________________
અભિલાષાને સંવેગ કહેવાય છે. જ્ઞાનાદિ ગુણોના ઉત્કીર્તનથી તે તે ગુણોને પ્રાપ્ત કરવાની તીવ્ર ઈચ્છા થવાથી; તે જ્યાં પૂર્ણપણે ફળે છે તે મોક્ષની ઉત્કટ અભિલાષા સહજ રીતે થાય છે. આ સંવેગના કારણે આત્માને રાગ-દ્વેષની આધીનતાના અભાવ સ્વરૂપ સમભાવના અભિલાષની પ્રાપ્તિ થાય છે. અને તેથી પરમાત્માના ગુણનો ઉપયોગ હોવાથી પરમાર્થથી તે તે ગુણસ્વરૂપ જ આત્મા બની જાય છે. આ પ્રમાણે પરમાત્માની સાથે અભેદ થવા સ્વરૂપ સમરસાપત્તિ થવાથી; પુષ્પ વગેરેથી થતી પૂજાની અપેક્ષાએ સ્તોત્રપૂજાથી શુભતર પરિણામ થાય છે. આથી સમજી શકાશે કે સ્તોત્રો વિશિષ્ટ પૂજાનાં કારણ છે. - આ ગાથામાંની શુભભાવાર્થ પૂના-આ વાત નિરંતર યાદ રાખવી જોઈએ. ગ્રંથકારશ્રીએ તો પરમાત્માની સાથેની અભેદ પરિણતિને અહીં શુભતર ભાવસ્વરૂપે વર્ણવી છે. એને પામવા માટે શ્રી જિનપૂજા વિહિત છે. પુષ્પાદિથી કે સ્તોત્રથી કરાતી પૂજા પાછળનો આશય એક જ છે કે પૂજા કરવાથી ઉપર જણાવ્યા મુજબનો શુભ ભાવ પ્રાપ્ત થાય. વર્તમાનમાં પૂજા કરનારા એ આશયથી પૂજા કરે છે કે નહિ-એ પૂજા કરનારાને જ પૂછીને જાણવું પડશે. ખૂબ જ ગંભીર પ્રશ્ન છે. જવાબ આપી શકાય એવો એ પ્રશ્ન નથી. ઉત્તર હોવા છતાં અનુત્તર એવો એ નાજૂક પ્રશ્ન છે. આવી સ્થિતિમાં પૂજાથી શુભભાવ પામવાનો ભાવ પ્રાપ્ત કરવાની ભાવના જન્મે તો ય પૂજા સફળ બને. અન્યથા પૂજાને સફળ બનાવવાનું શક્ય નથી. ૯-૮ો.