________________
પ્રથમ પ્રકાશ - સખ્યત્વે
૮૫
સુધર્મ રાજાનું કથાનક પાંચાલ દેશમાં વરશક્તિ નામનું નગર છે. તેમાં કરુણાથી કોમળ હૃદયવાળો, શ્રેષ્ઠ ધાર્મિક, જિનશાસન મતાનુસારી સુધર્મા નામનો રાજા રાજ્ય કરે છે. તેને નાસ્તિક મતનો અનુયાયી જયદેવ નામનો મંત્રી છે. એક વખત બીજા ગામથી આવેલા કોઈ ચરપુરુષે રાજસભામાં બેઠેલા રાજાની આગળ વિનંતી કરીઃ હે સ્વામી ! મહાબળ નામનો સીમાડાનો રાજા હમણાં ગામનો ઘાત કરવો, સાર્થને મારવા વગેરે રીતે લોકોને અત્યંત પીડે છે. મહાદુષ્ટ તે આપના વિના બીજા કોઈ પણથી સાધી શકાય તેમ નથી. તે સાંભળીને રાજાએ મંત્રી સામે જોયું. ત્યારે મંત્રીએ કહ્યું કે સ્વામી ! આ બિચારો જ્યાં સુધી આપે આક્રમણ કર્યું નથી ત્યાં સુધી જ ગર્જના કરે છે. કહ્યું છે કે -
तावद्गर्जन्ति मातङ्गा, वने मदभरालसाः ।
शिरोऽवलग्नलांगूलो, यावन्नायाति केसरी ॥१॥ અર્થ- મદથી ભરાયેલા આળસુ હાથીઓ જ્યાં સુધી જેના મસ્તકે પૂછડું લાગેલું છે એવો કેસરી સિંહ આવ્યો નથી ત્યાં સુધી જ ગર્જના કરે છે. | ઇત્યાદિ મંત્રીનાં વચનો સાંભળીને રાજાએ વિચાર્યું. જે પોતાના દેશ માટે કાંટા સમાન હોય તેનું અવશ્ય નિરાકરણ કરવું જોઈએ. જો તેનું નિરાકરણ કરવામાં ન આવે તો રાજાને નીતિભંગનો પ્રસંગ આવે. નીતિશાસ્ત્રમાં સંભળાય છે કે- દુષ્ટનો નિગ્રહ અને શિષ્ટનું પાલન એ રાજાનો ધર્મ છે. ઈત્યાદિ. તેથી હવે પછી આ કાર્યમાં વિલંબ ન કરવો જોઈએ. આ પ્રમાણે વિચારીને રાજાએ તરત પોતાના સૈન્યને ભેગું કરીને પોતાના શત્રુ મહાબલ ઉપર ચઢાઈ કરી. ક્રમે કરીને તેના દેશમાં જઈને સંગ્રામથી તેને જીતીને તેનું સર્વસ્વ ગ્રહણ કરીને મહા આનંદથી પોતાના નગરની નજીકમાં આવ્યો. ત્યાર પછી પ્રવેશ સમયે મહાજન વડે મહોત્સવ કરાયો. બહુ સૈન્યથી પરિવરેલો રાજા જેટલામાં નગરના મુખ્ય દરવાજા પાસે આવ્યો તેટલામાં તે નગરનો દરવાજો પડી ગયો. તેથી અપશુકન થયું એમ જાણીને રાજા પાછો ફરીને નગરની બહાર રહ્યો. ત્યાર પછી મંત્રીએ તત્કાળ તે સ્થાને જ નગરનો નવો દરવાજો તૈયાર કરાવી દીધો.
હવે બીજા દિવસે રાજા નગરમાં પ્રવેશ કરે છે તે સમયે તે નગરનો દરવાજો પણ તે જ પ્રમાણે પડી ગયો. આ પ્રમાણે ત્રીજા દિવસે પણ થયું. ત્યાર પછી બહાર રહેલા જ રાજાએ મંત્રીને પૂછયું: હે જયદેવ ! આ નગરનો દરવાજો કેમ ફરી-ફરી પડે છે? હવે કયા ઉપાયથી સ્થિર થશે ? ત્યારે મંત્રીએ જલદી કોઈક નિમિત્તના જાણકાર પુરુષને પૂછીને રાજાને કહ્યું: હે મહારાજ ! મેં નૈમિત્તિકને પૂછયું તો તેણે આ પ્રમાણે કહ્યું: આ નગરની અધિષ્ઠાયિકા કોઈક દેવી કુપિત થઈ છે. તે દરરોજ નગરના દરવાજાને પાડે છે. જો રાજા અથવા માતા-પિતા પોતાના હાથે એક મનુષ્યને મારી તેના લોહીથી નગરનો દરવાજો સીંચે ત્યારે તે સ્થિર થશે. પણ પૂજા, બલિ, નૈવેદ્ય વગેરે અન્ય ઉપાયોથી સ્થિર નહીં થાય. આ વચનને સાંભળીને રાજાએ કહ્યું: જો આવા પ્રકારના જીવવધથી આ નગરનો દરવાજો સ્થિર થતો હોય તો મારે આ નગરના દરવાજાનું અને આ નગરનું કંઈ પણ પ્રયોજન નથી. કહ્યું છે કે