________________
શ્રાદ્ધદિનકૃત્ય
સાતમું મંદિરગમન દ્વાર
વાણી તો રોજ સાંભળવી જોઇએ. પછી થાવચ્ચાપુત્રે કહ્યું : મને ભગવાનની વાણી બહુ ગમી. માતાએ કહ્યું : તને ભગવાનની વાણી ગમી એ બહુ સારું થયું. લઘુકર્મી જીવોને જ ભગવાનની વાણી ગમે. ભારેકર્મી જીવોને ન ગમે. પછી થાવચ્ચાપુત્રે કહ્યું : મને સંસાર ઉપર વૈરાગ્ય થયો છે. એથી મારે દીક્ષા લેવી છે. અત્યાર સુધી આનંદ પામનાર થાવચ્ચા માતા આ સાંભળીને મૂર્છિત બની ગયા. કારણ કે તેમને આ એકનો એક જ પુત્ર હતો. ખૂબ લાડકવાયો હતો. ખૂબ જ સુખશીલ હતો. મૂર્છા દૂર થતાં દીક્ષાની કઠીનતા વગેરે સમજાવીને દીક્ષા લેવાની ના પાડી. પણ થાવચ્ચાપુત્ર મક્કમ રહ્યો. આખરે માતાએ દીક્ષાની અનુમતિ આપી. દીક્ષાનો દિવસ નક્કી કર્યો. તેનો દીક્ષા મહોત્સવ કરવા જરૂરી સામગ્રી લેવા થાવચ્ચા માતા કૃષ્ણ મહારાજાને ત્યાં ગઈ. તેણે કૃષ્ણ મહારાજાને ભેટલું ધરીને કહ્યું : મારો પુત્ર દીક્ષા લેવાનો છે, મારે તેની દીક્ષાનો વરઘોડો કાઢવો છે. માટે આપ રાજને યોગ્ય મુગટ વગેરે આભૂષણો આપો. કૃષ્ણ મહારાજાએ કહ્યું : માતા ! તમે ચિંતા ન કરો. તેની દીક્ષાનો વરઘોડો હું કાઢીશ. થાવચ્ચા માતાએ તેનો સ્વીકાર કર્યો. પછી કૃષ્ણ મહારાજાએ નગરમાં ઘોષણા કરાવી કે થાવાપુત્ર દીક્ષા લેનાર છે. તેની સાથે જે કોઇ દીક્ષા લેશે તેની દીક્ષાનો વરઘોડો હું કાઢીશ, અને એના કુટુંબના જીવનનિર્વાહની પણ સંપૂર્ણ વ્યવસ્થા કરીશ. આ સાંભળી એક હજાર શ્રાવકોએ વિચાર્યું કે ૭૨ ક્લાઓમાં કુશળ, યુવાન, રૂપવંતી ૩૨ નારીનો પતિ અને મનુષ્યલોકમાં કુબેર જેવો ધનાઢ્ય થાવચ્ચાપુત્ર ભરયુવાનીમાં દીક્ષા લે છે તો આપણે શા માટે દીક્ષા ન લઇએ. આમ વિચારીને તેમણે દીક્ષા લેવાનો નિર્ણય કર્યો. પછી તેમણે કૃષ્ણ મહારાજાને કહ્યું : અમે થાવચ્ચાપુત્રની સાથે દીક્ષા લઇશું. આ સાંભળી કૃષ્ણ મહારાજા આનંદ પામ્યા.
79
દીક્ષાના દિવસે પરિવાર સહિત કૃષ્ણ મહારાજાએ બધાનો જલથી અભિષેક કર્યો, પછી કિંમતી વસ્ત્રો પહેરાવીને આભૂષણોથી અલંકૃત કર્યા. દરેકને અલગ અલગ પાલખીમાં બેસાડ્યા. એવી રીતે એક હજાર અને એક શિબિકાઓ વગેરે આડંબરથી વરઘોડો નીકળ્યો. શિબિકાઓની આગળ ધજા હતી, અને મંગળ વાજિંત્રો વાગતા હતા. દરેકના મસ્તકે છત્ર હતું. દરેકને બન્ને બાજુ ચામર વીંઝાતા હતા. આમ અત્યંત રાજશાહી ઠાઠ સાથે કૃષ્ણ મહારાજાએ દીક્ષાનો વરઘોડો કાઢ્યો.
આ દષ્ટાંતથી તેવા પ્રકારના કોઈ કારણસર દીક્ષા ન લઈ શકનાર શ્રાવકને દીક્ષા પ્રત્યે અને દીક્ષા લેનારાઓ પ્રત્યે કેવો ભાવ હોય છે તે સમજી શકાય છે. (૪૭)
एवंविहाहिं वग्गूहिं, थुव्वंतो य पइदिणं ।
वच्चए जिणगेहंमि, जाव जिणबलाणयं ॥ ४८ ॥
ચૈત્યગૃહગમન દ્વારનો ઉપસંહાર કરવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે -
-
અહો ! આ ધન્ય છે ઈત્યાદિ વચનોથી દરરોજ પ્રશંસા કરાતો તે જિનમંદિરમાં મંદિરના દરવાજા સુધી
જાય. (૪૮)