________________
૩
અધ્યાત્મમતપરીક્ષા ગાથા ૭૨ થી ૧૨૩માં આવતા પદાર્થોનું સંક્ષિપ્ત સંકલન
‘અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન-પ્રથમ ભાગ'માં આધ્યાત્મિકમતનું ખંડન કર્યું, ત્યાં આધ્યાત્મિકોએ જે બાહ્ય પ્રવૃત્તિમાત્રને મોક્ષના અકારણરૂપે સ્થાપેલ અને કેવલ આત્મામાં પ્રવૃત્તિને અધ્યાત્મરૂપે સ્થાપન કરેલ, તે સર્વનું યુક્તિથી નિરાકરણ કરીને, આત્મામાં જવા માટે બાહ્ય ક્રિયા કઇ રીતે અત્યંત ઉપયોગી છે તેનું ગ્રંથકારે સ્થાપન કર્યું. આ સાંભળીને જ્યારે આધ્યાત્મિકો તેનો ઉત્તર આપી શક્યા નહિ ત્યારે શ્વેતાંબરને પ્રશ્ન કરે છે કે તમે કેવલીને કવલભોજી સ્વીકારો છો, તો તે રીતે કેવલી કૃતકૃત્ય છે તે સિદ્ધ થઇ શકશે નહિ. તેથી હવે કેવલીને કવલાહાર કઇ રીતે સંગત છે તેની વિચારણા ગાથા ૭૨ થી ૧૨૩ સુધીમાં કરેલ છે.
ગાથા - ૭૨માં દિગંબરમતના ગ્રંથમાં કહેલ ૧૮ દોષો બતાવ્યા, જેમાં અઢાર દોષ અંતર્ગત ક્ષુધા, તૃષા વગેરેને પણ દોષરૂપ બતાવેલ છે. અને તે અઢાર દોષોથી રહિત કેવલી હોય છે તેમ દિગંબરો કહે છે. તેથી તેમના મતે કેવલીને કવલાહાર સ્વીકારીએ તો અઢાર દોષોથી રહિત ભગવાન છે તેમ સ્વીકારી શકાય નહિ. તેનું યુક્તિથી નિરાકરણ ગ્રંથકારે ગાથા - ૭૩-૭૪માં કરીને સ્થાપન કર્યું કે ચાર ઘાતીકર્મોના ક્ષયથી કેવલીને અઢાર દોષોથી રહિત અવસ્થા પ્રાપ્ત થાય છે, પરંતુ ક્ષુધાવેદનીય અને તૃષાવેદનીયના ઉદયથી થતા ક્ષુધા-તૃષા આદિને દોષરૂપે સ્વીકારી શકાય નહિ. વળી તટસ્થતાથી વિચારીએ તો દિગંબર પણ ચાર ઘાતીકર્મોના ક્ષયથી જ ભગવાન વીતરાગ થાય છે તેમ માનુઁ છે. આમ છતાં, જે પ્રકારે અઢાર દોષો તે બતાવે છે તે દોષોનો વિચાર કરીએ તો ઘાતીકર્મમાત્ર સાથે સંકળાયેલા તે દોષો નથી, પરંતુ સ્વકલ્પનાથી ઊભા કરાયેલા ક્ષુધા-તૃષા-મૃત્યુ આદિ દોષો છે તેવું વિચારકને જણાય તેમ છે. જ્યારે તટસ્થતાથી કોઇ વિચારક હોય તો, શ્વેતાંબરની પ્રક્રિયામાં બતાવેલા અઢારે દોષોનો નાશ ચાર ધાતીકર્મના ક્ષયથી કઇ રીતે થાય છે તે સુંદર યુક્તિથી ગ્રંથકારે બતાવેલ છે, તે સમજી શકે છે.
ત્યાર પછી દિગંબર ભગવાનને ક્ષાયિક સુખ સ્વીકારે છે તેથી ક્ષુધા-તૃષારૂપ દુઃખ ભગવાનને સંભવે નહિ તેમ કહે છે. આથી જ ક્ષુધા-તૃષાને પારિભાષિક દોષરૂપે તે માને છે. તેનું પણ ગ્રંથકારશ્રીએ શાસ્રવચનથી ગાથા - ૭૫માં ઉદ્ભાવન કરીને ગાથા - ૭૬માં નિરાકરણ કરેલ છે. ત્યાં દિગંબર યુક્તિ આપે છે કે કેવલીને અઘાતી · પ્રકૃતિનો પણ દગ્ધરજ્જુ જેવો જ વિપાકોદય હોય છે, તેથી વેદનીયકર્મથી કેવલીને ક્ષુધા-તૃષા લાગી શકે નહિ. તેનું નિરાકરણ શાસ્રવચનોથી અને કર્મની પ્રક્રિયાથી અનેક યુક્તિઓ દ્વારા ગ્રંથકારે કર્યું છે, જેનું વર્ણન કર્મના ઉદયની પ્રક્રિયાનો પણ અને કર્મના ઉદયનો પણ વિશેષ બોધ થાય તે રીતે કરેલ છે.
અહીં કોઇને પ્રશ્ન થાય કે વાત આધ્યાત્મિકોની ચાલતી હતી ત્યાં દિગંબરમતનો પ્રવેશ કેમ થયો? તેથી ગ્રંથકારે સ્વયં ગાથા - ૭૮માં બતાવ્યું કે આધ્યાત્મિકો સ્વરસથી દિગંબરશાસ્ત્રને જ પ્રમાણ માને છે અને શ્વેતાંબરશાસ્ત્રો પોતાના વિચાર સાથે સંગત થાય તેટલાં જ સ્વીકારે છે. તેથી જ ગ્રંથકાર આધ્યાત્મિકોને માન્ય અને દિગંબરોને પણ માન્ય એવા તત્ત્વાર્થસૂત્રના “વિજ્ઞપ્તિને” (અ. ૯, સૂ. ૧૧) એ સૂત્રને ગ્રહણ કરીને કેવલીને ક્ષુધા-તૃષા હોઇ શકે છે તે વાત યુક્તિથી બતાવે છે. અને એ પ્રસંગમાં તત્ત્વાર્થસૂત્રના “શનિને” એ સૂત્રને સ્વમાન્યતા સાથે વિરોધ ન આવે તે રીતે સંગતિ કરવા માટે, દિગંબરોએ અત્યાર સુધી જુદા જુદા ગ્રંથોમાં અનેક રીતે સમાધાન કરવા પ્રયત્ન કર્યો છે તે સર્વેનો સંગ્રહ કરીને કઇ રીતે તે સમાધાનો યુક્તિથી રહિત છે, તેનું વ્યાકરણની મર્યાદાથી અને સૂત્રના ક્રમની મર્યાદાથી ખંડન કરેલ છે. તેથી કોઇ વિદ્વાન હોય અને તટસ્થતાથી તેનો વિચાર કરે તો, દિગંબરની આ માન્યતાથી જ તે મત જો તત્ત્વાર્થસૂત્રને માનતો હોય તો સર્વજ્ઞના વચનાનુસાર નથી તેવો પણ નિર્ણય કરી શકે,