________________
226 )
ચૌદમું વ્યવહારશુદ્ધિ દ્વાર
શ્રાદ્ધદિનકૃત્ય. (૨) રોજ કરતાં વિશેષ તપ કરવો જોઈએ.
(૩) શાકભાજી અને કાચાં-પાકાં ફળો વગેરે લીલોતરી ખાવાનો ત્યાગ કરવો જોઈએ. કદાચ વિશેષતપ ન થઈ શકે તો પણ લીલોતરીનો અવશ્ય ત્યાગ કરવો જોઈએ. જેથી આજે પર્વ તિથિ છે એવી સ્મૃતિ રહેવા સાથે પર્વ તિથિઓ પ્રત્યે બહુમાન ભાવ પ્રગટ થાય.
ભાવશુદ્ધિ- (૧) ઘાતક શસ્ત્રો વગેરે રાખનારા ક્રૂર માણસો સાથે લેવડદેવડનો વ્યવહાર રાખવો. (૨) ઉધાર વેપાર ન કરવો. ઉધાર વેપાર કરવો પડે તો પરિચિત અને સારા માણસો જોડે જ કરવો.
(૩) ધન વ્યાજે આપવું હોય તો વધુ કિંમતનાં ઘરેણાં વગેરે લઈને આપવું. વ્યાજ ઉચિત લેવો. અનુચિત વ્યાજ લેવાથી પોતાની અને ધર્મની નિંદા થાય. પરિણામે જૈનશાસનની અપભ્રાજના થાય.
(૪) બીજા પાસેથી પૈસા લીધા હોય તો મુદત પહેલાં કે મુદત થતાં સુધીમાં આપી દેવા. જો તેમ ન કરવામાં આવે તો વિશ્વાસઘાત થાય. એક્વાર વિશ્વાસઘાત કરવાથી ફરીવાર ધનની જરૂર પડે ત્યારે ન મળે. એથી વ્યવહાર તૂટવાનો પ્રસંગ આવે, માટે દેવું આપવામાં વિલંબ ન કરવો. આ વિષે કહ્યું છે કે
धर्मारम्भे ऋणच्छेदे कन्यादाने धनागमे । शत्रुघातेऽग्निरोगे च, कालक्षेपं न कारयेत् ॥
“ધર્મ કરવામાં, દેવું આપવામાં, કન્યાને પરણાવવામાં, આવતું ધન લેવામાં, શત્રુતાનો નાશ કરવામાં, દાવાનલાદિ ઉપદ્રવને દૂર કરવામાં અને રોગનો નાશ કરવામાં વિલંબ ન કરવો જોઈએ.”
જો બીજાનું દેવું રહી જાય તો ભવાંતરમાં લેણદારને ત્યાં નોકર, પાડા, બળદ આદિ રૂપે જન્મીને દેવું પુરું કરવું પડે. આ વિષે ભાવડ શેઠનું દષ્ટાંત આ પ્રમાણે છે–
ભાવડ શેઠનું દાંત ભાવડ નામે એક શ્રેષ્ઠી હતો. તેની સ્ત્રીને પેટે એક જીવ અવતર્યો. તે વખતે ખોટાં સ્વપ્ન આવ્યાં તથા શ્રેષ્ઠીની સ્ત્રીને દોહલા પણ ઘણા જ માઠા ઉત્પન્ન થયા. બીજા પણ ઘણાં અપશુકન થયાં. સમય પૂર્ણ થયે શ્રેષ્ઠીને મૃત્યુયોગ ઉપરકુટ પુત્ર થયો. તે ઘરમાં રખાય નહીં, તેથી માહણી નદીને કાંઠે એક સુકાયેલા વૃક્ષની નીચે તે બાળકને મૂક્યો.
તે બાળકે પ્રથમ રુદન કરીને અને પાછળથી હસીને કહ્યું કે, “એક લાખ સોનૈયા હું તમારી પાસે માંગુ છું તે આપો, નહીં તો તમારા ઉપર ઘણા અનર્થ આવી પડશે.” તે સાંભળી ભાવડ શ્રેષ્ઠીએ તે પુત્રને ઘરે લાવીને તેનો જન્મોત્સવ કર્યો. છ દિવસે એક લાખ સોનૈયા વાપર્યા ત્યારે તે બાળક મરણ પામ્યો. એ જ રીતે બીજો પુત્ર પણ ત્રણ લાખ સોનૈયા આપ્યા ( તેના માટે વાપર્યા, ત્યારે મરણ પામ્યો. ત્રીજો પુત્ર થવાને અવસરે સ્વપ્ન તથા શુકન પણ સારા થયા.
પુત્ર ઉત્પન્ન થયા પછી તેણે કહ્યું કે, “મારે ઓગણીશ લાખ સોનૈયા લેવાના છે.” એમ કહી તેણે માબાપ પાસેથી ઓગણીસ લાખ સોનૈયા ધર્મ ખાતે કઢાવ્યા. પછી તે નવ લાખ સોનૈયા ખરચીને કાશ્મીર દેશમાં શ્રી ઋષભદેવ ભગવાન શ્રી પુંડરીક ગણધર અને ચકેશ્વરી દેવીએ ત્રણની પ્રતિમા લઈ ગયો. દસ લાખસોનૈયા ખરચીને ત્યાં પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી. પછી ઉપાર્જન કરેલું અસંખ્ય સુવર્ણ અઢાર વહાણમાં ભરીને તે શત્રુંજય ગયો. ત્યાં લેપ્યમય પ્રતિમાઓ હતી. તે કાઢીને તેને ઠેકાણે તેણે મમ્માણી રત્નની પ્રતિમાઓ સ્થાપન કરી. આ રીતે ત્રણ ભવાંતરે વાળવું પડે એ વિષય ઉપર ભાવડ શ્રેષ્ઠીની કથા કહી.