________________
૨૮
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ આવા વિકટ કાળમાં પણ આ ગ્રંથ લખવાનો ઉત્સાહ ઓછો ન થયો. તર્કસમ્રાટ પ. પૂ. આ. ભ. શ્રી જયસુંદરસૂરીશ્વરજી મહારાજાની (૧/૧/૧) તથા (૧/૧/૨) સૂત્રમાં ઘણી જ સહાય પ્રાપ્ત થઈ.
હિમાચલ પ્રદેશમાં ગરલી(કાંગડા)માં રહીને રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાનમાં અભ્યાસ કરાવતા ડૉ. વિજયપાલ શાસ્ત્રીની સહાયને તો હું ક્યારેય ભૂલી શકીશ નહીં. ટેલિફોન ઉપર ઘણીવાર તો કલાક-કલાક સુધી એમની સાથે તે-તે પંક્તિઓની ચર્ચા થાય. એમ કરતાં કરતાં અગમ્ય પંક્તિઓનો બોધ એમના દ્વારા પ્રાપ્ત થયો. એક વાર હિમાચલ પ્રદેશથી એમને સુરત બોલાવ્યા. અને લગભગ દશ દિવસ સુધી રોજ છ-છ કલાકની મીટીંગો ચાલી. પાલિતાણામાં પણ તેઓ ૧ માસ માટે આવ્યા હતા. એમ એમની પાસેથી મહાભાષ્યના આધારે શબ્દાનુશાસનનો અભુત બોધ પ્રાપ્ત થયો. કેટલીક અગમ્ય પંક્તિઓનો બોધ દિવસો સુધી ચિંતન કરવા છતાં થતો ન હતો. એવી પંક્તિઓનો બોધ કરાવવા માટે શ્રીશંખેશ્વર દાદાએ તથા સરસ્વતીદેવીએ મારી ઉપર અસીમ કૃપા કરી. છેલ્લે છેલ્લે હરિદ્વારમાં બાબા રામદેવના આશ્રમમાં જવાનું થયું. ત્યાં બાબા રામદેવના (યોગાચાર્યના) ગુરુ પ્રદ્યુમ્નાચાર્ય પાસેથી પણ સહાય પ્રાપ્ત થઈ.
આ. શ્રી વિજય ૐકારસૂરીશ્વરજી આરાધનાભવન, આ. શ્રી વિજય રામચન્દ્રસૂરીશ્વરજી આરાધનાભવન તથા આ. શ્રી વિજય નેમિસૂરીશ્વરજી મહારાજાના જ્ઞાનભંડારોના ટ્રસ્ટીગણનો ઉપકાર હું ભૂલી શકું તેમ નથી. આ સમગ્ર કાર્ય દરમ્યાન પ. પૂ. આ. ભ. શ્રીગુણરત્નસૂરીશ્વરજી મહારાજા તથા પ. પૂ. આ. ભ. શ્રીમુનિચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની પણ સહાય તે તે વખતે પ્રાપ્ત થઈ છે.
આ સમયે પરમપદમાં રહીને અભ્યાસ કરતા મુમુક્ષુ બહેનોના ઉપકારને (શ્રુતસેવાને) હું ભૂલી શકું તેમ નથી. કદાચ એ બહેનોએ લખવા વગેરે દ્વારા મને સહાય ન કરી હોત તો હું આ પુસ્તક બહાર પાડી શકત નહીં. શાસ્ત્રપાઠો શોધી આપવા માટે પણ એ બહેનો મને ઘણી જ સહાય કરી છે. અંતમાં જે જે ઉપકારી આજે મને યાદ નથી આવ્યા તેઓનો પણ હું ખરા હૃદયથી આભાર વ્યક્ત કરું છું...
પ્રાંતે, પ્રસ્તુત ભાષાંતર દરમ્યાન કોઈપણ સ્થાનમાં મારા મતિદોષને કારણે ગ્રંથકારશ્રી આચાર્ય ભગવંત શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના આશયવિરુદ્ધ કે જિનવચન વિરુદ્ધ કાંઈ પણ નિરૂપણ થયું હોય તેનું હું મન-વચન-કાયાથી મિથ્યાદુકૃત માંગું છું.
સમકિત બંગલો, પાલિતાણા, લિ. પં. શાદીશભાઈ છોટાલાલ શાહ વિ. સં. ૨૦૬૯, ભાદરવા સુદ ૧૧, તા. ૧૫-૯-૨૦૧૩. (હીરસૂરિ મ. સા. સ્વર્ગારોહણ દિન)