________________
સંકલન-સંપાદનની વેળાએ પ્રાસ્તાવિક
અધ્યાત્મમતપરીક્ષા' શબ્દશઃ વિવેચન ભાગ - ૧ પ્રકાશિત થયા પછી ટૂંક સમયમાં જ ભાગ - ૨ પ્રકાશિત થઈ રહેલ છે જે આનંદનો વિષય છે.
પ્રસ્તુત ભાગ - ૨માં કેવળી ભગવંતોને કવલાહાર હોય કે નહિ તેની વિશદ ચર્ચા કરેલ છે. આધ્યાત્મિક અને દિગંબરોની માન્યતા એવી છે કે જો તે કેવલી ભગવાન અઢાર દોષ વિનાના કૃતકૃત્ય હોય તો તેઓને સુધા-તૃષા ન હોવાથી કવલાહાર શી રીતે હોઈ શકે? તેથી ન્યાયાચાર્ય-ન્યાયવિશારદ પૂજય ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજાએ અનેક આગમપાઠો અને સુયુક્તિઓપૂર્વક આધ્યાત્મિક અને દિગંબરની એ માન્યતાનું નિરાકરણ કરીને સિદ્ધ કર્યું છે કે કેવલી ભગવંતોને કવલાહાર હોઈ શકે છે. તેમાંની પૂર્વપક્ષીની કેટલીક યુક્તિઓ આ પ્રમાણે -
(૧) સુધા છઘસ્થમાં રહેલ અઢાર દોષમાંનો એક દોષો છે. (૨) અનંત વીર્યવાળા કેવળીને બનહાનિનો સંભવ ન હોવાથી કવલાહાર નિરર્થક છે. (૩) ભોજનક્રિયાથી પ્રમાદનો સંભવ છે. (૪) આહાર નિદ્રાદિનો જનક હોવાથી દોષરૂપ છે. (૫) આહાર કરવામાં રાગ થવાનો સંભવ રહે છે. (૬) મલ-ઉત્સર્ગાદિની જુગુપ્સનીય પ્રવૃત્તિ કેવળીને સંભવતી ન હોવાથી કવલાહાર હોતો નથી.
આનું નિરાકરણ શ્રીમદ્ ઉપાધ્યાયજી મહારાજે આગમ અને યુક્તિપુરસ્સર કર્યું છે કે, (૧) ક્ષુધા-જરા આદિ દોષરૂપ ન હોવાથી અઢાર દોષમાં તેની ગણતરી થતી નથી.(૨) કેવળીને અનંત વીર્ય હોવા છતાં શારીરિક બળહાનિ સંભવિત છે. (૩) આહારથી પ્રમાદ થાય તેવો નિયમ નથી. (૪) આહારની અતિમાત્રા કે સ્નિગ્ધતા આદિ નિદ્રાદિજનક હોઈ દોષરૂપ
છે, આહારમાત્ર દોષરૂપ નથી. (૫) હિત-મિત આહાર કરવામાં રાગ અનાવશ્યક છે. (૬) કેવલીકૃત મલ-ઉત્સર્ગાદિ : જુગુપ્સાજનક બનતા નથી.
આ રીતે આધ્યાત્મિક અને દિગંબર દ્વારા કેવલી ભગવંત કવલાહાર કરતા નથી એ સિદ્ધ કરવા અપાયેલ અનેક કુયુક્તિઓનું નિરાકરણ શ્રીમદ્ ઉપાધ્યાયજી મહારાજાએ અનેક સુયુક્તિઓ અને આગમપાઠો પુરસ્સર ગાથા - ૭૩ થી ૧૨૩માં કરેલ છે. આ ગ્રંથ વિવેચન પૂર્વમાં ગાથા - ૭૨થી ૧૨૩માં આવતા પદાર્થોની સંક્ષિપ્ત સંકલના તૈયાર કરેલ છે તથા ગાથા - ૭૨ થી ૧૨૩માં આવતા પદાર્થોની વિસ્તૃત અનુક્રમણિકા તૈયાર કરેલ છે. તે વાંચતાં વાચકવર્ગને સ્વયં જ ખ્યાલ આવશે કે પૂર્વપક્ષીની આ અંગે શું માન્યતા છે અને ગ્રંથકારશ્રીએ તેનું નિરાકરણ કઇ રીતે કરેલ છે અને સાથે સાથે કેટલાય અપૂર્વ પદાર્થોનું સુંદર નિરૂપણ કરેલ છે. આ વાંચતાં જિનશાસન પ્રત્યે અને આવા કીમતી નજરાણા જેવા ગ્રંથની રચના કરનારા
એ મહાપુરુષ પ્રત્યે ઓવારી ગયા વિના રહેવાતું નથી. 0 ગ્રંથની ગહનતા, મહાનતા, વિશાળતા તો તત્ત્વજિજ્ઞાસુ - અધ્યાત્મજિજ્ઞાસુ વર્ગ આ ગ્રંથ ચિંતન-મનનનિદિધ્યાસનપૂર્વક વાંચશે ત્યારે જ ખ્યાલ આવશે. ૧૮૪ ગાથારૂપ આ અધ્યાત્મમત પરીક્ષા ગ્રંથરત્નમાં આધ્યાત્મિકમત અને દિગંબરમતની અનેક માન્યતાઓનું નિરસન કરવાપૂર્વક પારમાર્થિક અધ્યાત્મ શું છે, એ ગ્રંથકારશ્રીએ સમજાવેલ છે.
પંડિતવર્યશ્રી પાસે આ ગ્રંથવાંચનનો સુયોગ સાંપડ્યો ત્યારે આ સંકલના મેં તો નોટરૂપે તૈયાર કરેલ. પણ ભા ૧ની પ્રસ્તાવનામાં જણાવ્યા મુજબ સહાધ્યાયી તથા અનેક બીજા તત્ત્વજિજ્ઞાસુ વર્ગની એક જ ભાવના હતી કે આ ગ્રંથની વ્યવસ્થિત સંકલના તૈયાર થાય અને પ્રકાશિત થાય તો અનેક તત્ત્વજિજ્ઞાસુ વર્ગને ગ્રંથના પદાર્થોનો સારી રીતે બોધ કરવામાં ઉપયોગી થઈ શકે. આ પ્રવૃત્તિ પાછળનો મારો એક જ શુભાશય છે કે ગ્રંથના અધ્યયનથી મારી નાદુરસ્ત તબિયતમાં પ્રસન્નતા જળવાઇ રહે અને અશાતાવેદનીયકર્મના ઉદયમાં શરીરવિષયક આર્તધ્યાનથી બચી શકાય અને ધર્મધ્યાનમાં મન સ્થિર રહે, અને સ્વાધ્યાયલક્ષી આ પ્રવૃત્તિથી કર્મની નિર્જરા અને કર્મક્ષય થાય.
પંડિતવર્યશ્રીએ પાઠવાચન સમયે ગ્રંથના પદાર્થો જ્યાં સુધી અધ્યયન કરનારા અમને સૌને ન સમજાતા ત્યાં સુધી - પુનઃ પુનઃ સમજાવવા પ્રયત્ન કરેલ છે અને ભાવાર્થમાં સરળતાથી સમજાય એ પ્રમાણે પદાર્થો ખોલવા પ્રયત્ન કરેલ છે.