________________
પ્રકાશકીય
જેના ઘરમાં સત્સાહિત્ય નથી. તે ઘર, ઘર નથી જંગલ છે. આજના યુગમાં માનવ, યંત્રોના સહારે જીવન જીવી રહ્યો છે. જીવ જગત પ્રત્યે તેની લાગણીઓનો ભાવ વિલય પામ્યો છે. આધુનિક સાધનો તેમજ સગવડતા કે અનુકૂળતા આપવા સક્ષમ છે. પરંતુ સંતોષ, શાંતિ કે સમાધિ આપવામાં તે સક્ષમ નથી. પરિણામે માનવ સંઘર્ષોની વચ્ચે જીવન જીવી રહ્યો છે. આવી દુઃષમ પરિસ્થિતિમાં સત્સંગ, સંતશ્રવણ અને સદ્વાંચન એ ત્રિસાધન માનવો માટે આશીર્વાદરૂપ બને છે. આ સાધન ત્રિપદી માનવને જડ જગતથી વિરક્ત બનાવી જીવ જગત પ્રતિ સજાગ બનાવે છે. માનવને જીવન જીવવાની કળા શીખવે છે. માનવીને સદાચારી, આદર્શ, અને પવિત્ર બનાવે છે તેથી આ યુગમાં ભૌતિકતા અને વિલાસિતાના ચક્કરથી બચવા માટે આધ્યાત્મિક સાહિત્ય પ્રકાશન ખૂબ જરૂરી છે.
જૈન દર્શન જગતને અનુરૂપ, ઉત્તમ સાહિત્યની ભેટ આપી છે. શાયદ એટલી કોઈ દર્શને આપી નથી. જૈન દર્શનનું તત્ત્વજ્ઞાન એટલે કિંમતી રત્નોની ખાણ. અમૂલ્ય જ્ઞાનની ગંગોત્રી, પરમાત્માએ પ્યોર અને પરફેક્ટ જ્ઞાનની પ્રાપ્તિ બાદ પીરસેલી પ્રસાદી ! અનુભવનું અમૃત ! હૃદયનું રસાયણ ! નમ્રતાનું નવનીત !
જૈન દર્શનના વિશાળ તત્ત્વજ્ઞાનમાંથી એક છે દંડક પ્રકરણ તેમાં જ્ઞાનનો સ્રોત વહે છે. જીવનને નિર્મુક્ત બનાવવાની મહાન પ્રેરણાની ઝલક તેમાં મળે છે.
વિદ્યા ભાસ્કર પૂ. ડૉ. શ્રી નીતાબાઈ સ્વામીએ “દંડક એક અધ્યયન” ઉપર થીસીસ લખીને આમ જગતને સૂત્રનો પરિચય કરાવવાની સાથે દંડકનું અમૂલ્ય જ્ઞાન પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા પેદા કરવાનો અને આગમસૂત્રના પ્રતિ આદરભાવ વધારવાનો અદ્ભુત પ્રયત્ન કર્યો છે. તેથી વાચકોને ભૌતિક પદાર્થોનું વિપકર્ષણ કરાવી આત્મ જગતનું આકર્ષણ કરાવશે. જિન તત્ત્વજ્ઞાન અને જિનભક્તિનો બોધ કરાવશે. તેનું વાંચન જ નહિ પરંતુ ચિંતન મનન વાચકોને આત્મશક્તિનો પરિચય કરાવશે. તે શક્તિના સહારે માનવ સમર્થ બની પ્રસન્નતાપૂર્વક જીવન જીવી શકશે. તેથી ઉદાત્ત ભાવનાથી અમે આ શ્રુતસેવાનું કાર્ય કરી રહ્યા છીએ. " કેવો પુણ્યશાળી ઘનશ્યામનગર સંઘ સને ૧૯૮૮માં એનો જન્મ ! અને ત્યારથી આ ભૂમિના ભાગ્યે નિરંતર પૂ. ગુરુદેવો, સતીવૃંદના ઉત્તરોત્તર સારા ચાતુર્માસો મળતાં રહ્યા છે. તેમાં પ્રવચન પ્રભાવિકા, સાહિત્યરત્ન પ. પૂ. ડૉ. નીતાબાઈ સ્વામી કોકિલકંઠી પૂ. ચાંદનીબાઈ મ. સ. આદિ ઠાણાના ચાતુર્માસનો લાભ તથા અવાર નવાર શેષકાળનો લાભ મેળવવા આ સંઘ ભાગ્યશાળી બન્યો છે.
૧૫