________________
૨
ભાગ - ૧માં જણાવ્યા મુજબ ભાવાર્થમાં ટીકાના અર્થની પુનરુક્તિ ઘણી જગ્યાએ થયેલ છે પણ સંસ્કૃતના અનભિજ્ઞ માટે ગ્રંથના પદાર્થનો બોધ થાય અને ભાવાર્થ ત્રુટિત ન બને એથી થયેલ પુનરુક્તિ દોષરૂપ નહિ ગણાય.
પાઠશુદ્ધિ માટે હસ્તલિખિત પ્રતિઓમાંથી જ્યાં અમને શુદ્ધ પાઠ મળેલ છે તે પાઠ અમે મૂળમાં લીધેલ છે અને જ્યાં અર્થ સાથે સંગત જણાતો શુદ્ધ પાઠ હસ્તપ્રતિમાં મળેલ નથી ત્યાં કૌંસમાં એ પાઠ મૂકેલ છે. ઘણી જગ્યાએ નિશાની આપી વિવેચનમાં જણાવેલ છે કે અહીં આવો પાઠ ઉચિત ભાસે છે.
આ ગ્રંથના પ્રૂફ વાચનના કાર્યમાં સાધ્વીજી શ્રી હિતરુચિતાશ્રીજી મ.સા. તથા સુશ્રાવક શ્રી શાંતિલાલ શિવલાલ શાહે પોતાના કીમતી સમયનો ભોગ આપી સહકાર આપેલ છે તે બદલ તેમને વિસરી શકાય તેમ નથી.
છદ્મસ્થતા વશ આવા બૃહત્કાય ગ્રંથના વિવરણમાં કે સંકલન-સંપાદનકાર્યમાં અનેક ત્રુટિઓ રહેવાની સંભાવના છે. સર્વજ્ઞકથિત પદાર્થોનું ક્યાંય અવમૂલ્યન ન થઇ જાય તે માટે પૂરેપૂરો પ્રયત્ન કરેલ છે, છતાં જિનાજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ ક્યાંય પણ પદાર્થ નિરૂપણ થયેલ હોય તો તે માટે મિચ્છા મિ દુક્કડં માંગું છું.
પ્રાન્તે એક જ અંતરની મહેચ્છા છે કે દેવ-ગુરુની કૃપાથી સ્વઆત્મપરિણતિની નિર્મળતા માટે કરાયેલો આ પ્રયાસ સર્વને લાભનું કારણ બને અને મને પોતાને સૂક્ષ્મ બોધ થવાપૂર્વક ભાવપૂર્વકની ક્રિયાની પરિણતિ પ્રાપ્ત થાય, અને નિર્મળ પરિણતિ દ્વારા સંપૂર્ણ કર્મક્ષય કરી નિકટના ભવોમાં મુક્તિ સુખની ભાગી બની શકું, એ જ શુભ આશયથી કરેલો આ નાનકડો પ્રયાસ સફળતાને પામો એ જ શુભ ભાવના.
વિ.સં. ૨૦૫૦, ચૈત્ર સુદ - ૧૩,
શુક્રવાર, તા. ૬-૪-૨૦૦૧. એફ- ૨, જેઠાભાઇ પાર્ક, નારાયણનગર, પાલડી, અમદાવાદ - ૭.
પરમ પૂજ્ય પ૨મા૨ાધ્યપાદ વ્યાખ્યાનવાચસ્પતિ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પ.પૂ. ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજાના આજ્ઞાવર્તી તથા પં.પૂ. પ્રવર્તિની સાધ્વીશ્રી રોહિતાશ્રીજી મ.સા.ના શિષ્યરત્ના સાધ્વીશ્રી ચંદનબાલાશ્રીજી.