________________
૪૮
• ભૂમિકા ૦
૧૮. સંશોધનઅંગેની માહિતી
“પ્રાચીન હસ્તપ્રતો કે તાડપત્રોના માધ્યમે મુદ્રિત ગ્રંથનું યથોચિત શુદ્ધિકરણ” એ દરેક સંપાદકની પ્રસિદ્ધ પદ્ધતિ હોય છે. વળી મૂળકર્તાની હાજરીમાં લખાયેલ ગ્રંથમાં આગળ કાળ વીતતા અક્ષરભેદ કે પંક્તિભેદ પણ સંભવિત છે. વળી તે વખતે લખતાં લહીઆઓના પ્રમાદને લીધે પણ પાઠભેદ સંભવે છે. તેથી પછીના કાળમાં રહેલ મુનિવર કે પંડિતવર્ય તે તે અક્ષર-પંક્તિના પાઠોની પૂર્તિ-શુદ્ધિ અન્ય અન્ય પ્રતો તથા શાસ્ત્રીય સુમેળ વડે અનુમાનથી કરતા હોય છે.
તત્ત્વાર્થાધિગમંસૂત્ર
પ્રાચીન અર્વાચીન કાળમાં લખાયેલ અનેક કૂળની વિભિન્ન પ્રતિઓ હોય છે. તેમાંથી ઉપલબ્ધ અને શુદ્ધ જણાતી પ્રતિઓના આધારે આ ગ્રંથ-શુદ્ધિનું કાર્ય કરવાનું હોય છે. આ મૂલ્યવાન પ્રતિઓની ઉપલબ્ધિ ઘણી કઠીનાઈથી થતી હોય છે. તેમજ ઉપલબ્ધ થયા પછી, તેના ઉપર તપાસવાનું સચોટ કામ પણ જાણકાર અને ધી૨જવાળા અનેકોના શ્રમથી જ શક્ય છે. વળી પાઠશુદ્ધિનો અંતિમ નિર્ણય તો સંશોધકસંપાદક ઉપર જ નિર્ભર રહે છે. અર્થસંગતિ - આશય સંગતિ (મૂલકર્તાના આશય મુજબ) અને શાસ્ત્રીય સંગતિના આધારે જ શુદ્ધિ કરવાની હોય છે. એમાં ક્યારેક એવું પણ બને કે પૂર્વના સંપાદનકારે જે પાઠને નીચે ટિપ્પણીમાં ટાંક્યો હોય, તે જ પાઠ મૂલમાં ટાંકવા જેવો હોય, તથા ઉદ્ધૃત પાઠનું જે મૂળ આગમાદિસ્થાન દર્શાવ્યું હોય, તે યોગ્ય ન હોય. ઉદ્ધૃત પાઠોમાં શબ્દફેર, સ્વરશ્રુતિ આદિ હોય, ક્યાંક કોઇક પાઠ જ લખવાનો રહી ગયો હોય. કયારેક પદચ્છેદની ગડબડના કારણે અર્થનો વિપર્યાસ થઈ ગયો હોય, અથવા ક્યાંક એમને પંક્તિ ન બેસતાં પ્રશ્નચિહ્ન (?) મૂક્યું હોય, ક્યાંક પોતાને ઠીક લાગતો પાઠ ( ) આવા કૌંસમાં મૂક્યો હોય, આવા અનેક સ્થળોનું પરિમાર્જન યથાયોગ્ય કરવું તે નવીન સંપાદનકારનું કર્તવ્ય બને છે. માટે આ સર્વ બાબતોનો લગભગ ખ્યાલ રાખી, પ્રસ્તુત સંપાદનનું કાર્ય કરવામાં આવ્યું છે. આના પૂર્વ સંપાદન કર્તા પં. શ્રી હીરાલાલ રસિકલાલ કાપડિયા, કે જે પોતે, ગણિતના પ્રોફેસર હોવા છતાં સ્વ-રસથી જ આ સંસ્કૃત પ્રાકૃત ભાષાના ગ્રંથોના સંપાદનસંશોધનમાં આગેકૂચ કરી આવા અનેક અપ્રગટ ગ્રંથોનું સુચારુ સંશોધન-સંપાદન કરી જિનશાસનની જે સેવા કરી છે, તે ખરેખર અનુમોદનીય અને અનુકરણીય છે. આ પુનઃસંપાદનના કાર્યમાં એમનું પૂર્વ સંપાદન મને ખૂબ ઉપયોગી બન્યું છે. તેથી મારા ઉપર પણ પૂર્વના સંપાદકનો ઉપકાર છે જ પરંતુ ઘણી ચીવટ રાખવા છતાં અનેક ત્રુટીઓ રહી જવા પાછળ ઉચિત હસ્તપ્રતાદિ સામગ્રીની અપ્રાપ્તિ, સમયાભાવ, મુદ્રણદોષ ઇત્યાદિ અનેક કારણો હોઈ શકે છે. અનેક કૂલની હસ્તપ્રતો અને તાડપત્રોથી તથા અનેક ગ્રંથોના સંદર્ભથી લગભગ ૫૦ જેટલા સ્થળે અશુદ્ધ પાઠોનું શુદ્ધિકરણ તથા ૨૫ જેટલા ત્રુટક પાઠોની પૂર્તિ કરવાનું શક્ય બન્યુ છે. શુદ્ધપ્રાયઃ કહી શકાય તેવા ૬૦થી વધુ પાઠાંતરો મળ્યા છે. એ ઉપરાંત પણ ક્ષતિ રહી જવી સંભવિત છે જે વિશે વિદ્વજ્જનો મારું ધ્યાન દોરવાની કૃપા કરે.
જુદા-જુદા સમયે જુદા-જુદા સ્થળે અલગ-અલગ હસ્તપ્રતો મળી, વિહારાદિ અનેક કાર્યોની વ્યસ્તતા વચ્ચે જુદા-જુદા ક્ષેત્રોમાં અલગ-અલગ સમયે જુદી-જુદી હસ્તપ્રતના પાઠાંતરોની નોંધ થઈ. તેથી બધી પ્રતોનો દરેક ઠેકાણે ઉલ્લેખ નથી કરી શક્યા પણ જ્યાં જેટલી પ્રતના શુદ્ધ-અશુદ્ધ પાઠ નોંધેલ છે ત્યાં તેટલી પ્રતોનો નિર્દેશ સ્પષ્ટ પણે કર્યો છે.