરવાથી તેને ભય લાગશે તેથી તે પૂર્વની જેમ કુચેષ્ટા પણ નહીં કરે.' આ પ્રમાણે તે વિચારે છે તેટલામાં તે જુગા૨ી આવ્યો, તે દીવા પાસે ગયો ત્યાં દીવો તો મંદિરની બહાર નીકળ્યો. તેથી જુગારી ચકિત થઈને વિચારવા લાગ્યો કે—‘‘આ શું ? આકાશમાં ચંદ્રબિંબની જેમ આ દીવો ક્યાં જાય છે ? લાગે છે કે મને ભય પમાડવા માટે દેવી આ પ્રમાણે કરી રહી છે. પણ નિર્ભય એવા મને ભય વળી કેવો ? આ તો મારા ભયથી દીપક બહાર જાય છે એવું જણાય છે. પરંતુ દીવાના તેલ વિના લુખા પુડલા કેવી રીતે ખાઈશ ? માટે આ દીવાને રોકુ.' આમ વિચારી તે દીવાની પાછળ ચાલ્યો અને દીવાને કહ્યું કે—અરે ! તું ક્યાં જાય છે ? તું જ્યાં જઈશ ત્યાં હું તારી પાછળ આવીશ અને તારું તેલ લઈને હું પુડલા ખાઈશ.” આમ કહીને તે શીઘ્રતાથી દીવાની પાછળ જવા લાગ્યો. જ્યાં જ્યાં દીવો જાય છે ત્યાં ત્યાં તેની પાછળ પાછળ આ જુગારી પણ જાય છે અને કહેતો જાય છે કે—‘‘અરે પ્રદીપ ! ઊભો રહે, ઊભો રહે, કાયરની જેમ કેમ ભાગી જાય છે ? તેજવાળો હોવા છતાં કેમ ભાગી જાય છે ?” તેના આવા શબ્દો સાંભળીને દેવીના *પ્રભાવથી દીપક બોલ્યો કે—‘‘અરે ! પણ મારી પાસે આપવા યોગ્ય શું છે જેથી તું મારી પાછલ પડ્યો છે ? રે કુમાનુષ ! રે ધૂર્ત ! લુખો પુડલો ખાઈ લે. હું તો સમુદ્ર કિનારે જાઉં છું. મારું તેલ તને મળવાનું નથી.” દીપકનું આવું વચન સાંભળીને જુગારી બોલ્યો કે ‘‘ભો ભો ગૃહમણિ (દીપક) ! સાંભળ, હું પવનથી પડી જનાર કોઠા જેવો નથી. તથા કુવાના કે મઠના કબૂતર જેવો પણ નથી જે શબ્દમાત્રથી કુવામાંથી કે મઠમાંથી જતા રહે.”
આ પ્રમાણે સાંભળીને તેનો જવાબ આપ્યા વિના દીપક તો અવિચ્છિન્ન પણે ચાલવા જ લાગ્યો. ક્ષણમાત્ર પણ ઊભો રહ્યો નહીં. જુગારી પણ શીઘ્રગતિએ તેની પાછળ ચાલ્યો. તેથી દીપકે જુગારીને કહ્યું કે “અરે જનાચારવર્જિત ! અરે મૂર્ખ ! તું જાણતો નથી કે મનુષ્યનું સત્ય દેવસમાન ન હોય અને જે પોતાના સામર્થ્યનો વિચાર કર્યા વિના મોટાની સાથે વાદ કરે છે તે શીઘ્ર વિનાશ પામે છે. એમ પંડિતપુરુષો કહે છે. માટે હવે તું પાછો જા, હું તો સમુદ્ર કિનારે જવાનો છું. તું ગમે તે કરીશ પણ હું તને તેલ આપવાનો નથી. માટે ફોગટ શા માટે ખેદ પામે છે ? દીપકના આવા વચન સાંભળીને જુગારી બોલ્યો કે, ‘‘અરે દીપક ! તું વારંવાર શું કામ