________________
અધ્યાત્મમતપરીક્ષા
૩૮૭
ઉપચાર-અનુપચાર દ્વારા સ્વામિત્વની ચિંતા અનુચિત છે, એ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો, મોહસત્ત્વમાત્રથી ઉપશાંતમોહ વીતરાગમાં પણ બાવીસ પરીષહના અભિધાનનો પ્રસંગ આવે એમ કહ્યું; તેનું તાત્પર્ય એ છે કે, કેવલીમાં વેદનીયકર્મરૂપ કારણ હોવાના કારણે અગિયાર પરીષહો નહિ હોવા છતાં ઉપચારથી સ્વીકાર્યા, તે રીતે અગિયારમા ગુણસ્થાનકવર્તી ઉપશાંતમોહ વીતરાગમાં પણ મોહની સત્તારૂપ કારણ હોવાના કારણે બાવીસ પરીષહને કહેનાર સૂત્ર પણ તત્ત્વાર્થમાં હોવું જોઇએ, એ પ્રમાણે બાવીસ પરીષહના અભિધાનનો પ્રસંગ પ્રાપ્ત થાય. ઉપશાંતમોહ વીતરાગમાં બાવીસ પરીષહના સ્વીકારની જે આપત્તિ છે તેના નિવારણ અર્થે, પૂર્વપક્ષીએ કહ્યું કે, અસાધારણ કારણ જ ઉપચારનું કારણ છે; તેનું તાત્પર્ય એ છે કે, ક્ષુધા-તૃષા આદિ પ્રત્યે અસાધારણ કારણ વેદનીયકર્મ છે અને નિમિત્ત કારણ તરીકે મોહનીયકર્મનો ઉદય છે એમ તે માને છે, અને કેવલીને અસાધારણ કારણરૂપ વેદનીયકર્મ વિદ્યમાન છે તેથી ઉપચાર કરીને અગિયાર પરીષહો કહેલ છે, પરંતુ નિમિત્તકારણરૂપ મોહનીયકર્મ નથી તેથી વાસ્તવિક કેવલીને તે પરીષહો વિદ્યમાન નથી, ફક્ત ઉપચાર કરીને જ તત્ત્વાર્થસૂત્રમાં અગિયાર પરીષહ કહેલ છે; જ્યારે ઉપશાંતમોહ વીતરાગમાં બાવીસ પરીષહો કહેવા હોય તો સ્રીપરીષહાદિના કારણભૂત મોહનો ઉદય હોવો જરૂરી છે, કેમ કે તે પરીષહો પ્રત્યે અસાધારણ કારણ મોહનીય છે; અને ઉપશાંત વીતરાગને સ્રીપરીષહાદિમાં અસાધારણ કારણરૂપ મોહનો ઉદય નથી, તેથી તત્ત્વાર્થસૂત્રમાં ઉપશાંત વીતરાગને ઉપચારથી પણ બાવીસ પરીષહો કહ્યા નથી, આ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારે અસાધારણ કારણના સત્ત્વનું વસ્તુરૂપે સત્કાર્યની સાથે વ્યાસપણું છે એમ જે કહ્યું, તેનું તાત્પર્ય એ છે કે, જ્યાં જ્યાં અસાધારણ કારણ હોય ત્યાં ત્યાં વસ્તુરૂપે વિદ્યમાન એવું કાર્ય હોવું જોઇએ, તેથી જો કેવલીમાં વેદનીયકર્મરૂપ અસાધારણ કારણ છે તો અગિયાર પરીષહ પણ અવશ્ય પ્રાપ્ત થવા જોઇએ.
ગાથા - ૭૮
‘અન્યા’
અહીં વિશેષ એ છે કે જે વ્યક્તિમાં વેદનીયકર્મનો ઉદય હોય ત્યાં અગિયાર પરીષહો અવશ્ય હોય જ, તેવી વ્યાપ્તિ નથી; પરંતુ વેદનીયકર્મના ઉદયવાળાને અગિયાર પરીષહોની પ્રાપ્તિ થઇ શકે તેવી સંભાવના છે, તેથી કેવલીમાં પરીષહોની પ્રાપ્તિ જ નથી તેમ કહી શકાય નહિ. તેથી કેવલીને ક્ષુધા-તૃષા છે એ વાત તત્ત્વાર્થના ૯/૧૧ સૂત્રથી સિદ્ધ થાય છે.
251 :- येऽपि वदन्ति जिनानां मन्दतमवेदनीयजन्यपरिणामेषु क्षुत्त्वपरीषहत्वाद्युपचर्योक्तसूत्रं व्याख्येयमिति तेऽपि भ्रान्ता एव, संबन्धविशेषेण परीषहत्वविशिष्टवाचकपरीषहशब्दानुषङ्गात् संबन्धान्तरेण तद्विशिष्टोपस्थित्यसंभवात्, अन्यथा कर्मान्तरजन्याकुलतायामपि तदुपचारप्रसङ्गात्।
ટીકાર્ય :- ‘વેપિ’-વળી જિનોને મંદતમ વેદનીયજન્ય પરિણામોમાં ક્ષુત્ત્વપરીષહત્વાદિનો ઉપચાર કરીને વ્યાખ્યા કરવી જોઇએ એ પ્રમાણે જેઓ કહે છે, તેઓ પણ ભ્રાંત જ છે. તેમાં હેતુ કહે છે
‘સંબન્ધ’-સંબંધવિશેષથી પરીષહત્વવિશિષ્ટનો વાચક પરીષહશબ્દનો સૂત્રમાં અનુષંગ હોવાથી=અનુવૃત્તિ હોવાથી, સંબંધાંતરથી તદ્ધિશિષ્ટની=પરીષહત્વવિશિષ્ટની, ઉપસ્થિતિનો અસંભવ છે.
અન્યથા'-અન્યથા=સંબંધાંતરથી પરીષહત્વવિશિષ્ટની ઉપસ્થિતિ થઇ શકે એવુ માનો તો, કર્માંતરજન્ય આકુલતામાં પણ તદુપચારનો પ્રસંગ છે.