________________
સવાર-સાંજ એમ બે વખત જતા હોય છે. તેઓ ત્યાં થોડીક વાર ઊભા રહીને ભગવાનનાં દર્શન કરીને ઊભા-ઊભા કે નીચા પડીને વંદન કરીને નીકળી જતા હોય છે. તો કેટલાક વધારે આસ્થાવાળા લોકો સેવાપૂજા કરવા માટે જતા હોય છે. તેઓ ભગવાનની જળ-ચંદન-અક્ષત-નૈવેદ્ય-ફળ ઇત્યાદિ દ્રવ્યોથી સેવા પૂજા કરે છે. પછી પળ-બે પળ ભગવાનની સામે ઊભા રહીને કે પગે લાગીને કંઈક પ્રાર્થના કે સ્તુતિ કરે છે અને પાછે પગલે મંદિરમાંથી નીકળી જાય છે.
આ બંને પ્રકારના લોકોનાં દર્શન-વંદન કે સેવા-પૂજામાં ધ્યાનની ભૂમિકા તો રચાઈ જ ગઈ હોય છે. તેઓ દર્શન-પૂજન કર્યા પછી થોડીક વધારે વાર મંદિરમાં રોકાઈ જાય અને કોઈને અડચણ ન પડે તેમ એક જગા પસંદ કરીને ઊભા રહીને કે બેસીને ભગવાનની જે મૂર્તિ હોય કે સ્વરૂપ હોય તેના પ્રતિ વિચારરહિત થઈને થોડીક વાર માટે એકાગ્રતાથી જોયા કરે તો તે પણ એક રીતે ધ્યાન જ છે. આને આપણે ધ્યાનની પ્રાથમિક અવસ્થા કહી શકીએ. આ ધ્યાનમાં ભગવાનની મૂર્તિ કે સ્વરૂપનું આલંબન લઈને ચિત્તની ધારાને તેના પ્રતિ અસ્ખલિત રીતે વહેતી રાખવાની હોય છે અને આમ ભગવાન સાથે એકાગ્રતા સાધવાની હોય છે.
એકાગ્રતાની આ વાત દેખાય છે કે લાગે છે તેટલી સરળ નથી. ચિત્ત પારા જેવું છે. તેને વીખરાતાં વાર નથી લાગતી. તમે ભગવાન સામે જોતા રહેશો ત્યાં તો ચિત્ત ત્યાંથી સરકીને બીજા કેટલાય વિષયો ઉપર જવા માંડશે પણ હવે તમે સજાગ હશો એટલે ચિત્તને વળી પાછું તમે ભગવાનની મૂર્તિ ઉપર વાળી લાવશો અને ત્યાં રોકાશો. આમ ઘડીમાં ચિત્ત તમને દોડાવશે તો બીજી ઘડીએ તમે ચિત્તને દોડાવશો. ચિત્તની દોડવાની પ્રક્રિયા તો રહી જ પણ એમાં મોટો ફેર એ પડી ગયો કે પહેલાં તમે ચિત્ત દોડાવે તેમ દોડતા હતા તેને સ્થાને હવે તમે પણ ચિત્તને ધારી દિશામાં દોડાડવા લાગ્યા. આ તફાવત ઘણો મહત્ત્વનો છે. તેનો અર્થ એ થયો કે ચિત્ત ઉપર તમારું નિયંત્રણ સ્થપાવા માંડ્યું. આને શુદ્ધ ધ્યાન ન કહીએ તો પણ તેને ધ્યાનનો સંનિષ્ઠ પ્રયાસ તો કહેવો જ પડે અને તેનું ફળ પણ ઓછું નથી. બાકી ભગવાનની પ્રતિમા સામે જોતાંની સાથે જ ચિત્ત સ્થિર જાય તેવું ધ્યાન તો યોગીઓને પણ દુર્લભ હોય છે.
ધ્યાનવિચાર
૧૦૩