________________
•
અરિહંત ભગવંતના શાસનની તો વાત જ ન્યારી છે આ શાસન તો સ્વયંભૂરમણ સમુદ્રમાં રહેલ માછલાને પણ આઠમાં દેવલોકમાં પહોંચાડી દે છે. અરિહંત ભગવંતના શાસનની દીક્ષા એ તો એક એવી સ્ટીમર છે, જે સમુદ્રમાં ડૂબતાં ભવ્યાત્માઓને બચાવીને અંતર્મુહૂર્તમાં અજર અમર બનાવી શકે છે. અરિહંત ભગવંતની દીક્ષા માટે આઠ વર્ષની વય આગમકારોએ નક્કી કરી છે. એમાં કોઈ ગર્માષ્ટમ કહે છે. કોઈ જન્માષ્ટમ કહે છે. જે હોય એ, પણ આઠ વર્ષની વાત સર્વેને માન્ય છે. એ આઠ વર્ષની ઉંમરે જેણે દીક્ષા લીધી છે એ સમયે એના સદ્ભાગ્યે જો ગુરુ સદ્ગુરુ મળી ગયા હોય તો તે એ પોતાનો અને જિનશાસનનો ઠાઠ વધારી પાટ શોભાવી, ભવભ્રમણાની રખડપાટ મીટાવી દેવલોકના પાટ (પલંગ)ને ભોગવી મોક્ષ નગરનું રાજપાટ મેળવી લે છે. અરિહંત ભગવંતની પ્રરૂપેલ દીક્ષામાં શિક્ષા છે જ. શિક્ષામાં દીક્ષાની વાત વિકલ્પ છે જ્યારે દીક્ષામાં શિક્ષા હોય જ. દીક્ષા શિક્ષા વગર હોય જ નહીં. અને એ શિક્ષા કર્મ માટે શિક્ષા બની જાય છે તેથી ફર્મ, એ દીક્ષિતથી દૂર જવામાં જ સાર સમજે છે. અરિહંત ભગવંતે દીક્ષા સ્વીકારીને એની આચરણા દ્વારા પરીક્ષા કરીને જગતને કહી દીધું કે દીક્ષા વિના દિશા વિદિશાઓમાં જે પરિભ્રમણ થઈ રહ્યું છે તેથી મુક્તિ નહી મળે.
અરિહંત ભગવંતની દીક્ષા એ કાયરો માટે નથી એમ ભગવંતે સ્પષ્ટ રૂપે એની આચરણની કઠિનતા બતાવીને કહી દીધું છે. અરિહંત ભગવંતે પ્રરૂપેલી પ્રવજ્યા માટે નિયમ બંધારણ છે. એ ગમે તેને ન જ અપાય. એક રૂપિયાની નોટ હાથમાં લેવા માટે પણ યોગ્યતા મનાય છે. છ મહિનાના બાળકના હાથમાં એક રૂપિયાની નોટ નથી અપાતી. તો શું દીક્ષા-પ્રવજ્યા ગમે તેને આપી દેવાય? ન જ અપાય. અરિહંત ભગવંતે કહ્યું છે કે પરીક્ષા કર્યા વગર જે આવે એને દીક્ષા આપી દેનારા અને લેનારાનું બંનેનું અહિત થાય છે. અગ્નિ કચરાને બાળવા માટે ઉપયોગી સાધન છે પણ એ અગ્નિ પ્લાસ્ટિકના નાના વાસણમાં કોઈને ન જ અપાય. એમ દીક્ષા કર્મ કચરાને બાળવા માટે અગ્નિ જેવી છે એને ગ્રહણ કરવા માટે પાત્ર સારું અને મજબુત જોઈએ. આગમકારોએ તો કહ્યું છે કે સિંહણનું દૂધ રત્નપાત્રમાં જ રહી શકે તેમ દીક્ષા પણ સુદઢ ધર્મવાળા આત્માને જ આપી શકાય. ગમે તેને નહીં જ. અરિહંત ભગવંતની અનુપસ્થિતિમાં આચાર્ય ભગવંતો તીર્થંકરના અવતાર તુલ્ય ગણાય છે. અરિહંત ભગવંતના શાસન ધુરાને વહન કરનાર આચાર્યોની ધર્મ શ્રદ્ધારૂપી મહેલની એક પણ કાંકરી જમાનાવાદના પ્રચંડવાયુના ઝંઝાવાતથી પણ ન ખરે. તેઓનો શ્રદ્ધારૂપી મહેલ એવા ઝંઝાવાતમાં પણ, નિભર્યપણે પોતાનું અસ્તિત્વ જગતને દર્શાવે છે. એ ધર્મ શ્રદ્ધારૂપી મહેલના અસ્તિત્વથી આકર્ષાઈને અનેક ભવ્યાત્મા એ મહેલના શરણે આવી પોતાને જમાનાવાદના ઝેરી ઝંઝાવાતથી બચાવી લે છે. અરિહંત ભગવંતના શાસનના આચાર્યોને બીજાઓના કરેલા પાપોનું ફળ ભાગવું પડે છે તેનું વર્ણન કરતાં કહ્યું છે કે શિષ્ય ચોથા વ્રતમાં દૂષણ લગાડે તો શિષ્યને જે પાપ લાગે એના કરતાં ગુરુને ૧૬ ગણું અને બીજા મહાવ્રતોના દૂષણનું ચારગણું લાગે. અને ચતુર્વિધ સંઘનું કરેલું પાપ આચાર્યોને અર્ધ ભાગે આવે. એ પાપ એ આચાર્યને જ લાગે કે આચાર્ય સારણા વારણા-ચોયણા અને પડિચોપણા પ્રત્યે દુર્લક્ષ સેવે છે.
•