________________
એ બે અનુષ્ઠાનનું ફળ સ્વર્ગાદિ-અભ્યુદય છે અને વચનાનુષ્ઠાન તેમ જ અસાનુષ્ઠાન-એ બે અનુષ્ઠાનનું ફળ મોક્ષ છે. અહીં યાદ રાખવું જોઈએ કે આ પૂર્વે પ્રીતિ, ભક્તિ વગેરે ચાર અનુષ્ઠાનોને સદનુષ્ઠાન તરીકે વર્ણવ્યાં છે અને સદનુષ્ઠાનનું ફળ મોક્ષ છે-એ જણાવ્યું છે. અહીં પ્રીત્યનુષ્ઠાન કે ભક્ત્યનુષ્ઠાનનું ફળ અભ્યુદય[સ્વર્ગાદિ] વર્ણવ્યું છે-એ સાક્ષાત્ ફળની અપેક્ષાએ જણાવ્યું છે. પરંપરાએ તો એ બંન્ને અનુષ્ઠાનનું પણ ફળ મોક્ષ છે. સાક્ષાત્ કે પરંપરાએ જેનું ફળ મોક્ષ નથી, એ અનુષ્ઠાન સદનુષ્ઠાન નથી.
આ ગાથાનો આધાર લઈને સ્વર્ગાદિ સુખો માટે કરાતા અનુષ્ઠાનને સદનુષ્ઠાન [પ્રીત્યનુષ્ઠાન] તરીકે વર્ણવવાનું ઉચિત નથી. સદનુષ્ઠાનનો પ્રારંભ મોક્ષ માટે હોય છે, પરંતુ તેવા પ્રકારની સામગ્રીના અભાવે જીવને તે તે અનુષ્ઠાનની પ્રવૃત્તિ સાક્ષાત્ મોક્ષ-પ્રાપ્તિનું કારણ ન બનતાં સ્વર્ગાદિની પ્રાપ્તિ દ્વારા પરંપરાએ મોક્ષનું કારણ બનતી હોય છે. એનો અર્થ એ નથી કે તે અનુષ્ઠાનની પ્રવૃત્તિ સંસારના સુખની પ્રાપ્તિ માટે કરી હતી. માત્ર સંસારસંબંધી સુખની પ્રાપ્તિ માટે કરાતાં અનુષ્ઠાન સદનુષ્ઠાન નથી. દવા પીવા માટે,સાકર લેવી અને દવા પીવાથી સાકર મળશે-એ બંન્નેમાં જે ફરક છે, એવો જ ફરક પ્રીત્યનુષ્ઠાનાદિ સદનુષ્ઠાનમાં અને વિષાનુષ્ઠાનાદિ અસદનુષ્ઠાનમાં છે. “સંસારની દુઃખગહનતાનું ઓઘથી પણ પરિભાવન ન હોય અને એના યોગે સંસારના ઉચ્છેદની સહેજ પણ ભાવના ન હોય તોપણ અનુષ્ઠાન સદનુષ્ઠાન બને છે-” એ પ્રમાણે માનવાનું યોગ્ય નથી.
૨૮૭