________________
પહેલું નમસ્કાર દ્વાર
કહ્યું છે —
अनेडमूका भूयासुस्ते येषां त्वयि मत्सरः । शुभोदर्काय वैकल्यमपि पापेसु कर्मसु ॥१५॥ “હે નાથ ! જેમને આપના ઉપર અસૂયા છે તે લોકો મૂંગા અને બહેરા બનો, કારણ કે પાપકાર્યોમાં ઇન્દ્રિયોની ખામી પણ ભવિષ્યના શુભ ફળ માટે થાય છે.’’
ભગવાન ઉપર અસૂયા રાખનારા જીવો પરિપૂર્ણ ઇન્દ્રિયોવાળા હોય તો ભગવાનની નિંદા કરીને કે સાંભળીને અનંત પાપને એકઠું કરે, પણ જો જીભ આદિ ઇન્દ્રિયોની ખામીવાળા હોય તો નિંદાદિ પાપોથી બચી જાય. આથી એવા જીવો માટે ઇન્દ્રિયોની ખામી ઇચ્છવી એ અહિતચિંતા નથી, કિંતુ હિતચિંતા છે.
22
શ્રાદ્ધદિનકૃત્ય
પાપી આત્માઓ જાગીને પાપકાર્યમાં પ્રવૃત્તિ કરે એના કરતાં ઊંઘતા રહે એ એમના માટે સારું છે. આથી અહીં વહેલા ઉઠવાની વાત ધર્મ કરવા માટે છે, પાપ કરવા માટે નહિ. ધર્મી આત્માએ બ્રાહ્મ મુહૂર્તમાં ઊઠીને ધર્મક્રિયાઓ કરવી જોઇએ. પૂર્વે સમયનું માપ મુહૂર્ત, ઘડી વગેરેથી થતું હતું. આજે સમયનું માપ ઘડિયાળના આધારે કલાક વગેરેથી થાય છે. એટલે ક્લાક પ્રમાણે વિચારીએ તો ધર્મી આત્માએ સવારે લગભગ સાડાચારથી સાડા પાંચ વચ્ચેના સમયમાં ઊઠવું જોઈએ. મોડામાં મોડું સાડા પાંચ વાગે તો અવશ્ય ઊઠી જવું જોઇએ અને ધર્મક્રિયાઓ કરવી જોઈએ. બાળક, બિમાર વગેરેને છોડીને બાકીના ઘરના બધા માણસો મોડામાં મોડા સાડા પાંચ વાગે ઉઠીને પોત–પોતાની નિયત ધર્મક્રિયાઓ કરતા હોય એવું જૈનઘરનું વાતાવરણ હોવું જોઇએ. વહેલી સવારે મોટા અવાજથી ન બોલવું
સવારે વહેલાં ઊઠીને ધર્મક્રિયાઓ કરતાં મોટો અવાજ ન થાય તેની કાળજી રાખવી. બોલવાની જરૂર પડે તો બહુ ધીમેથી બોલવું. ખાંસી, છીંક વગેરેમાં પણ અવાજ ઓછો થાય તે માટે શક્ય પ્રયત્ન કરવો. જો મોટો અવાજ થાય તો આજુબાજુમાં રહેલા તિર્યંચો અને મનુષ્યો જાગી જાય અને પાપકાર્યમાં પ્રવૃત્તિ કરે, જેમ કે– ગરોળી જાગી જાય તો માખીને મારવાના વિચારો અને પ્રવૃત્તિ કરે. બિલાડી જાગી જાય તો ઉંદરને મારવાના વિચારો અને પ્રવૃત્તિ કરે. ખેડૂત જાગી જાય તો ખેતી સંબંધી વિચારો અને પ્રવૃત્તિ કરે. કોઇ પાણી ભરવાનું કામ કરે. કોઇ અગ્નિ સળગાવવાનું કામ કરે. આમ જેને જે કામ કરવાનું હોય તે કામ કરવા માંડે. ધર્મીજીવના અવાજથી એક માણસ જાગે અને પોતાનું કામ કરે. તે માણસના અવાજથી બીજો પણ માણસ જાગે. બીજાના અવાજથી ત્રીજો જાગે. આમ પરંપરાએ અનેક માણસો જાગી જાય. તેમાં માછીમાર જેવા હિંસક મનુષ્યો પણ જાગીને માછલા મારવા વગેરે હિંસા કરે. આથી મોટો અવાજ કરીને બીજાને જગાડનાર આવા ઘોર પાપોમાં નિમિત્ત બનીને નિરર્થક દોષોનો ભાગીદાર બને છે. માટે ધર્મી આત્માએ વહેલી સવારે મોટો અવાજ ન થાય તેની કાળજી રાખવી જોઇએ. શાસ્ત્રમાં કહ્યું છે કે કોઇ વૃદ્ધા દહીં ખાય તેમાં જેટલો અવાજ થાય, તેનાથી પણ ઓછો અવાજ થાય તેની કાળજી રાખવી જોઈએ.
આ વિષે બૃહત્કલ્પ સૂત્રની ટીકામાં સાધુઓ માટે નીચે મુજબ જણાવ્યું છે –
(૧) પ્રતિબદ્ધ (=નજીકમાં જ ગૃહસ્થોના ઘરો હોય તેવી) વસતિમાં સાધુઓ પ્રતિક્રમણ મૌનપણે કરે, અથવા ગૃહસ્થો સ્વયમેવ ઊઠ્યા હોય ત્યારે કરે.
(૨) પરાવર્તન કરતાં થયેલી શંકા યાદ રાખીને દિવસે પૂછે.
(૩) જનરહિત ઉદ્યાનમાં પણ રાતે પશુ-પક્ષીઓ ન જાગે તેની કાળજી રાખે.