________________
શ્રાદ્ધદિનકૃત્ય
(401) સત્તાવીસમું બાંધકદોષવિપક્ષ ચિંતન દ્વાર ધન, કીર્તિ અને પરભવમાં સ્વર્ગસુખો મેળવવાના લક્ષ્યવાળા બની જાય તો ધર્મ કેવી રીતે રહે?
દરેક ધર્મી ગૃહસ્થોએ કે સાધુઓએ પોતે જે કંઈ ધર્મપ્રવૃતિ કરે છે તે ક્યા આશયથી કરે છે તે તપાસવું જોઈએ. આમાં પોતે જ પોતાનો નિર્ણય કરી શકે, બીજાઓ ન કરી શકે. કારણ કે અંતરમાં મલીન આશય હોય, પણ બહારથી શાસન ઉન્નતિ, શાસન પ્રભાવના માટે આ કરીએ છીએ એમ કહે. એટલે બીજાઓ તો આનો આશય સારો છે એમ જ કહે. બહારથી આ ધર્મપ્રવૃત્તિ અને શાસન પ્રભાવના વગેરે માટે કરીએ છીએ એમ કહે. પણ અંતરમાં મલિન આશય હોય એવું પણ બને. અંદરનો મલિન આશય તો પોતે જ જાણી શકે છે, જ્ઞાની
જાણી શકે.
નિશ્ચય દષ્ટિ એટલે ધર્મના ફળ તરફ દષ્ટિ. ધર્મનું મુખ્ય ફળ દોષોની હાનિ અને ગુણોની વૃદ્ધિ છે. આમ તો મોક્ષનો ભાવ એ નિશ્ચય દષ્ટિ છે. પણ મોક્ષ દોષોનો વિનાશ અને ગુણોના પ્રગટીકરણ વિના ન થાય. દોષોનો વિનાશ એકદમ ન થઈ જાય. જેમ જેમ શુદ્ધ ધર્મનાં અનુષ્ઠાનો થતાં જાય તેમ તેમ દોષોની હાનિ-દોષોમાં ઘટાડો થતો જાય. દોષોની હાનિ થાય એટલે ગુણોની વૃદ્ધિ થયા વિના રહે નહિ. ધીમે ધીમે દોષોની હાનિ થતાં એક સમય એવો આવી જાય કે દોષોનો સર્વથા વિનાશ થઈ જાય. આથી વર્તમાનમાં આપણે ધર્મના અનુષ્ઠાનો કરતાં કરતાં આપણા દોષો ઘટે છે કે નહિ એ તપાસતા રહેવું જોઈએ.
ધર્મનાં અનંતર ફળો આચાર્યશ્રી હરિભદ્ર સૂરિ મહારાજે ધર્મબિંદુ નામના ગ્રંથમાં ધર્મના ફળનું વર્ણન કરતાં જણાવ્યું છે કે ધર્મના ફળ બે પ્રકારે છે. એક અનંતર ફળ અને બીજું પરંપર ફળ. અનંતર ફળ એટલે તુરત ફળ મળે. પરંપર ફળ એટલે કાલાંતરે મળે. અનંતર ફળ વર્તમાન ભવમાં જ અવશ્ય મળે. સૂર્યોદય થાય અને પ્રકાશ ન થાય એવું બને જ નહિ. તેમ શુદ્ધ ધર્મ થાય અને ફળ મળે નહિ એવું બને જ નહિ. રાગ વગેરે દોષોની હાનિ, ઉદારતા વગેરે ગુણોની વૃદ્ધિ અને લોકપ્રેમનું સંપાદન એ ધર્મનાં અનંતર-તુરત મળનારાં ફળો છે. જો શુદ્ધબુદ્ધિથી ધર્મનાં અનુષ્ઠાન કરવામાં આવે તો જેમ જેમ ધર્મ થતો જાય તેમ તેમ રાગ વગેરે દોષો ઘટતા જાય અને ઉદારતા વગેરે ગુણો વધતા જાય. ઉદાર માણસ પ્રાય: શિષ્ટ લોકના પ્રેમને પ્રાપ્ત કરીને લોકપ્રિય બની જાય. આ ફળો અવશ્ય મળી જાય એવા છે. આથી દરેક ધર્મીએ આ ફળો મને મળે છે કે નહિ તે તપાસવું જોઈએ. જો એ ફળો ન મળતાં હોય તો કેમ નથી મળતાં એની તપાસ કરવી જોઈએ. દર્દી જેમ જેમ દવા કરતો જાય તેમ તેમ એનાથી દર્દ મટે છે કે નહિ, એ તપાસતો જાય. તપાસતાં ખબર પડે કે દર્દ મટતું નથી તો તરત ચોકે. દર્દ કેમ મટતું નથી એ વિચારે. તેમાં દવા બરોબર છે કે નહિ તે વિચારે. દવાનો આધાર વૈદ્ય –ડૉક્ટર ઉપર રહે છે. વૈદ્ય-ડૉક્ટર સારા હોય તો દવા બરોબર આપે. વિચારતાં એમ લાગે કે દવા બરોબર છે તો એ વિચારે કે હું દવા બરોબર લઉં છું કે નહિ ? પથ્ય બરોબર પાળું છું કે નહિ? આ બધું વિચારે. એમ ધર્મીઆત્મા પણ ભાવ દર્દી છે. એને રાગાદિ દોષોનું દર્દ છે. ધર્મના અનુષ્ઠાનો રાગાદિ દોષો રૂપ દર્દને દૂર કરવાની દવા છે. આથી ધર્મીએ દવા કરતાં કરતાં રાગાદિ દોષો રૂપ દઈ ઘટે છે કે નહિ તે તપાસતા રહેવું જોઈએ.
નિશ્ચયના લક્ષ્ય રહિત જીવોની દશા આજે નિશ્ચયના લક્ષ્યથી રહિત ધર્મનાં અનુષ્ઠાન કરનારાઓની આનાથી વિપરીત દશા છે. તેવા જીવો જેમ જેમ ધર્મ કરતા જાય તેમ તેમ આત્મા તરફ નજર કરવાને બદલે તિજોરી તરફ નજર કરતા જાય. આટલા વર્ષોથી હું ધર્મકરું છું તો એનાથી તિજોરીમાં કેટલો વધારો થયો એ જોયા કરે. ધર્મથી સંસારમાં કેટલી અનુકૂળતાઓ