________________
પાંચમું ચૈત્યવંદન દ્વાર
શ્રાદ્ધદિનકૃત્ય
રૂપ, આરોગ્ય, સ્વર્ગ અને મોક્ષ મળે છે. આ પૂજાના ફલને સાંભળીને સઘળી પર્ષદાએ ત્રણવાર, બે વાર કે એકવાર પ્રતિદિન પૂજા કરવાનો નિયમ લીધો. આઠ બંધુઓએ ત્રણ સંધ્યાએ અષ્ટપ્રકારી પૂજા કરવાનો નિયમ લીધો. તેથી તે આઠે ય બંધુઓ હર્ષથી દરરોજ વિધિપૂર્વક અષ્ટપ્રકારી પૂજા કરવા લાગ્યા. એક એક બંધુ ક્રમશ: એક એક પૂજા કરવા દ્વારા નગરલોકને હર્ષ પમાડતા હતા. સારભૂત ધૂપ, કપૂર, કેશર, ગોશીર્ષચંદન વગેરે સુગંધી દ્રવ્યોથી પૂજા કરતા હતા. એક ચિત્તવાળા, સર્તનવાળા, સદ્ધનવાળા તેઓ સર્વ ઋદ્ધિથી સઘળા સ્વજનોની સાથે પૂજા કરીને બધાને વિસ્મય પમાડતા હતા. સુપાત્રદાન અને અનુકંપાદાન કરતા હતા. તે બધા સદાય એક-બીજાથી છૂટા પડતા ન હતા, સદા સાથે જ રહેતા હતા. તેમણે ૨૫ લાખ પૂર્વ સુધી આ પ્રમાણે જિનપૂજા કરી. આયુષ્યપૂર્ણ થતાં સમાધિપૂર્વક મૃત્યુ પામીને મહાશુક્ર નામના સાતમા દેવલોકમાં ઉત્પન્ન થયા. ત્યાં પણ તેઓ પરસ્પર અનુરાગવાળા થયા. હૈ રાજન્ ! અવધિજ્ઞાનથી પૂર્વભવને જાણીને તે દેવો અત્યારે મને વંદન કરવા માટે આવ્યા છે. આ ભવમાં પણ ભાવજિન અને સ્થાપના જિનની ઉત્તમ ભક્તિ કરીને મનુષ્યભવ પામશે. ત્યાં મોક્ષ પામશે.
70
આ પ્રમાણે દષ્ટાંત સહિત પૂજાનું ફલ સાંભળીને પર્ષદાના બધાય લોકોએ શક્તિમુજબ જિનપૂજા કરવાનો નિયમ લીધો.
આ પ્રમાણે આઠ વણિક બંધુઓની કથા પૂર્ણ થઇ.
જિનશેખરની કથા પ્રસિદ્ધ નથી.
હવે તીર્થંકરપદની પ્રાપ્તિ અંગે દષ્ટાંતો કહેવાય છે. તેમાં ઈશ્વર તરીકે પ્રસિદ્ધ બનેલા સત્યકી વિદ્યાધરનો વૃત્તાંત આ પ્રમાણે છે.
સત્યકી વિદ્યાધરની કથા
વૈશાલીના મહારાજા ચેડા (ચેટક) મહારાજાના પુત્રી સુજ્યેષ્ટાએ દીક્ષા લીધી હતી. તેઓ ઘણા જ સૌંદર્યવતી હતા. આરાધનામાં સતત ઉદ્યમશીલ રહેતા. તેઓ એકવાર સૂર્યની આતાપના લેતા તડકામાં ઊભા હતા. તે વખતે ત્યાંથી આકાશમાર્ગે જતા પેઢાલ નામનો કોઇ વિદ્યાધર તેમને જોતાં જ મોહિત થયો. તેણે વિદ્યાબળથી તરત ધૂમાડો ઉપજાવી, સાધ્વીને દિગ્મૂઢ કરી ભ્રમરરૂપે સેવી. તેથી તે સાધ્વીને ગર્ભ રહ્યો ને પૂર્ણમાસે પુત્ર થયો. તે શ્રાવિકા પાસે થોડો મોટો થતા પેઢાલ વિદ્યાધરે પોતાના પુત્રનું હરણ કર્યું, કારણ કે વિદ્યાગ્રહણ કરવા માટે તેનામાં ઘણી યોગ્યતા હતી. બાળકનું નામ સત્યકી પાડી તેને ભણાવ્યો ગણાવ્યો અને વિદ્યાઓ તથા મંત્રો આદિ આપ્યા. રોહિણીવિદ્યા મેળવવા સત્યકીએ પૂર્વના પાંચ ભવ સુધી પ્રયત્નો કર્યા હતા ને પાંચે ભવમાં તે રોહિણીથી જ માર્યો ગયો હતો. છઠ્ઠા ભવે તેનું છ જ માસ આયુ શેષ હતું ને વિદ્યા તુષ્ટ થઇ હતી. તેથી તે એકેયવાર પણ તેનો ઉપયોગ કરી શક્યો નહોતો. પૂર્વે આરાધેલી તેથી આ સાતમે ભવે તો તે સ્મરણ માત્રમાં પ્રસન્ન થઇને લલાટમાં છિદ્ર કરી હૃદયમાં સ્થિર થઇ ગઇ હતી. દૈવી પ્રભાવથી કપાળનું છિદ્ર દિવ્યનેત્ર જેવું જણાતું. મોટા અને સમર્થ થયેલા સત્યકીને જ્યારે ખબર પડી કે પોતે સાધ્વીનું સંતાન છે અને એના પિતાએ સતીસાધ્વીનું શીલ ખંડયું હતું ત્યારે તેણે ક્રોધના આવેશમાં પિતાને મારી નાખ્યો. માતા સાધ્વી તથા મહાવીર દેવ પાસેથી ઉપદેશ સાંભળતાં તે સુદૃઢ સમ્યક્ત્વશાલી થયો. તે સદા ત્રણે કાળ જિનેશ્વરદેવની પૂજા કરતો. જિનેશ્વરદેવની ભક્તિના પ્રભાવે તેણે તીર્થંકર નામ કર્મ નિકાચિત કર્યું. શ્રી લોકપ્રકાશ ગ્રંથમાં કહ્યું છે કે ‘‘સત્યકી વિદ્યાધર મહાદેવ એવા બીજા નામથી પ્રસિદ્ધ અગિયારમો રુદ્ર થયો. તે આવતી ચોવીસીમાં સુવ્રત નામે અગિયારમા તીર્થંકર થશે.’’