________________
તમે મંદિરમાં ભગવાનની સમીપે પંદર-વીસ મિનિટ આમ ઊભા રહીને તેના સ્વરૂપનું ધ્યાન ધરતા રહેશો તો બધો સમય ચિત્ત તમને સાથ નહિ આપે. પણ કેટલોક સમય તો ચિત્ત તમારા કહ્યામાં રહ્યું હશે અને તેણે તમને સાથ આપ્યો હશે. સફળતાનું આ પ્રથમ સોપાન છે. આમ તમે ઉત્તરોત્તર રોજ આ ધ્યાન ધરતા રહેશો તો ચિત્ત ધીમે ધીમે ભગવાનના સ્વરૂપ ઉપર વધારે સ્થિર થવા લાગશે.
શ્રદ્ધાવાળા જીવને તો ધ્યાનની આ વાત જલદીથી જચી જશે પણ કોઈને એવો પણ વિચાર આવે કે ચિત્તને આમ ભગવાનના દર્શનમાં શા માટે સ્થિર કરવું? તેનાથી શું ફાયદો થવાનો? ભગવાન ઉપર ચિત્ત સ્થિર થવામાં તમને ખબર પણ ન હોય તેમ એક ઘટના ઘટિત થઈ જાય છે. જે ચિત્ત ભગવાનના આલંબન વિના ઊડા-ઊડ કરીને ગમે ત્યાં સારી ખોટી વસ્તુઓ ઉપર બેસતું હતું અને રાગ-દ્વેષ કરીને અકારણ કર્મબંધ કરતું હતું તે હવે ભગવાન ઉપર સ્થિર થઈને અલ્પ કર્મબંધ કરતું થઈ જાય છે. વળી ભગવાનમાં સ્થિર થયેલું ચિત્ત કર્મનો જે કંઈ બંધ કરે છે તે કેવળ પુણ્યકર્મનો જ હોય છે.
જો ચિત્તને છૂટો દોર મળી જાય છે તો તે ગંદી-ગલીચ નાળીઓમાં ભટકી આવે છે. તેને કારણે ચિત્ત ઉપર ખરાબ સંસ્કાર પડે છે. જેની અસર ઉત્તરોત્તર વધતી રહે છે અને તેમાંથી પાપકર્મની પરંપરા સર્જાય છે. ઐહિક રીતે જોઈએ તો ભટકતું ચિત્ત એ તનાવનું કારણ બની જાય છે. ભગવાન ઉપર સ્થિર થયેલું ચિત્ત એ શુભ કે શુદ્ધના સંગમાં રમે છે જે આગળ વધતાં જીવને શાશ્વત સુખની વાટે સાથ આપશે.
સામાન્ય રીતે સ્થિર વસ્તુ કે વિષય ઉપર ચિત્તને લાંબા સમય માટે રોકી રાખવાનું મુશ્કેલ બની જાય છે. આપણે જ્યારે સિનેમા જોવા જઈએ છીએ કે ટી.વી જોવા બેસીએ છીએ ત્યારે તેના ઉપર ચિત્તને લાંબો સમય સ્થિર રાખી શકીએ છીએ કારણ કે તેના ઉપર દશ્યો બદલાતાં રહે છે અને આપણને ફિલ્મમાં સતત કંઈ બની રહ્યું હોવાનો અહેસાસ થતો રહે છે. કોઈ કારણસર પડદા ઉપરનું દશ્ય સ્થિર થઈ જાય અને તે આગળ ન વધે તો આપણે વિચલિત થઈ જઈએ છીએ અને જો થિયેટર હોય તો લોકો બૂમાબૂમ કરી મૂકે છે. વાતનું તાત્પર્ય એ છે કે જો દશ્ય બદલાતાં રહે તો
૧૦૪
ધ્યાનવિચાર