________________
અનુવાદકના ઉદ્ગારો
પ્રાચીન આગમોની મદદ વિના પોતાની મેળે જ તે તે કલ્પનાઓને કરનાર તથા પ્રાચીન આચાર્યોના મતોની અભ્યાસરૂપી સેવાને નહીં કરનારાઓને વિદ્યા અત્યંત પ્રસન્ન થતી નથી.
આ લેખકને પહેલા પાદનું ભાષાંતર કરતાં કરતાં જણાયું છે કે આચાર્ય ભગવંતશ્રીના જીવનમાં ઉપરોક્ત શ્લોકો જાણે કે સ્વભાવરૂપ બની ગયા હતા. તે તે સ્થાનોમાં પૂર્વના મહાપુરુષોની કૃતિઓનું આલંબન લઈને પોતાની શ્રેષ્ઠ કૃતિનું સર્જન એમણે વિશ્વ સમક્ષ મૂક્યું છે. હું મારું અહોભાગ્ય સમજું છું કે આ ગ્રંથના નિમિત્તે જ મને આચાર્ય ભગવંતશ્રીના સંસ્કારોના વારસામાં ઊંડા ઊતરવાની ઉત્તમ તક પ્રાપ્ત થઈ છે. આ કૃતિનું સર્જન મને અને બીજાઓને આત્મકલ્યાણની પ્રાપ્તિ કરાવવા દ્વારા અનહદ ઉપકાર કરનારું થાય તેવી હું પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું.
આ ભાષાંતરની શરૂઆત સંવત ૨૦૬૫માં જેઠ સુદ-૫ ગુરુવાર, તા. ૨૮-૫-૨૦૦૯ની સવારે ૧૧-૪૫ કલાકે સૂરજમંડન પાર્શ્વનાથ દાદાની ભક્તિ કરીને મુમુક્ષુઓની હાજરીમાં અત્યંત ઉલ્લાસ સાથે કરેલ હતી. આ ગ્રંથ ચાલુ કરવામાં એક પ્રેરણાએ મને અત્યંત ઉત્સાહ આપ્યો. તા. ૨૧-૫-૨૦૦૯ના દિવસે અંજનશલાકા કરાવેલ મારા નમિનાથ દાદાનો પ્રવેશ મેં ઉમરવાડી પાર્શ્વનાથ જિનાલયમાં કરાવ્યો હતો. તથા એ અરસામાં (સમયમાં) ગોપીપુરા નેમુભાઈની વાડી ઉપાશ્રયમાં પૂ. શાસનસમ્રાટ નેમિસૂરીશ્વરજી મહારાજાના સમુદાયના સોમચંદ્રસૂરીશ્વરજી મહારાજા બિરાજમાન હતા. ત્યાં તેમને વંદનાર્થે જવાનું થયું. તે વખતે ત્યાં શ્રીચન્દ્રસૂરીશ્વરજી મહારાજા (જેઓશ્રીની આચાર્ય પદવી આ પ્રસંગ બન્યા પછી થઈ હતી) બિરાજમાન હતા. તેમણે મને સૂચન કર્યું કે જગદીશભાઈ તમારી પાસે સિદ્ધહેમશબ્દાનુશાસનનો આટલો સરસ બોધ છે તો ભવિષ્યની પેઢી માટે કંઈક એવી કૃતિનું સર્જન કરો જેથી ૫૦૦ વર્ષ પછી પણ લોકો આચાર્ય ભગવંતશ્રીને યાદ કરે. તેમણે કોઈક સારી પળે આ સૂચન કર્યું અને મને તેમાં આગળ વધવાનો ઉત્સાહ પ્રાપ્ત થયો. ત્યારબાદ વખતોવખત એમની પ્રેરણા મળતી જ રહી.
વ્યાકરણ ચાલુ કર્યા પછી મારા પિતાશ્રીની બિમારી આવી અને ટૂંકી માંદગીમાં જ તેઓ આ દુનિયામાંથી વિદાય થયા, તેમની પ્રેરણાએ તથા મારા પ્રત્યેના અત્યંત આદરભાવે મને આ કાર્યમાં આગળ વધવાનું બળ આપ્યું. મારા બાપુજીનું અવસાન તા. ૧૪-૧૦-૨૦૦૯ના દિવસે થયું. ત્યારપછી ૨૮-૧૦-૨૦૦થી પાલિતાણા ચાર મહિના માટે નવ્વાણુંયાત્રામાં રહેવાનું થયું. ત્યાં પ. પૂ. આ. ભ. શ્રી ચન્દ્રગુપ્તસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય યશોજિતવિજયજી મહારાજાના દીકરા મહારાજની (૧/૧/૨) સૂત્રમાં સહાય પ્રાપ્ત થઈ. ત્યારપછી એક મુમુક્ષુને બહુ મોટું વિઘ્ન આવ્યું. આ વિઘ્ન ઘણું લાંબું ચાલ્યું. થોડા વખત પછી હું પણ મોટા વિપ્નમાં ફસાયો. પરંતુ શ્રી આદીશ્વર દાદા અને છેલ્લે શ્રીશંખેશ્વર દાદાની અસીમ કૃપાથી લાંબું વિઘ્ન પણ અંતે દૂર થયું.