________________
ચતુર્થ પલ્લવઃ
૮૫
વર વૈરાગ્ય પામી દેશાંતરમાં ચાલ્યો ગયો. ત્રીજો વર તેના અસ્થિ લઈને તીર્થમાં નાખવા ગયો. ચોથો વર તો ત્યાગી થઈ તેની સંસ્કારભૂમિ પાસે જ બેઠો અને નગરમાંથી ભિક્ષા માગી લાવી તેને પિંડ આપીને પછી પોતે ખાવા લાગ્યો. પ્રિયાના વિરહથી અહર્નિશ ત્યાં જ બેસી રહેવા લાગ્યો.
હવે દેશાંતર ગયેલા વરે કોઈ સ્થાનેથી સંજીવિની વિદ્યા મેળવી, તેથી તેણે ત્યાં આવી તેના બાકી રહેલા અસ્થિ ઉપર વિદ્યામંત્રિત જળ છાંટ્યું, જળના પ્રભાવે તે કન્યા તત્કાળ સજીવન થઈ, તથા તેની સાથે મરણ પામેલો વર પણ સજીવન થયો. તીર્થે ગયેલો વર પણ ત્યાં આવી પહોંચ્યો અને પાછા ચારે વર તે કન્યા માટે વિવાદ કરવા લાગ્યા. સ્વજનો પણ ભેગા થયા. નગરના લોકો તથા રાજપુરુષો આવ્યા. પરંતુ તેના વિવાદનો નિર્ણય કરી શક્યું નહીં. તેટલામાં ત્યાં આવેલા એક મહાબુદ્ધિશાળી પ્રૌઢવયવાળા પુરુષે તેમની હકીકત સાંભળીને નિર્ણય કરતા કહ્યું કે—‘તીર્થે અસ્થિ નાખવા ગયો તે તો પુત્ર કહેવાય, સાથે જીવતો થયો તે ભાઈ કહેવાય, જીવાડનાંર–જન્મ આપનાર પિતા કહેવાય, બાકી જે તેના મૃત્યુસ્થાને બેસી રહ્યો અને નિરંતર પિંડ આપ્યો તે જ પતિ થવા માટે યોગ્ય કહેવાય. લોકોમાં પણ જે ભરણપોષણ કરે તે જ સ્વામી કહેવાય છે. આ પ્રમાણેનો તેનો નિર્ણય સર્વજનોએ સ્વીકાર્યો અને ત્રણ વરો પણ વિવાદ છોડીને સ્વસ્થાને ગયા પછી ચોથા વર સાથે તેનું પાણિગ્રહણ કરાવવામાં આવ્યું.” *
આ કથા દ્વારા સાર એ લેવાનો છે કે—જેમ વિદ્યા મેળવવાથી કે કષ્ટ કરવાથી સ્વામી બની શકાય નહીં, પણ નિરંતર ભોજન આપવાથી સ્વામી બની શકાય, તેમ ક્ષમાથી જ નિવૃત્તિ પ્રાપ્ત થાય છે—તે સિવાયના અન્ય કષ્ટોથી તે પ્રાપ્ત થતો નથી.''
વિદ્યા વિનાનું તત્વજ્ઞાન, શમ રહિત તપ અને મનઃસ્વૈર્ય વિના તીર્થયાત્રા વંધ્યા સ્ત્રીની જેમ નિષ્ફળ છે. કરોડો જન્મમાં તીવ્ર તપસ્યા કરીને જીવ જેટલા કર્મ ખપાવી શકે છે તેટલા કર્મો સામ્યભાવનું આલંબન કરવાથી ક્ષણાર્ધમાં ખપાવી શકે છે, વીતરાગનું ધ્યાન કરવાથી જેમ મનુષ્ય વીતરાગ થાય છે તેમ સમસ્ત અપધ્યાનને નિવારીને *ભ્રામરધ્યાનનો આશ્રય કરવાથી મનુષ્ય ઉચ્ચ સ્થિતિને પામે છે. સ્થાનમાં, માનમાં, જનમાં, અરણ્યમાં, સુખમાં તેમજ દુઃખમાં વીતરાગતાના ધ્યાનનો અભ્યાસ કરવાથી મન તેમાં લયલીન થઈ જાય છે. જેમ પુષ્પમાં ગંધ, દૂધમાં ઘૃત અને કાષ્ટમાં તેજ (અગ્નિ) રહેલ છે તેમ જીવમાં જ્ઞાન રહેલું છે, પરંતુ તે તદ્ યોગ્ય પરિકર્મ કરવા દ્વારા વ્યક્ત થઈ શકે છે. પાપરૂપ દાવાનલના સમૂહનું શમન કરવા માટે મેઘઘટાતુલ્ય, સુકૃતની શ્રેણિરૂપ કલ્પલતાની પૃથ્વીતુલ્ય અને વિશદધર્મને પ્રસવનાર માતાતુલ્ય સ્ફુરાયમાન ગુણગણવાળી કરુણા ચિરકાળ જયવંતી વર્તે છે.''
આ પ્રમાણેની દેશનાને અંતે રાજાએ પૂછ્યું કે—‘હે ભગવન્ ! મારું આયુષ્ય કેટલું છે? તે જલ્દી કહો, તે જાણવા હું અત્યંત ઉત્સુક છું." આ પ્રશ્નના ઉત્તર આપતાં ગુરુભગવંતે કહ્યું
* ભ્રમરો ઇયળને ચટકો ભરે તેથી ઇયલ તેનું ધ્યાન કરે છે તે ધ્યાન તીવ્ર હોવાથી ઇલિકા ભ્રમર થઈ જાય છે તે ધ્યાનને ભ્રામરધ્યાન કહેવાય છે.