________________
૧૫
અનુવાદકના ઉદ્દગારો છે. સિદ્ધરાજ જયસિંહ આ સમયમાં માલવપતિ યશોવર્મા ઉપર જીત મેળવીને પાટણમાં પધાર્યા હતા તે સમયે રાજસભાની વચ્ચે શ્રી હેમચન્દ્રાચાર્યએ પોતાના કવિત્વપૂર્ણ આશીર્વાદથી રાજાને આ રીતે બિરદાવ્યા હતા : भूमि कामगवि ! स्वगोमयरसैरासिञ्च रत्नाकर ! मुक्तास्वस्तिकमातनुध्वमुडुप ! त्वं पूर्णकुम्भीभव। धृत्वा कल्पतरोर्दलानि सरलैदिग्वारणास्तोरणा-न्याधत्त स्वकरैर्विजित्य जगतीं नन्वेति सिद्धाधिपः॥१॥
હે કામધેનુ ! તું તારા ગોમયરસથી ભૂમિ સિંચી દે, હે રત્નાકર ! તું મોતીઓથી સ્વસ્તિકને પૂરી દે, હે ચન્દ્ર! તું પૂર્ણ કુંભ બની જા, હે દિગ્ગજો ! તમે સુંઢ સીધી કરી કલ્પવૃક્ષના પત્રો લઈ આવીને તોરણો રચો. ખરેખર ! સિદ્ધરાજ જયસિંહ પૃથ્વી જીતીને અહીં આવે છે.
આ સ્તુતિથી રાજવી ખૂબ ખુશ થાય છે. રાજા વિદ્યાપ્રિય હતો. આથી અવંતિના રાજભંડારમાં કયા-કયા વિષયના ગ્રંથો છે. એ બાબતમાં પંડિતોને પૃચ્છા કરી. પંડિતોએ અલગઅલગ ગ્રંથોના નામ આપ્યા. તે સાંભળ્યા પછી સિદ્ધરાજને થયું કે મારો દેશ પરાયા શાસ્ત્રો પર નભે છે. આ સ્થિતિ સંસ્કારસંપન્ન દેશ માટે લજ્જાસ્પદ છે. શું આપણા ભંડારોમાં શબ્દોની વ્યુત્પત્તિ કરનારું શાસ્ત્ર નથી? પંડિતોએ આ બાબતમાં ના કહી. આથી રાજાએ પંડિતોને પૂછ્યું કે આખા ગૂર્જરદેશમાં એવો કોણ સર્વશાસ્ત્રનિપુણ વિદ્વાન છે, જે આ કાર્ય કરી શકે ? આ સાંભળીને ભેગા થયેલા બધાય વિદ્વાનોએ શ્રીહેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાનું નામ આપ્યું. આથી સિદ્ધરાજ જયસિંહે ગુરુજીને વિનંતી કરી કે “હે મહર્ષિ ! શબ્દોની વ્યુત્પત્તિ કરનારું શાસ્ત્ર રચીને અમારા મનોરથ પૂર્ણ કરો. આપના સિવાય અત્યારે આ દેશમાં આ મનોરથને પૂર્ણ કરવા માટે બીજો કોઈ સમર્થ નથી. અત્યારે આપણો દેશ કલાપક અને કાત– વ્યાકરણને ભણે છે અને તેમ છતાંય એનાથી જોઈએ એવી શબ્દોની વ્યુત્પત્તિ થતી નથી. પાણિની વ્યાકરણ વેદાંગ છે એમ કહીને બ્રાહ્મણો અન્યોની અવગણના કરે છે. માટે, __ यशो मम तव ख्याति, पुण्यं च मुनिनायकः । विश्वलोकोपकाराय, कुरु व्याकरणं नवम् ॥१॥
મુનીશ્વર ! તમે સમગ્ર લોકના ઉપકારના માટે નવા વ્યાકરણની રચના કરો, જેથી મને યશ મળશે અને તમને ખ્યાતિ તથા પુણ્ય થશે.”
આ ઘટના ઉપરથી એવું જણાય છે કે આ વ્યાકરણની રચના વિક્રમ સંવત ૧૧૯૨માં થઈ હશે. આચાર્ય ભગવંતશ્રીએ એક વર્ષની મહેનતને અંતે વ્યાકરણના પાંચેય અંગો તૈયાર કર્યા હતાં. પાંચ અંગો આ પ્રમાણે હતા : (૧) શબ્દાનુશાસન, (૨) ઊણાદિગણ સૂત્રો, (૩) લિંગાનુશાસન, (૪) હૈમ-ધાતુપારાયણ, (૫) ગણપાઠ. આ વ્યાકરણની અદ્ભુત વિશેષતા એ છે કે બધા જ અંગોની રચના આચાર્ય ભગવંતશ્રીએ કરેલી. પાણિની વ્યાકરણમાં સૂત્રો તથા