________________
સત્તાવીસમું બાધકદોષ વિપક્ષ ચિંતન દ્વાર (402)
શ્રાદ્ધદિનકૃત્ય વધી એ જોયા કરે. સંસારની વાડી લીલીછમ બને એ માટે અનેક દેવ-દેવીઓની સાધના કરે. જેટલી ભક્તિ તીર્થંકર પરમાત્માની ન કરે, તેટલી ભક્તિ સંસારની વાડી લીલીછમ રાખવા પોતાને જે દેવ-દેવી ઉપર શ્રદ્ધા હોય તેની કરે. એવાઓ અરિહંત પરમાત્માની પૂજા પાંચ મિનિટમાં પતાવી દે, અને પોતે માનેલા દેવ-દેવીઓની પૂજા વધારે સમય કરે. અરિહંતની માળા જપે કે ન પણ જપે, પણ પોતે માનેલા દેવ-દેવીઓની માળા લાકો સુધી જપે. આવા તીર્થંકર પરમાત્માની ભક્તિ કરે તો પણ રાગ વગેરે દોષો ઘટાડવા માટે નહિ, કિંતુ વધારવા માટે કરે. એમનો ધર્મક્રિયારૂપ વ્યવહાર અશુદ્ધ છે. વ્યવહાર શુદ્ધ અને અશુદ્ધ એમ બે પ્રકારનો છે. જેના યોગે રાગાદિ દોષો ઘટે તે ધર્મક્યિા શુદ્ધ વ્યવહાર છે. જેના યોગે રાગાદિ દોષો ન ઘટે કે વધે તે અશુદ્ધ વ્યવહાર છે. જ્ઞાનીઓએ શુદ્ધ વ્યવહારની મહત્તા બતાવી છે, અશુદ્ધ વ્યવહારની નહિ.
હું દુઃખી રાગાદિ દોષોથી છું એવો નિર્ણય થવો જોઈએ રાગાદિ દોષો ઘટાડવાના આશયથી ધર્મકરનારાની ધર્મક્રિયા શુદ્ધ વ્યવહાર છે. રાગાદિ દોષો ઘટાડવાના આશયથી ધર્મક્રિયા તો જ થઈ શકે કે, જો રાગાદિ દોષો પ્રત્યે તિરસ્કાર જાગે. રાગાદિ દોષો પ્રત્યે તિરસ્કાર તો જ આવે કે જો રાગાદિ દોષોથી દુ:ખ વધે છે એ વાત હૈયામાં જચી જાય. રાગાદિ દોષો દુઃખનું મૂળ છે એ વાત હૈયામાં જગ્યા વિના નિશ્ચય ક્યાંથી આવે ? રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ વગેરે દોષોથી અશુભ કર્મબંધ થાય છે. પછી જ્યારે બંધાયેલાં અશુભ કર્મોનો ઉદય થાય છે, ત્યારે દુ:ખ આવે છે. આથી જો રાગાદિ દોષોનો સર્વથા ક્ષય થઈ જાય અને એથી કર્મબંધ અટકી જાય તો એક પણ દુ:ખ ન રહે. માટે મારે હવે મારા રાગાદિ દોષોનો ક્ષય કરવો છે. રાગાદિ દોષોનો ક્ષય કરવાનો ઉપાય ધર્મ છે. આથી મારે હવે રાગાદિ દોષોના ક્ષય માટે ધર્મ કરવો છે. આવા ભાવથી થતી ધર્મક્રિયા શુદ્ધ વ્યવહાર છે. આવો ભાવ આવ્યા વિના નિશ્ચયનું લક્ષ્ય ન આવે. નિશ્ચયના લક્ષ વિનાની ધર્મક્રિયા અશુદ્ધ વ્યવહાર છે. (અહીં ૩૨૪મી ગાથા પૂર્ણ થઈ.) (૩૨૪).
*
* *
*