________________
ઉપકારક્ષમાનું નથી. પરંતુ ધર્મના પ્રારંભની અવસ્થામાં એનું ઘણું જ મહત્ત્વ છે. “આપણી ઉપર જેમણે ઉપકાર કર્યો છે તેઓ કોઈ વાર આપણી પ્રત્યે દુર્વચન કહે તો; તેઓએ કરેલા ઉપકારોને યાદ કરી તે દુર્વચનને સહન કરી લેવું જોઈએ. અન્યથા ઉપકારનો ક્ષય થશે.” આવા પરિણામના કારણે કરાતી ક્ષમા એ ઉપકારક્ષમા છે.
“દુર્વચનને હું સહન નહિ કરું તો દુર્વચનને કહેનારા મારી ઉપર અપકાર કરશે’-એમ સમજીને જ્યારે દુર્વચનને સહન કરી લેવાય છે, ત્યારે બીજી અપકારી ક્ષમા હોય છે. સામાન્ય રીતે ઉપકાર ભૂતકાલીન હોય છે અને અપકાર ભવિષ્યકાળની અપેક્ષાએ હોય છે. ઉપકારી અને અપકારી પ્રત્યેની ક્ષમાને અનુક્રમે ઉપકારી ક્ષમા અને અપકારી ક્ષમા કહેવાય છે. ક્ષમાશીલતાની પ્રાપ્તિ માટે કારણભૂત અપકારી ક્ષમા પણ આત્માને ક્રોધાદિથી દૂર રાખે છે અને સહનશીલ બનાવે છે. કષાયોની ભયંકરતા સમજાયા વિના ક્ષમાનું મહત્ત્વ નહિ સમજાય. - વિપાકનો વિચાર કરીને જે ક્ષમા કરાય છે તેને વિપાકક્ષમા કહેવાય છે. નરકાદિ દુર્ગતિમાં જવા વગેરે સ્વરૂપ જે કર્મનાં ફળ છે; તેને વિપાક કહેવાય છે. ક્રોધાદિ કષાય કરીશ તો નરકાદિ દુર્ગતિમાં અનેક જાતનાં દુઃખો ભોગવવા સ્વરૂપ કડવા વિપાકો અનુભવવા પડશે-એનો વિચાર કરીને કરાતી ક્ષમા ‘વિપાકક્ષમાં” છે. અથવા દુઃખના ડરને લઈને આ મનુષ્યભવમાં જ કષાયના કારણે અનર્થોની પરંપરા સર્જાશે-એમ સમજીને કરાતી ક્ષમાને વિપાકક્ષમા કહેવાય છે.