________________
૮૬
શ્રી ધર્મક્લ્પદ્રુમ મહાકાવ્ય,
કે—‘‘હે નૃપ ! હે મહારાજ ! જે કાર્ય સાધવું હોય તે સત્વર સાધો, કારણકે તમારું આયુષ્ય એક મહિનાથી વધારે નથી.” આ પ્રમાણે ગુરુમુખેથી પોતાનું સ્વલ્પ આયુષ્ય સાંભળીને રાજા તુરત જ સ્વસ્થાને ગયો. પુત્રને રાજ્યપર સ્થાપન કરીને શિખામણ આપતા રાજાએ કહ્યું કે “હે પુત્ર ! તારે ઘુતાદિવ્યસન, દુર્જનની સંગતિ, વિશ્વાસીનો ઘાત, વેષનો આડંબર, શક્તિવાળા સાથે કલહ, આશ્રિત ઉપર કોપ, અન્યાયનું કથન, કરેલાનો અપલાપ, દોષ સંબંધી અસત્ય પ્રલાપ અર્થાત્ કોઈની ઉપર અસત્ય દોષારોપણ, સ્વપ્રશંસા, પરદારાગમન અને નિંદિત કાર્ય—એ સર્વનો ત્યાગ કરવો.” આ પ્રમાણે પુત્રને શિક્ષા આપીને, યથાવિધિ દાન આપીને તેમજ મંત્રી વગેરેને યોગ્ય ભલામણો કરીને રાજાએ ગુરુભગવંત પાસે આવી ચારિત્ર ગ્રહણ કર્યું અને જીવનપર્યંત નિરતિચાર ચારિત્ર પાળીને પ્રાંતે મોક્ષે ગયા.
હવે રત્નપાળ રાજા ન્યાયપૂર્વક પ્રજાનું પાલન કરતો આનંદથી રહે છે. શૃંગારસુંદરી વગેરે હજારો રાણીઓ સાથે આઠ પ્રકારના સુખભોગ ભોગવે છે. તે આઠ પ્રકારના સુખભોગ આ પ્રમાણે છે સુગંધ, સુવન્ન, ગીત, તાંબુળ, ભોજન, વાહન, મંદિર અને શય્યા. ઉત્તમ પુરુષોએ તદુપરાંત સુભોજ્ય, ગીત, કાવ્ય, કથા, કાંચન અને કામિની આ છ પ્રકારના સુખો કહ્યા છે. વિષયાર્ણવમાં નિમગ્ન તે રત્નપાળ બીજું કંઈ જાણતો નહોતો. તે તો નિશ્ચિતપણે સ્ત્રીઓમાં તેમજ ગીત-નૃત્યાદિ જોવામાં જ તત્પર રહેતો. જય નામના મંત્રીની ઉપર રાજ્ય સંબંધી તમામ ચિંતા અને તમામ ભારનું આરોપણ કરીને તે શક્રની જેમ નિશ્ચિંત થઈને રહેતો હતો. દોગુંદક દેવની જેમ શૃંગારસુંદરી સાથે વિષયસુખ ભોગવતા તે પોતાના દિવસો પસાર કરતો હતો. ‘અપત્ય, અંગસેવા, ભોગ, સ્વજનોનું ગૌરવ અને ગૃહકાર્યનો નિયોગ—આ પાંચ સ્ત્રીરૂપી વેલડીના ફળો છે.'
ગુણો વડે રત્નાકર જેવા રત્નપાળને પણ અત્યંત વિષયસેવન દોષોત્પત્તિ માટે થયું. ખરેખર ચંદ્રમાં લંછન, હિમગિરિમાં હિમ, સમુદ્રના જળમાં ખારાશ, સૂર્યનાં કિરણોમાં તીક્ષ્ણતા, મલયજમાં કટુતા, જળમાં પંક, દૂધવિનાની હાથિણી પુષ્પફળવિનાની અહિતિકા—આ પ્રમાણે દુર્દેવે આ જગત્ માત્રને દૂષિત કર્યું છે. સર્વથા નિર્મળ તો કોણ રહ્યું છે ? સંસારમાં પણ સર્વકાર્યમાં સમભાવથી જ શુભ થાય છે. તેથી સભ્યોએ રત્નપાળને વધારે પડતા વિષયસુખથી પાછા વાળવા માટે ઘણી રીતે નિષેધ કર્યો પણ રાજા તે વ્યસન ત્યજી શક્યો નહીં. પ્રાણીને પુણ્યપાપના અનુભવ પ્રમાણે જ સુખદુઃખની પ્રાપ્તિ થાય છે. બુદ્ધિ કર્માનુસારે થાય છે અને સિદ્ધિ પણ તે અનુસારે જ થાય છે. મંત્રી પૂર્વે પણ રાજ્યમાં લુબ્ધ તો હતો જ વળી બિલાડાને રક્ષણ માટે દૂધ સોંપવાની કહેવત પ્રમાણે જ્યારે તેને રાજ્ય સોંપી દેવામાં આવ્યું ત્યાર પછી તો શું કહેવું ?
એક વખત તે મંત્રી શૃંગારસુંદરી રાણીનું રૂપ જોઈને તેના પર મોહ પામ્યો. તેથી કામાર્ત થયેલો તે ક્ષુધા તૃષા બધું ભૂલી ગયો. તેને કોઈ પણ સ્થળે રતિ પ્રાપ્ત થતી નહોતી. એક વખત ભાગ્યયોગથી તેને એક સિદ્ધપુરુષ મળી ગયો. તેણે મંત્રી પર પ્રસન્ન થઈને તેને અઁવસ્વાપિની વિદ્યા આપી. વિદ્યા મેળવ્યા બાદ તે દુષ્ટ મંત્રીએ પગાર વધારીને સર્વ રાજસેવકોને પોતાને વશ