________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર
• ભૂમિકા છે
૨૭
૧૦. શ્વેતામ્બર બન્ને (શ્રી સિદ્ધસેનગણિજી, શ્રી હરિભદ્રસૂરિજી) ટીકાકારોએ સૂત્ર-ભાષ્યને પોતાની પરમ્પરાના માન્યા છે. અને જ્યાં સૂત્ર અથવા ભાષ્ય સાથે વિરોધ દેખાય ત્યાં તેનો સ્પષ્ટ નિર્દેશ કરી દે છે. અથવા તો આગમ સાથે એનો સમન્વય-સાધી આપે છે. અથવા એમ માની લે કે આ વાત આચાર્યની પોતાની પરમ્પરાની હશે અથવા કોઈ દુર્વિદગ્ધ ભાષ્યનો આ અંશ વિકૃત કર્યો હશે (દા.ત. જુઓ ૩/૧૭ સૂત્રની તત્ત્વાર્થસિદ્ધસેનીય ટીકા (મુદ્રિત પુ. પાન રક૭)
૧૧. દરેક શ્વેતામ્બર વિદ્વાનોમાં, ટીકાકારોમાં આ મૌક્ય છે કે તત્ત્વાર્થસૂત્ર અને એનું ભાષ્ય એમની પોતાની જ પરમ્પરાના છે. જ્યારે તત્ત્વાર્થસૂત્રના પ્રાચીન દિગંબર ટીકાકાર મૂલગ્રંથ ઉપર વિસ્તૃત ટીકા રચીને પણ ગ્રંથકારના માટે બે શબ્દ પણ લખતા નથી એના ઉપરથી નક્કી થાય છે કે તેઓ તેમના વિષયમાં કાંઈ જાણતા નથી અથવા જાણે છે છતાં લખતા નથી કેમકે એમની પોતાની પરમ્પરાના નથી. અતઃ એમનો ઉલ્લેખ જ કેમ કરવો ?
૧૨. પ્રાચીન કાળમાં ગ્રંથકર્તા મૂલગ્રન્થમાં પોતાના કર્તા રૂપે ઉલ્લેખ ન કરી જિનવાણી પ્રત્યે પોતાનો વિનય પ્રદર્શિત કરતાં હતાં એ વાત બરાબર છે પણ પૂજ્યપાદ દેવનંદી અને ભટ્ટ અકલંકદેવ તો તત્ત્વાર્થના ટીકાકાર છે - એમને સૂત્રકર્તાનો ઉલ્લેખ કરવામાં શું વાંધો હતો ? ઉલટુ એમની આ ઉલ્લેખની રીત કૃતજ્ઞતાના ઉપદેશરુપ બની જાત. વળી એ સમયમાં ગ્રંથની શરૂઆતમાં પૂર્વજ આચાર્યોને સ્મરણ કરવાની પરમ્પરા પણ પ્રચલિત હતી તો પછી દિગંબર પરંપરાની પ્રાચીન ટીકાઓમાં સૂત્ર કર્તા - શ્રી ઉમાસ્વાતિજીનો ઉલ્લેખ કેમ નથી કર્યો ? આનું એક માત્ર કારણ એ છે કે તેઓ તેમને પોતાની (= દીગંબર) પરંપરાના માનતા ન હતા. આવી જ પરિસ્થિતિ શ્રી વિમલસૂરિજીના સંબંધમાં પણ રહી છે. પદ્મચરિત અને પઉમચરિયમાં શ્રી વિમલસૂરિજીના “પહેમચરિયનું અનુસરણ કરવા છતાં પણ એમના નામનો ક્યાંય પણ ઉલ્લેખ નથી કર્યો.
૧૩. પ્રો. હર્મન જેકોબી, પ્રો. વિન્ટર્નિટ્સ, પં. સુખલાલજી આદિ દેશવિદેશના વિદ્વાનો ભાષ્યને નિશ્ચિતરૂપે સ્વપજ્ઞ તરીકે સ્વીકારે છે. દિગંબર વિદ્વાન પં. નાથુરામજી પ્રેમી સ્વયં લખે છે કે - “ભાષ્યની લેખન શૈલી પ્રસન્ન અને ગંભીર હોવા છતાં પણ દાર્શનિકતાની દૃષ્ટિથી અલ્પવિકસિત અને અલ્પપરિશીલિત છે. સંસ્કૃતના લેખન અને જૈન સાહિત્યના દાર્શનિક શૈલીના જે વિકાસની પછી સર્વાર્થસિદ્ધિ લખાઈ છે, એ વિકાસ ભાષ્યમાં દેખાતો નથી. અર્થની દૃષ્ટિએ પણ સર્વાર્થસિદ્ધિ (ભાષ્યની અપેક્ષાએ) અર્વાચીન લાગે છે. જે વાત ભાષ્યમાં છે, સર્વાર્થસિદ્ધિમાં એનો જ વિસ્તાર કરીને અને એના પર અધિક ચર્ચા કરીને નિરૂપણ કરાયું છે. ભાષ્યની અપેક્ષાએ એમાં તાર્કિકતા વધારે છે અને અન્ય દર્શનોનું ખંડન પણ ઘણું છે. વ્યાકરણ અને જૈનેતર દર્શનોની ચર્ચા પણ એમા અધિક છે. જૈન પરિભાષાઓનું જે સ્પષ્ટીકરણ અને વક્તવ્યનું પૃથક્કરણ સર્વાર્થસિદ્ધિમાં છે તે ભાષ્યમાં અલ્પ છે. આ બધી વાતો સર્વાર્થસિદ્ધિથી ભાષ્યને પ્રાચીન સિદ્ધ કરે છે.
૧૪. ભાષ્યકાર અને સૂત્રકાર ભિન્ન નથી કારણ કે પોતે ભાષ્ય રચતી વખતે સૂત્રને લક્ષમાં રાખીને કારિકાઓ રચી છે, તેમજ, તેમાં જોડી દીધી છે. અને છેલ્લે સૂત્ર અને ભાષ્ય બન્નેના કર્તારૂપે પોતાના નામ-ગામાદિનો પરિચય આપનારી પ્રશસ્તિ લખી છે. તેમાં પાંચમાં શ્લોકમાં ઉચ્ચનાગરશાખાના એ ઉમાસ્વાતિ વાચકશ્રીએ દુઃખી લોકોની અનુકંપાથી પ્રેરાઈને તત્ત્વાર્થાધિગમ નામનું આ સ્પષ્ટ શાસ્ત્ર રચ્યું એમ પોતે જ પોતાને સૂત્ર અને ભાષ્યના કર્તા તરીકે જણાવે છે.