________________
લાગે કે તેમાં શું? પણ એમાં ઘણું છે. શ્વાસને કેવળ જોતા રહેવાનું જેટલું સરળ લાગે છે - તેટલું સરળ નહીં રહે.
શ્વાસને જોવાનું થોડીક વાર ચાલ્યું નહીં હોય ત્યાં તમારું શરીર પ્રતિકાર કરવા લાગશે. હાથ હલાવવાનું મન થશે, પગ લંબાવવાનું મન થશે, શરીરમાં કયાંક કળતર વર્તાશે, કમર દુખવા લાગશે. આ બધા સાધનાના વિક્ષેપો છે. તેને મચક નહીં આપતાં તમારે બને તેટલી સ્થિરતા રાખીને સાધના ચાલુ જ રાખવાની છે. જો તમે શરીરની ફરિયાદો ઉપર ધ્યાન આપીને હલન-ચલન કર્યા કરશો તો સાધના માટે જે એકાગ્રતા જરૂરી છે તે નહીં સચવાય અને સાધના ચૂંથાઈ જશે. બે ઘડી આસન ઉપર સ્થિર બેસી રહેવું અથવા તો નછૂટકે અલ્પતમ હલનચલન કરવું એ સાધનાનું અંગ છે.
શ્વાસ નિરીક્ષણની સાધનાની આડે બીજો એક મોટો અવરોધ આવે છે વિચારોનો. માંડ બે-ચાર શ્વાસ જોયા ન જોયા હોય ત્યાં મનમાં તરેહ તરેહના વિચારો ઊઠવા લાગશે. તમે શ્વાસ જોવામાં તલ્લીન હો, ત્યાં તો વિચારો જાણે કે તમારા ઉપર હુમલો કરવા માંડે. ધ્યાનમાં વિચાર એ મોટું વિઘ્ન છે, પણ વિચારને દબાવવાથી વિચાર નહીં શમે. વિચારનું દમન કરવાથી તે વધારે ઊછળશે. વિચારને કાઢવાની બે રીત છે. એક તો કેવળ તેને જોયા કરો અને બીજી છે તેનું સમાધાન કરીને તેનું શમન કરવાની. જેવા તમે વિચારને જોશો, તેના પ્રતિ સાવધ બનશો કે વિચાર આગળ વધતો અટકી
જશે. વિચારોને બાજુએ રાખીને તમારે શ્વાસને જોવાની સાધના આગળ વધારતા જ રહેવાની છે. શરીરમાં કયાંક ને કયાંક થતી પીડા અને વિચારો એ બંને વિઘ્નો શરૂઆતમાં વધારે જોર કરશે પણ જો તમે સાધનામાં મંડ્યા રહેશો તો તેમના ઉછાળા ઓછા થઈ જશે. ધીમે ધીમે તન અને મન બંને સધાતાં જશે અને સાધનામાં સ્થિરતા આવતી જશે.
આ સાધના આમ તો શ્વાસને જોતા રહેવાની છે પણ શ્વાસને જોતાં જોતાં સાધકને વિવિધ અનુભૂતિઓ થવા લાગશે. ઘડીમાં શ્વાસ ગરમ લાગશે તો ઘડીમાં તે ઠંડો લાગશે. કયારેક શ્વાસ લાંબો થશે તો કયારેક તે ટૂંકો હશે. સાધકે આ અનુભૂતિઓને કેવળ જોવાની છે. તેના પ્રતિ રાગ કે દ્વેષ અર્થાત્ ગમો કે અણગમો કરવાનો નથી. સાધનાને વધારે સૂક્ષ્મ સ્તરે લઈ જવા માટે સાધક ઘણી વાર જાણતાં કે અજાણતાં નાકના અગ્રભાગ ઉપર જોતો હોય છે, ધ્યાનવિચાર
૫૩