________________
પહેલું નમસ્કાર દ્વાર
( 18 )
શ્રાદ્ધદિનકૃત્ય થિણદ્ધિ નિદ્રાનાં દષ્ટાંતો એક માણસને માંસ બહુ પ્રિય હતુ. સાધુઓનો યોગ થતાં વૈરાગ્ય પામીને દીક્ષા લીધી. તેણે એકવાર એક સ્થળે પાડાને પાતો જોયો. આથી તેને માંસ ખાવાની તીવ્ર અભિલાષા થઇ. માંસ ખાવાની અભિલાષામાં જ તે રાતે સૂઇ ગયો. તેને થિણદ્ધિ નિદ્રા આવી. તે ઊંઘમાં જ ઊઠીને બહાર ગયો. એક પાડાને મારીને તેનું માંસ ખાધું. વધેલું માંસ લાવીને ઉપાશ્રયમાં મૂક્યું. આ બધું તેણે ઊંઘમાં જ કર્યું છે. પછી તે પોતાના સ્થાને સૂઇ ગયો. સવારમાં ઊઠીને તેણે ગુરુને કહ્યું: મેંએક પાડાને મારીને તેનું માંસ ખાધું અને વધેલું માંસ ઉપાશ્રયમાં મૂક્યું, એવું મને નિદ્રામાં સ્વપ્ન આવ્યું. આને ખરેખર આવું સ્વપ્ન આવ્યું હતું કે થીણદ્ધિ નિદ્રાના ઉદયથી એણે આવું કામ કર્યું છે એ જાણવા ગુરએ તપાસ કરાવી તો ઉપાશ્રયમાં પડેલું માંસ જોવામાં આવ્યું. આથી આ સાધુને થીણદ્ધિ નિદ્રા આવી હતી એવો નિર્ણય કર્યો, પછી તેની પાસેથી સાધુવેષ લઇને તેને રજા આપી દીધી. કારણ કે થીણદ્ધિ નિદ્રાના ઉદયવાળો જીવ ચારિત્ર માટે અયોગ્ય છે.
આવું જ બીજું પણ દષ્ટાંત છે. એક સાધુને શ્રાવકના ઘરે લાડવાઓ જોઇને લાડુ ખાવાની તીવ્ર ઇચ્છા થઇ. લાડુ ખાવાની તીવ્ર અભિલાષામાં જ તે સૂઈ ગયો. તેને થીણદ્ધિ નિદ્રા આવી. તે નિદ્રામાં જ ઊઠીને શ્રાવકના ઘરે ગયો. ત્યાં કબાટ ઉઘાડીને લાડવા ખાધા. બાકીના લાડવા પાત્રામાં લઈને ઉપાશ્રયે આવ્યો. પછી સૂઈ ગયો. સવારે ઊઠીને રાતના મને આવું સ્વપ્ન આવ્યું એમ ગુરુને કહ્યું. ગુરુએ તેના પાત્રામાં મોદકો જોઇને આને થીણદ્ધિ નિદ્રા આવી હતી એવો નિર્ણય કર્યો, તેની પાસેથી સાધુવેષ લઇને તેને રજા આપી દીધી.
વહેલા ઉઠવાથી શારીરિક લાભ પણ થાય ધર્મ કરવા માટે વહેલા ઉઠવાની ટેવ પાડવામાં આવે તો શારીરિક દષ્ટિએ પણ લાભ થાય. વહેલા ઊઠવાથી શરીરને પણ લાભ થતો હોવાથી આયુર્વેદશાસ્ત્રમાં પણ મોડામાં મોડું સૂર્યોદય પહેલાં અવશ્ય ઊઠી જવું એમ કહ્યું છે. આ વિષે લૌકિકશાસ્ત્રમાં કહ્યું છે કે
જે પ્રાણીને ઊંઘતાં જ સૂર્યોદય થાય છે તેમને બુદ્ધિ, ઋદ્ધિ અને આયુષ્યની હાનિ થાય છે.” વહેલા ઉઠવાથી વર્તમાન જીવનમાં થતા લાભ વિષે એક કવિએ કહ્યું છે કે– .
રાતે વહેલા જે સૂએ, વહેલા ઊઠે વીરા
બળ બુદ્ધિ ને ધન વધે, સુખમાં રહે શરીર. બીજા એક સ્થળે પણ કહ્યું છે કે– ब्राह्मे मुहूर्ते बुध्येत स्वस्थो रक्षार्थमायुषः । ततः दुःखस्य शान्त्यर्थं स्मरेद्धि मधुसूदनम् ।।
પોતાના આયુષ્યની રક્ષા માટે સ્વસ્થ મનુષ્યબ્રાહ્મમુહૂર્તમાં (ચારથી પાંચ વાગ્યા સુધીમાં) ઊઠીને દુઃખની શાંતિ માટે મધુસૂદનનું( ભગવાનનું) સ્મરણ કરવું જોઈએ.”
હવામાનનું વિજ્ઞાન કહે છે કે વહેલી સવારના હવામાનમાં પ્રાણવાયુનું પ્રમાણ બમણું હોય છે. સૂર્યની ગરમીના કારણે હવામાનમાં જે અશુદ્ધિઓ પેદા થવાનો સંભવ હોય છે તેનાથી વહેલી સવારનું હવામાન મુક્ત હોય છે અને પરિણામે આવશ્યક પ્રાણવાયુના સેવનથી સાચું નીરોગી આયુષ્ય મળે છે. માનવજીવનમાં હવા લોહીને શુદ્ધ બનાવે છે. માનવશરીરમાં ફેફસાં દ્વારા ઓકિસજન ( પ્રાણવાયુ) લોહીનું શુદ્ધિકરણ કરે છે, ને આ રક્તની શુદ્ધિ ઉપર જ શરીરની તંદુરસ્તીનો આધાર રહ્યો છે.” ('આયુર્વેદનું જીવનદર્શન’ પુસ્તમાંથી અક્ષરશ: સાભાર ઉદ્ધત)