________________
કહેવાય છે-આ પ્રમાણે ત્રીજી ગાથાનો અર્થ છે. આશય એ છે કે-‘ઔદાર્ય-ઉદારતા' ધર્મસિદ્ધિનું પહેલું લિંગ છે. આમ જુઓ તો ‘ઔદાર્ય'નું સ્વરૂપ ખૂબ જ પ્રસિદ્ધ છે. ઉદારતા કોને કહેવાય છે-એ સમજાવવાની લગભગ આવશ્યકતા નથી. પ્રસિદ્ધ એવા એ ઔદાર્યનું સ્વરૂપ શાસ્ત્રીય પરિભાષામાં વર્ણવતાં ગ્રંથકારપરમર્ષિ ફરમાવે છે કે-કૃપણતાનો ત્યાગ કરવાથી અતુચ્છવૃત્તિના કારણે આશયવિશેષ એટલે કે અધ્યવસાયવિશેષનું અથવા તો ચિત્તનું જે મહત્ત્વ છે, તે મહત્ત્વને ઔદાર્ય કહેવાય છે. આ ઔદાર્યસ્વરૂપ આશયમહત્ત્વ, ગુરુ વગેરે અને દીન વગેરેમાં ઉચિતવર્તનસ્વરૂપ હોવું જોઈએ. યોગબિન્દુમાં જણાવ્યા મુજબ માતા, પિતા, કલાચાર્ય [અધ્યાપક], તેમના જ્ઞાતિજનો, વૃદ્ધપુરુષો અને ધર્મના ઉપદેશકો આ બધા ગુરુવર્ગ[ગુરુ વગેરે]માં ગણાય છે. તેમ જ દીન, કૃપણ, અન્ધ અને પડ્યું વગેરે દીનવર્ગ [આધાર વિનાના]માં ગણાય છે. એ ગુરુ વગેરેનું અને દીન વગેરેનું જે દાન વગેરે કાર્ય ઉપસ્થિત થાય ત્યારે અત્યન્ત ઔચિત્યપૂર્વક વર્તન કરવાથી જ ઔદાર્ય ધર્મસિદ્ધિનું લિંગ બને છે. તુચ્છતાને ધારણ કર્યા વિના ઉદારતાપૂર્વક જે કોઈ પણ દાનાદિ કાર્ય કરીએ ત્યારે ઉપર જણાવ્યા મુજબ માતાપિતાદિ ગુરુ વગેરેમાં અને દીન, કૃપણ, અંધ વગેરે નિરાધાર જનોને વિશે અત્યન્ત ઔચિત્યપૂર્વક વર્તવું જોઈએ. એવા વર્તનથી સહિત જ આશયવિશેષના મહત્ત્વને ઔદાર્ય કહેવાય છે. દાનાદિનું કાર્ય જ્યારે પણ ઉપસ્થિત થાય ત્યારે કોઈ પણ જાતના સંકુચિત પરિણામનો ત્યાગ કરી માતાપિતાદિ
૧૧૫