________________
બવ ભાવના પ્રકરણ ભાગ- ૨
૧૫૩
અને આ બાજુ સૌધર્મ દેવલોકમાં સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદ્દષ્ટિ બે મિત્ર દેવો હતા. તેમાંના સમ્યગ્દષ્ટિ દેવે હ્યું કે શ્રી દત્તમુનિ કઠોર પવનથી મેરુપર્વતના શિખરની જેમ શક્રથી સહિત દેવોવડે પણ ધ્યાનથી ચલાવી શકાય તેમ નથી. તે સાંભળીને શ્રદ્ધા નહીં કરતો મિથ્યાદષ્ટિ દેવ શુદ્ધ પ્રતિજ્ઞાની પરીક્ષા માટે તે મુનિની પાસે આવ્યો. પછી તે દેવ કોઈક ગાઢ વાંસની ઝાડીમાં છુપાયો. હાથીવડે જેમ સિંહ જોવાય તેમ તેનાવડે તે મહાત્મા જોવાયા. (૧૦) પછી દેવ રાક્ષસનું રૂપ લઈ ભયંકર અટ્ટહાસને કરે છે, હાથીનું રૂપ કરી ઉપાડીને ફેંકે છે, સાપના રૂપથી ડંસે છે. ચારે દિશામાં પણ જ્વાળાથી આકાશના વિવરને ભરી દેનારો દાવાનળ સળગાવે છે. ચારે બાજુથી પ્રચંડ પવનોથી ભમાવીને પાડે છે, ધૂળના વરસાદથી ઢાંકે છે. વીંછી વગેરેથી સર્વાંગે ડંસે છે. પછી દેવ અવધિજ્ઞાનથી જેટલામાં તેના અભિપ્રાયને જાણે છે તેટલામાં સાધુ પણ વિચારે છે કે હે જીવ ! આ તારા સત્ત્વની પરીક્ષા માટે કસોટીનો પથ્થર છે. સ્વસ્થાવસ્થામાં તો સર્વ પણ લોક વ્રતને પાળે છે તેમાં શું આશ્ચર્ય છે ? (૧૪) ઘણાં કાળમાં ભોગવવા યોગ્ય કર્મ થોડા કાળથી કોઈપણ તને ભોગવાવે છે તો તે પરમ મિત્ર છે એમ ભાવના કર, લોકમાં કષાયના કારણો અવિદ્યમાન હોય ત્યારે કોઈ ઉપશમી કહેવાતો નથી. કષાયના નિમિત્ત ઉત્પન્ન થાય ત્યારે જેને ઉપશમ થાય ત્યારે તે ઉપશમી કહેવાય છે. નરકમાં અનંતકાળ સુધી અનંતા દુ:ખો સહન કર્યા તો પણ ભવરૂપી દુઃખનો વધતો વૃક્ષ કપાયો નહીં. અને હમણાં સ્થિર થઈને એક મુહૂર્ત્ત જ આ દુ:ખને સહન કરીશ તો હે જીવ ! ભવરૂપી સમુદ્રને પાર પામીને પરમપદને પ્રાપ્ત કરીશ. મેં જીવરાશિનો જે અપરાધ કર્યો હોય તેને ખમાવું છું અને સર્વ જીવોએ મારો જે અપરાધ કર્યો હોય તેની હું ક્ષમા કરું છું. મારે સર્વ જીવો વિશે મૈત્રી છે પણ આ દેવની ઉપર વિશેષથી મૈત્રી છે. એ પ્રમાણે શુભભાવનાથી ભાવિત ચિત્તવાળા તે મુનિને જાણીને તુષ્ટ થયેલ દેવ ભક્તિથી નમીને ફરી ફરી પણ ખમાવે છે. (૨૦) અને કહે છે કે હે સાધુ ! હે મહાયશ ! આવા પ્રકારના ઉપસર્ગના સમૂહને મારા વડે કરાયે છતે પણ તારું મન જ૨ા પણ ક્ષોભ ન પામ્યું. (૨૧) એ પ્રમાણે સ્તવના કરી, સુગંધી-પાણી અને પુષ્પોની વૃષ્ટિ કરી તથા ગીતવાદન કરી, સમ્યક્ત્વનો સ્વીકાર કરી દેવ દેવલોકમાં જાય છે અને જિનધર્મની આરાધના કરે છે. શ્રી દત્તમુનિ પણ લાંબો સમય સાધુપણું પાળીને, અંત સમયે મોટી સમાધિપૂર્વક અનશન કરીને સાતમા દેવલોકમાં ઋદ્ધિમાન દેવ થયા. (૨૪)
અને આ બાજુ ભરતક્ષેત્રમાં પૃથ્વીપર વિખ્યાત સાકેતપુરમાં જિનશાસનમાં ૨ાગી શ્રી તિલક નામનો વણિક છે. જિનેશ્વરના ધર્મમાં રત યશોમતી નામે તેની સ્ત્રી છે. સાતમા દેવલોકમાંથી ચ્યવીને તે દેવ તેના શુક્ર અને શોણિતના કાદવના સમૂહવાળા ગર્ભમાં પુત્રપણે ઉત્પન્ન થયો. હવે આઠમે માસે માતા જ્યારે જિનધર્મને સાંભળે છે ત્યારે તે પણ જિનધર્મને સાંભળે છે અને કર્મની લઘુતાથી તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પછી દેવલોકના સુખોને યાદ કરીને અને ગર્ભના દુઃખોને જોઈને નિર્વેદ પામેલો તે આ અભિગ્રહને ગ્રહણ કરે છે. જેમકે
અહીંથી નીકળીને હું દીક્ષા લેવા યોગ્ય બનું ત્યારે તે જ ગ્રહણ કરવી અને મારે ગૃહસ્થ વાસનો નિયમ છે. (૩૦) પછી યોગ્ય સમયે તે યશોમતી કુળને પવિત્ર કરનાર પુત્રને જન્મ આપે છે. પછી શ્રી તિલક વિસ્તારથી વર્ષાપનક કરાવે છે. બારમા દિવસે મહોત્સવપૂર્વક તેનું નામ પદ્મ એ પ્રમાણે રાખે છે. પછી પાંચ ધાવમાતા ઓથી લાલનપાલન કરાતો તે મોટો થાય છે. ઉચિત સમય (વય)ની પ્રાપ્તિ થઈ ત્યારે થોડા દિવસોમાં જ બોંતેર કળાઓને ભણે છે, લોકને વિસ્મિત કરે છે, પછી ભુવનમાં પ્રશંસનીય થાય છે. યૌવન ભર ઉલ્લસિત થવા છતાં નિર્વેદને પામેલો સ્વપ્નમાં પણ સ્ત્રી સંગને ઇચ્છતો નથી.