________________
અભિનંદન
પૂ. સાધ્વીશ્રી નીતાબાઈ સ્વામીજીનો શોધનિબંધ “દંડક : એક અધ્યયન' પ્રકશિત થઈ રહ્યો છે તે એક આનંદની ઘટના છે. પ્રસ્તુત શોધ-નિબંધ જૈનદર્શનના એક અત્યંત મહત્ત્વપૂર્ણ સિદ્ધાંત દંડક ઉપર છે. જીવ જે કાંઈ ભૂલો કરે કે પાપાચરણ સેવે કે અન્યજીવોને પરેશાન કરે તો તેની કઈ કઈ ગતિ થાય? કેવા કેવા દુઃખો પામે તેની વિગતો આ ગ્રંથમાં આપવામાં આવી છે. આ ગ્રંથ માત્ર ૪૦ શ્લોક પ્રમાણે છે. ગજસાર મુનિએ તેમાં ગાગરમાં સાગર સમાવી દીધો છે. અનેક આગમોનો સાર આ લઘુ પ્રકરણમાં સમાવવામાં આવ્યો છે. આથી જ જૈન ધર્મના પ્રતિક્રમણ સૂત્રો પછી તરત જ મહત્ત્વના પ્રકરણોમાં દંડક પ્રકરણનું તૃતીય સ્થાન છે. આજે પણ આ પ્રકરણનો પ્રતિદિન સ્વાધ્યાય કરનાર અનેક મહાત્માઓ તથા ગૃહસ્થો મૌજૂદ છે. આ પરંપરા જ ગ્રંથની મહત્તા સિદ્ધ કરે છે.
પ્રસ્તુત ગ્રંથના અધ્યયન-સ્વાધ્યાયથી જીવના અધ્યવસાયો નિર્મળ થાય છે. તેમજ અલ્પકષાયી અને પ્રસન્ન ચિત્ત થઈ ઉત્તમ ભાવોમાં રમમાણ બની શકે છે. આથી આ ગ્રંથ પ્રત્યેક જૈન માટે મનનીય-ચિંતનીય છે. આ ગ્રંથના અનેક હિન્દી ગુજરાતી અનુવાદો ઉપલબ્ધ છે તથા ગુજરાતી વિવેચન પણ પ્રકાશિત થયાં છે. પરંતુ પ્રસ્તુત ગ્રંથ ઉપર અદ્યાવધિ સૂક્ષ્મ, તુલનાત્મક અને સમીક્ષાત્મક અધ્યયન થયું ન હતું. તેથી આ ગ્રંથ ઉપર વિસ્તૃત અધ્યયન અપેક્ષિત હતું.
- પૂ. સાધ્વીશ્રી નીતાબાઈ સ્વામી આગમો અને સિદ્ધાંતનાં મર્મજ્ઞ વિદુષી છે. છેલ્લાં કેટલાંય વર્ષોથી અનવરત દંડક પ્રકરણનો સ્વાધ્યાય કરતાં રહ્યાં છે. આ દરમ્યાન તેમણે અનેક રીતે અધ્યયન અને ચિંતન કર્યું હતું. તેમને આ ગ્રંથના સૂક્ષ્મ અધ્યયનનો વિચાર આવતાં જ કામનો પ્રારંભ કર્યો. શોધનિબંધના માર્ગદર્શન નિમિત્તે મારો તેમની સાથેનો પરિચય છેલ્લા ત્રણ વર્ષથી છે. ગ્રંથના અધ્યયન અને શોધનિબંધ લખવા માટે તેઓશ્રી મારો સંપર્ક કર્યો હતો. તેમણે શરૂઆતથી જ સતત અને સખત મહેનત કરી શોધ કાર્ય આરંભ્ય હતું. તેમની કામ કરવાની નિષ્ઠા અને અધ્યયન રુચિ ગજબની છે. દિવસોના દિવસો સતત કામ કરી શકવાની તેમની ક્ષમતા છે. આ યોગ્યતાના જોરે અનેક સિદ્ધાંતગ્રંથો, શાસ્ત્રગ્રંથોનું આમૂલચૂલ અધ્યયન કરી અહીં નવનીત પ્રસ્તુત કર્યું છે.
૧૩