________________
કાઉસ્સગ્નમુદ્રાએ અથવા તો પર્યશ્કબન્ધસ્વરૂપ આસનવિશેષથી દૃઢતાપૂર્વક ધ્યાન કરવું.”-આ પ્રમાણે પંદરમી ગાથાનો અર્થ છે. ભાવાર્થ ખૂબ જ સ્પષ્ટ છે કે ધ્યાન ધરતી વખતે જગ્યા પવિત્ર હોવી જોઈએ અને લોકોથી રહિત હોવી જોઈએ. અન્યથા અપવિત્ર અને લોક વગેરેથી આકીર્ણ (સતત અવરજવરવાળી) જગ્યામાં ધ્યાન અખંડિત રહેતું નથી. ધ્યાન કરતી વખતે કાયાની સર્વ ચેષ્ટાઓનું નિયમન કરીને સારી રીતે (કોઈ પણ પ્રકારની વિધિ વગેરેની વિપરીતતા વિના) કાઉસ્સગ્નમુદ્રાએ ઊભા ઊભા અથવા પર્યકબંધ વગેરે આસને બેસીને ખૂબ જ દૃઢતાથી સ્થિરપણે ધ્યાન કરવું જોઈએ. ૧૪-૧પ
ધ્યાનથી પ્રાપ્ત થનારા ફળની સિદ્ધિ માટે જે રીતે ધ્યાન કરવાનું છે, તે જણાવાય છે –
साध्वागमानुसाराच्चेतो विन्यस्य भगवति विशुद्धम् । स्पर्शावेधात् तत्सिद्धयोगि-संस्मरणयोगेन ॥१४-१६॥
જે રીતે સારું થાય તે રીતે આગમને અનુસરી ભગવાનમાં ચિત્તને સ્થાપી તત્ત્વજ્ઞાનના દૃઢ સંસ્કારથી સિદ્ધયોગી જનોના સ્મરણથી જે વિશુદ્ધ ધ્યાન થાય છે તે ઈષ્ટ ફળને પ્રાપ્ત કરાવનારું બને છે.” આ પ્રમાણે છેલ્લી ગાથાનો અર્થ છે. કહેવાનો ભાવ એ છે કે ખેદાદિ પૂર્વે જણાવેલા આઠ દોષોનો પરિહાર કરી પવિત્ર એકાન્ત જગ્યામાં કાયોત્સર્ગાદિ મુદ્રાએ કરાતું ધ્યાન ત્યારે જ ઈષ્ટફળને આપનારું બને છે કે જ્યારે તે આગમને અનુસરીને સારી રીતે કરાતું હોય છે.