________________
શ્રાદ્ધદિનકૃત્ય
( 61 )
પાંચમું ચૈત્યવંદન દ્વાર વાંધો નથી. આમ છતાં જો સફેદ વસ્ત્રો ઉત્તમ મળતાં હોય તો તેવાપરવા એ વધારે યોગ્ય છે. સફેદ વસ્ત્રો પણ જેમ વધારે સફૅદ તેમ વધારે શ્રેષ્ઠ ગણાય.
- શેમાંથી બનેલાં વસ્ત્રો વાપરવાં રેશમ, સૂતર અને શણ વગેરેમાંથી બનેલાં વસ્ત્રો વાપરી શકાય. પણ પોતાની શક્તિ પ્રમાણે જે વધારે ઉત્તમ હોય તે વાપરવાં.
પૂજા માટે કેટલાં વસ્ત્રો પહેરવા જોઈએ પૂજા માટે પુરુષે ધોતિયું અને ખેસ એમ બે વસ્ત્રો પહેરવા જોઇએ. ખેસના છેડાના આઠ પડ કરીને મુખનાક બંધાય તેમ મુખકોશ બાંધવો. પેટ ખુલ્લું ન રહે તે રીતે ખેસ પહેરવો. સ્ત્રીઓએ સાડી વગેરે ત્રણ વસ્ત્રો પહેરવાં જોઇએ, અને અંગો બરાબર ઢંકાઈ એ રીતે વસ્ત્રો પહેરવાં જોઈએ. સ્ત્રીએ રૂમાલથી મુખકોશ બાંધવો. આજે મોટા છોકરાઓ અને યુવાનો ચડ્ડી, પાટલૂન, ખમીસ વગેરે પહેરીને તથા મોટી છોકરીઓ અને યુવતિઓ ફોક વગેરે ડ્રેસ પહેરીને પૂજા કરે છે તે ઉચિત નથી. જેવી રીતે સૈનિકદળ, પોલીસખાતું, સ્કુલના વિદ્યાર્થીઓ, હોસ્પિટલની નર્સો, બેન્ડવાળા વગેરેનો યુનિફોર્મ ( ગણવેશ) ફીક્સ હોય છે તે રીતે પૂજામાં પણ મહાપુરુષોએ ફીક્સ કરેલા વેશમાં જ પૂજા કરવી જોઈએ.
મુખકોશ ખેસના છેડાના આઠ પડ કરીને મુખ-નાક બંધાય તેમ મુખકોશ બાંધવો. જેથી દુર્ગધી શ્વાસ અને થુંક વગેરે પ્રભુને ન લાગે. પ્રભુપૂજા આદર પૂર્વક કરવી જોઇએ. આદર પૂર્વક કરેલી પૂજા ફળે છે. મુખકોશ બાંધવાથી પ્રભુ પ્રત્યે આદર વ્યક્ત થાય છે. લોકોમાં પણ દેખાય છે કે જે સેવકો પોતાના સ્વામી રાજા આદિનું કાર્ય આદરથી કરે છે તો સેવકોને સેવાનું ફળ મળે છે. આથી જ પૂર્વે હજામ (વાણંદ) આઠપડવાળા વસ્ત્રથી મુખબાંધીને રાજાની હજામત વગેરે સેવા કરતા હતાં. જો નાના દેશના માલિક રાજા વગેરેની પણ આ રીતે આદરથી સેવા કરવામાં આવે તો જ ફળ મળે તો ત્રણભુવનના નાથ એવા જિનેશ્વરની તો સુતરાં આદર પૂર્વક સેવા કરવામાં આવે તો જ ફળે.
અપવાદ-નાસિકા બાંધવાથી અસમાધિથતી હોય તો નાસિકા બાંધ્યા વિના પણ પૂજા કરે. બિમાર કે સુકુમાર શરીરવાળા માટે આ એક અપવાદ છે. અપવાદ એટલે સંકટ સમયની સાંકળ. તેનો નછૂટકે જ ઉપયોગ કરવો જોઇએ. આથી મુખકોશ બાંધવાથી થોડી તકલીફ થતી હોય તો પણ તે તકલીફ સહન થઇ શકતી હોય તો મુખકોશ બાંધીને જ પૂજા કરવી જોઇએ. “મુખકોશ બાંધ્યા વિના પણ પૂજા થઇ શકે એવું જાણીને અનિવાર્ય કારણ વિના મુખકોશ બાંધ્યા વિના પૂજા કરનાર વિરાધનાનો ભાગી બને છે.
- મૂર્તિ પૂજામાં હિંસા-અહિંસાની વિચારણા
જો કે પૂજા કરવામાં છ કાયના જીવોની હિંસા વગેરે અલ્પ વિરાધના થાય છે તો પણ કૂવાના દષ્ટાંતથી શ્રાવકે દ્રવ્યસ્તવ (પૂજા) કરવો એ યોગ્ય છે. કૂવો ખોદવામાં શરીર કાદવથી ખરડાઈ જાય છે, કપડાં મેલાં થાય છે, શ્રેમ-સુધા-તૃષા વગેરેનું દુ:ખ વેઠવું પડે છે, પણ કૂવો ખોદાયા પછી તેમાંથી પાણી નીકળતાં તૃષા આદિ દૂર થવાથી સ્વ-પરને લાભ થાય છે. જેમ કૂવો ખોદવામાં પ્રારંભમાં નુકશાન હોવા છતાં પરિણામે લાભ થવાથી કૂવો ખોદવાની પ્રવૃત્તિ લાભકારી બને છે, તેમ જિનપૂજા માટે સ્નાનાદિ કરવામાં પ્રારંભમાં હિંસા રૂપ સામાન્ય દોષ લાગવા છતાં પછી પૂજાથી થયેલ શુભ ભાવો દ્વારા વિશિષ્ટ અશુભ કર્મોની નિર્જરા અને પુણ્યબંધ થતો હોવાથી પરિણામે લાભ થવાથી સ્નાનાદિની પ્રવૃત્તિ લાભકારી છે.