________________
૪
તે રીતે સમજાવેલ છે.
વળી દિગંબરોની માન્યતાના ખંડનમાં પદાર્થની વિચારણાની દષ્ટિથી ક્ષુધા-તૃષા પ્રત્યે બાહ્ય નિમિત્તો, પર્યાપ્તિ વગેરે કઇ રીતે કા૨ણ છે, તેની પણ સુંદર વિચારણા ગ્રંથકારે કરેલ છે. અને દિગંબર કહે છે કે જેમ મૈથુનની સંજ્ઞાથી જ મૈથુનની પ્રવૃત્તિ થાય છે તેમ આહા૨સંજ્ઞાથી જ આહારની પ્રવૃત્તિ થાય છે, તેનું ગ્રંથકારે યુક્તિથી નિરાકરણ કર્યું; જેના વર્ણનમાં આહારસંશા શું છે, ક્ષુધા પ્રત્યે આહા૨સંજ્ઞા કઇ રીતે કારણ છે અને કઇ રીતે નથી, તે પદાર્થો યુક્તિથી બતાવેલ છે.
વળી ગાથા ૭૯-૮૦માં કેવલીને ક્ષુધા-તૃષા હોય છે, તે સ્થાપન કરવા યુક્તિ બતાવતાં ક્ષુધા પ્રત્યે અશાતાવેદનીય, પર્યાતિઓ અને જઠરાગ્નિ વગેરે કઇ રીતે કારણ છે અને મોહની કારણતા ક્ષુધા પ્રત્યે કઇ રીતે નથી તે પણ સુંદર યુક્તિથી બતાવેલ છે.
વળી જીવમાં તૃષ્ણા કેવી રીતે પેદા થાય છે અને ચાર કારણોથી આહારસંજ્ઞા પ્રગટ થાય છે અને તે ચાર કારણો આગમના પાઠથી યુક્તિપૂર્વક બતાવેલ છે અને તે આહારસંજ્ઞા જ પ્રકર્ષને પામીને તૃષ્ણા કેવી રીતે થાય છે અને આર્તધ્યાનનું કારણ કેવી રીતે બને છે તે વાત ગાથા - ૮૧માં બતાવેલ છે.
આહારસંજ્ઞા વગર પણ સાધુની આહારમાં પ્રવૃત્તિ કઇ રીતે થઇ શકે છે અને ચારે સંજ્ઞાઓથી સંયમજીવનમાં નિયમા અતિચાર કઇ રીતે લાગે છે તે વાત ગાથા - ૮૨માં યુક્તિથી બતાવેલ છે. જેમ મૈથુનસંજ્ઞાથી જ મૈથુનની પ્રવૃત્તિ થાય તેમ આહા૨સંજ્ઞાથી જ આહારમાં પ્રવૃત્તિ થાય એ પ્રકારની દિગંબરની યુક્તિનું ગાથા - ૮૩-૮૪માં નિરાકરણ કરેલ છે, જેનાથી આહારસંજ્ઞા અને આહારપ્રવૃત્તિ વચ્ચેના ભેદનું યથાર્થ જ્ઞાન વિચારકને થઇ શકે છે.
આહા૨સંજ્ઞા કઇ રીતે આર્તધ્યાનનું કારણ બને છે તે વાત ગાથા - ૮૫માં યુક્તિથી બતાવેલ છે. આર્તધ્યાનથી જીવને કેવા પરિણામો થાય છે તે ગાથા - ૮૬માં બતાવેલ છે.
મોહના ક્ષયને કારણે કેવલીને વેદનીયકર્મના ઉદયથી ઉત્પન્ન થયેલું ક્ષુધાદિ દુઃખ હોઇ શકે નહિ એ પ્રકારની દિગંબરની યુક્તિનું ગાથા - ૮૭માં નિરાકરણ કરેલ છે.
વેદનીયકર્મ મોહસાપેક્ષ પોતાનું ફળ આપે છે અને તેથી જ અઘાતી એવી પણ વેદનીય પ્રકૃતિ ઘાતીતુલ્ય છે એ પ્રકારની દિગંબરની યુક્તિઓનું અનેક પ્રકારે સમાલોચન કરીને નિરાકરણ કરેલ છે. અને આ પ્રકારની ચર્ચામાં ખરેખર અઘાતી પ્રકૃતિઓ પણ ઘાતીકર્મ સાથે વિપાકને પામીને ઘાતીસમાન કાર્ય કરે છે અને કેવલીને તે અધાતી પ્રકૃતિઓ ઘાતીનું કાર્ય કઇ રીતે કરતી નથી તે વાતની વિશેષ વિચારણા ગાથા - ૮૮માં બતાવેલ છે.
એ
સુખ એ અનુકૂળ વેદનીય છે અને દુઃખ એ પ્રતિકૂળ વેદનીય છે, તેથી રાગદ્વેષ વગર સુખદુઃખનું વેદન થઇ શકે નહિ આ પ્રકારની યુક્તિથી કેવલીમાં ક્ષુધાના અભાવની સ્થાપક દિગંબરની વિચારણાનું સમાલોચન કરીને ગાથા - ૮૯માં નિરાકરણ કરેલ છે.
અધ્રુવ એવા સુખદુઃખના આપાદક કર્મોનો ભોગથી જ ક્ષય થાય છે અને તેનો ભોગ કરવાથી કર્મબંધ થાય છે, માટે કેવલીને અધ્રુવ એવા સુખદુઃખ હોઇ શકે નહિ; એ પ્રકારની દિગંબરની યુક્તિનું નિરાકરણ ગાથા – ૯૦માં કરેલ છે.
આત્માના અજ્ઞાનને કારણે થયેલું દુઃખ આત્માના જ્ઞાનથી જ નાશ થાય છે, આવા પ્રકારના વચનને ગ્રહણ કરીને કેવલીને આત્મસાક્ષાત્કાર હોવાથી ક્ષુધા-તૃષાનું દુ:ખ સંભવે નહિ; એ પ્રકારની પ્રવચનસારની યુક્તિનું ગાથા - ૯૧માં નિરાકરણ કરેલ છે.