________________
પહેલું નમસ્કાર દ્વાર
(
28
)
શ્રાદ્ધદિનકૃત્ય
જુઠું બોલનારા છે, સ્વાર્થી છે. અને તેથી તેણી પુરુષ માત્ર પ્રત્યે દ્વેષભાવવાળી બની છે. હવે તે કન્યા કોઇ પણ પુરુષને મળતી નથી, ફક્ત સ્ત્રીઓના પરિવારમાં જ રહે છે. વિધાતાએ તમને પુરુષરત્ન બનાવેલ છે અને તેણીને સ્ત્રીરત્ન બનાવેલ છે. જો તમારા બંનેનો સંયોગ થાય, તો વિધાતાનો પરિશ્રમ સફળ થાય.'
મુસાફરની આ અદ્ભુત વાત સાંભળીને સંતોષ પામેલા કુમારે પોતાના અંગ ઉપર રહેલાં આભૂષણો તેને ભેટ આપી વિદાય કર્યો.
હવે કુમાર રાજપુત્રી રત્નપતીને જોવા માટે ચિંતામાં પડ્યો. બીજી બાજુથી નગરના લોકો ખાનગીમાં રાજા પાસે એ ફરિયાદ લઇ ગયા કે- ‘આ કુમાર નગરમાં જ્યાં જ્યાં ફરે છે, ત્યાં ત્યાં એના રૂપથી મોહિત થઇને નગરની સ્ત્રીઓ મોટાં કામોને પણ પડતાં મૂકીને અને બચ્ચાંઓને પણ રડતાં મૂકીને, એની પૂઠે દોડે છે, માટે તે રાજ! ગમે તે રીતે એને નગરમાં ફરતો અટકાવો.' આ ફરિયાદ સાંભળીને પ્રજાવત્સલ રાજાએ દ્વારપાળદ્વારા કુમારને કહેવરાવ્યું કે- ‘જ્યાં સુધી કળાનો અભ્યાસ ચાલુ હોય, ત્યાં સુધી તમારે આવાસમાં રહેવું, કારણ કેબાહ્ય પરિભ્રમણ કરનારની સઘળીય કળાઓ નિષ્ફળ જાય છે.' આ સાંભળતાં જ કુમાર ચિંતામાં પડી ગયો કેપિતાજીએ આવો આદેશ કેમ ક્યો?' ત્યારે તેનો મિત્ર સુમતિ આવીને બધી હકીક્ત જણાવે છે. કુમાર તેને કહે છે કે- પિતાજીની આજ્ઞાનું પાલન મારે માટે દુષ્કર છે, કારણકે- પદ્મરાજાની પુત્રીને જોવાની મને ઘણી જ ઉત્કંઠા છે. બીજી વાત એ છે કે- દશાન્તર વિના પુણ્યની પરીક્ષા, ગુણોની પ્રાપ્તિ, ભાષામાં કુશળતા, આ બધી વસ્તુઓ પ્રાપ્ત થઇ શક્તી નથી, માટે હે મિત્ર ! મારે તો દેશાટન કરવું છે.' સુમતિ કહે છે કે- જો એવું જ છે, તો આપ ખુશીથી પર્યટન કરો અને હું આપને આ કામમાં બનતી સહાય આપીશ.'
આ પ્રમાણે મંત્રણા કરી રાજપુત્ર અને મંત્રીપુત્ર બન્ને જણ સજ્જ થઇ રાત્રિના સમયે નગર બહાર નીકળી પડ્યા. કેટલેક દૂર ગયા બાદ અરણ્યમાં કોઈ એક પુરુષનો કરુણ સ્વર સાંભળવામાં આવ્યો. તે સાંભળતાં જ હાથમાં તલવાર લઇને કુમાર તે તરફ ગયો. ત્યાં તો કાખમાં કોઇ પુરુષને દબાવીને સામો આવતો સાક્ષાત્ એક રાક્ષસ તેણે જોયો. કુમાર એને સમજાવે છે કે-“ભાઈ રે! આ બિચારા માણસને છોડી દે. એણે તારું શું બગાડ્યું છે તે કહે તો ખરો.” રાક્ષસ કહે છે કે- આ માણસ મને વશ કરવા ઇચ્છતો હતો, પરંતુ સાત દિવસ થયા હું ભૂખની પીડા ભોગવી રહ્યો છું. મેં એની પાસે માંસ માગ્યું પણ તે આપી શક્યો નહિ, માટે મેં એને પકડી લીધો છે. તો બોલ કે- હવે હું મારું ભક્ષ્ય શી રીતે જતું કરું?' રાજસિંહ કહે છે કે- 'તું આ પુરુષને છોડી દે અને બદલામાં તારી મરજી મુજબ હું તને માંસ આપીશ.' રાક્ષસે માણસને છોડી દીધો અને કુમાર પાસે તે માંસ માંગે છે. સત્ત્વશાળી કુમાર પોતાના જ અંગમાંથી માંસ કાપીને આપવા જાય છે, ત્યાં તો આનંદમાં આવીને રાક્ષસ કહે છે કે-'બસ, કુમાર! તારા સત્ત્વથી હું સંતુષ્ટ થયો છું. હવે તારી ઇચ્છા મુજબ વર માગ.” કુમારને તો માણસને બચાવવા સિવાય બીજું પ્રયોજન હતું નહીં એટલે કશું જ માગ્યું નહિ, તો પણ દેવનું દર્શન નિષ્ફળ ન હોય, એ વિચારથી તેને ચિંતામણી આપીને રાક્ષસ અંતર્ધાન થઇ ગયો. કુમાર પાછો ફર્યો અને પોતાના મિત્રની પાસે આવીને રાત્રિનો તમામ વૃત્તાન્ત તેણે કહી બતાવ્યો. પછી બન્ને જણ આગળ ચાલ્યા. કેટલેક કાળે રત્નપુર પહોંચ્યા. ત્યાં તેઓએ એક સુવર્ણમય જિનાલય જોયું. તેમાં રત્નની બનાવેલી જિનપ્રતિમા હતી. ભક્તિથી જેનાં રોમાંચ ખડાં થઇ ગયાં છે, એવા કુમારે તે પ્રતિમાને નમસ્કાર કરી સ્તવના કરી. પછી ચૈત્યને નિહાળતાં ચમત્કાર પામેલો કુમાર ત્યાંના કોઈ એક પૂજારીને પૂછે છે કે- “આ મંદિર કોણે બંધાવ્યું?' પૂજારી કહે છે કે- 'સાંભળો!'