________________
એમાં મુખ્યપણે અનુષ્ઠાન પ્રત્યેનું બહુમાન કારણ બને છે. આવું જ દૃષ્ટાન્તમાં પણ બને છે. પત્નીનું કાર્ય કરતી વખતે પત્ની અને તેનું કાર્ય - એ પ્રત્યેની પ્રીતિથી એ કાર્ય થાય છે. અને માતાનું કાર્ય કરતી વખતે માતા પ્રત્યેના બહુમાનથી એ કાર્ય થાય છે. બંને સ્થળે કાર્ય કરતી વખતે હર્ષ થાય છે; જે અનુક્રમે ક્રિયા-અનુષ્ઠાન કરવાના મનોરથથી અને બહુમાનાદિગુણના મનોરથથી જન્મેલો છે. ક્રિયાસંબન્ધી મનોરથથી જન્મેલા હર્ષમાં પ્રીતિત્વ છે; અને ગુણસમ્બન્ધી મનોરથથી જન્મેલા હર્ષમાં ભક્તિત્વ છે.
ઉપર જણાવેલી વાતના અનુસંન્ધાનમાં મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજાએ “યોગવિંશિકા ની ટીકામાં ફરમાવ્યું છે કે સન્તોષ્ય પત્ની વગેરેનું કાર્ય કરવાનો અવસર આવ્યો છે - એમ જાણવાથી જે આનંદ થાય છે એ આનંદમાં રહેનાર જાતિવિશેષને પ્રીતિત્વ કહેવાય છે અને પૂજ્ય માતા વગેરેનું કાર્ય કરવાનો અવસર આવ્યો છે - એમ જાણવાથી જે આનંદ થાય છે એમાં રહેનાર જાતિવિશેષને ભક્તિત્વ કહેવાય છે. સન્તોષ્ય અને પૂજ્ય બંન્નેનાં કાર્ય કરવાના અવસરે આનંદ થાય છે, પરંતુ તે તે આનંદમાં ફરક છે. એક આનંદ પ્રીતિથી જન્ય છે અને બીજો ભક્તિથી જન્ય છે.
કલ્યાણકંદલી ટીકામાં આને અનુલક્ષી ને જણાવ્યું છે તે તેમની પાસેથી સમજી લેવું જોઈએ. (જાઓ ષોડશક પ્રકરણ ભા. ૨ પ્રકાશક શ્રી અંધેરી ગુજરાતી જૈન સંધ : અંધેરી વેસ્ટ : મુંબઈ પ૬) /૧૦-પી