________________
ઓગણીસમું વંદનાદિ (આવશ્યક) દ્વાર
જે કોઈ એનું સેવન કરે તેનો પાપરૂપી રોગ અવશ્ય નાશ પામે.
અહીં એ સમજી લેવાની જરૂર છે કે જેનામાં સૂત્રોના અર્થો સમજવાની શક્તિ હોય તેણે સૂત્રોના અર્થોને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. કારણકે સૂત્રોના અર્થોના ઉપયોગપૂર્વક પ્રતિક્રમણ કરવાથી વધારે ઉલ્લાસ આવે છે, અને એથી ઘણાં પાપકર્મો ખપે. પણ કોઈ જીવમાં સૂત્રોના અર્થો સમજવાની શક્તિ ન હોય અથવા સંયોગો ન હોય તો તેણે સૂત્રોના અર્થોને સમજ્યા વિના પ્રતિક્રમણથી શો લાભ થાય ? ઇત્યાદિ વિચારીને પ્રતિક્રમણ કરવામાં આળસુ ન બનવું જોઈએ. કોઈપણ ધર્મક્રિયામાં સમજ કરતાંય શ્રદ્ધા વધારે મહત્ત્વની છે. આ શાસનમાં અનેક જીવો ઓછી બુદ્ધિના કારણે વિશેષ સમજ ન હોવા છતાં શ્રદ્ધાના બળે આત્મકલ્યાણ સાધી ગયા.
328
શ્રાદ્ધદિનકૃત્ય
પ્રતિક્રમણના લાભને સમજનાર શ્રાવક ગમે તેવું કામ આવે કે ગમે તેવી વિક્ટ પરિસ્થિતિ સર્જાય તો પણ પ્રતિક્રમણ કરવાનું ચૂકે નહિ. આ વિષે મહણસિંહનું દૃષ્ટાંત છે.
મહણસિંહનું દૃષ્ટાંત
દિલ્હીમાં ફિરોજશાહ બાદશાહ રાજ્ય કરતો હતો. દિલ્હીમાં જ મહણસિંહ શ્રાવક રહેતો હતો. તે એક પ્રતિષ્ઠિત અને રાજમાન્ય શાહુકાર હતો. એકવાર બાદશાહને બહારગામ જવાનું થયું. બાદશાહે રસાલામાં મહણસિંહને પણ સાથે લીધો હતો. રસાલો ધારેલા સ્થાન પર જઈ રહ્યો હતો. રસ્તામાં સૂર્યાસ્તનો સમય થઈ ગયો. આથી મહણસિંહે પોતાના ઘોડાને એક બાજુ લઈ લીધો. રસાલો તો આગળ વધી ગયો. પછી મહણસિંહે પોતાની પાસે રાખેલાં પ્રતિક્રમણનાં ઉપકરણો કાઢ્યાં. ચરવળાથી ભૂમિનું પ્રમાર્જન કરીને કટાસણું પાથરીને પ્રતિક્રમણ કરવા લાગ્યો. પ્રતિક્રમણ પૂરું થયા પછી તે બાદશાહની સાથે થઈ જવા ઝડપથી આગળ વધ્યો.
બીજે ગામ પહોંચીને બાદશાહે જોયું તો મહણસિંહ ન દેખાયો. પૂછપરછ કરવાથી મહણસિંહ ક્યાં છે તેની ખબર ન પડી. આથી બાદશાહે તુરત તેને શોધી લાવવાની માણસોને આજ્ઞા કરી. તેવામાં તે આવી પહોંચ્યો. બાદશાહે પૂછ્યું : મહણસિંહ ! તમે ક્યાં હતા ? તમને શોધવા હમણાં જ હું માણસો મોકલતો હતો તેવામાં તમે આવી ગયા. મહણસિંહે કહ્યું : જહાંપનાહ ! મારી કાળજી રાખવા બદલ આપનો આભાર. સૂર્યાસ્તનો સમય થાય ત્યારે હું જ્યાં હોઉં ત્યાં પ્રતિક્રમણ કરવું એવો મારે નિયમ છે. વર્ષોથી હું આ નિયમનું પાલન કરું છું. આથી હું પ્રતિક્રમણ કરવા રસ્તામાં રોકાયો હતો.
બાદશાહ : તમને એકલા જોઈને આપણા શત્રુઓ મારી નાખે તેવું પણ બને. આથી તમારે આવું સાહસ ન કરવું જોઈએ.
મહણસિંહ : જહાંપનાહ ! ધર્મ કરતાં મૃત્યુ આવે તો સારું જ ગણાય. ધર્મ કરતાં મૃત્યુ પામેલો આત્મા સદ્ગતિમાં જાય. મહણસિંહની ધર્મશ્રદ્ધાથી ખુશ થઈને બાદશાહે સુભટોને આજ્ઞા કરી કે મહણસિંહ પ્રતિક્રમણ કરે ત્યારે તમારે તેમની ચારે બાજુ ખડે પગે ઊભા રહીને તેમનું રક્ષણ કરવું.
થોડા દિવસો પછી બાદશાહ રસાલા સહિત દિલ્હી પાછો આવ્યો. એકવાર બાદશાહને મહણસિંહના નિયમની કસોટી કરવાનો તુક્કો સૂઝ્યો. આથી કોઈ ખોટો ગુનો બતાવીને તેને જેલમાં પૂરી દીધો. હાથ-પગમાં બેડી બંધાવી દીધી. મહણસિંહને જેલની ચિંતા ન હતી. પણ હાથ-પગ બંધાયેલા હોવાથી પ્રતિક્રમણ કેવી રીતે કરવું તેની ચિંતા હતી. જેલના રક્ષકને બે સોનામહોર આપવાનું કહ્યું. આથી તે કોઈ ન જાણે તે રીતે પ્રતિક્રમણના સમય સુધી બેડીઓ છોડી નાખતો હતો. આ રીતે એક મહિના સુધી પ્રતિક્રમણ કર્યું. આ વાત બાદશાહે જાણી.