________________
પ્રથમ પ્રકાશ - સમ્યકત્વ
૪૫
एकैकस्मिन् पदे दत्ते, शत्रुञ्जयगिरि प्रति ।
भवकोटिसहस्रेभ्यः, पातकेभ्यो विमुच्यते ॥ २॥ અર્થ- શ્રી શત્રુંજય ગિરિ તરફ એકેકું પગલું ભરે તે હજાર ક્રોડ (= દશ અબજ) ભવના પાતકથી મૂકાય છે.
छद्रेणं भत्तेणं, अपाणएणं च सत्त जत्ताओ ।
जो कुणई सेत्तुंजे, सो तइयभवे लहइ सिद्धिं ॥ ३॥ અર્થ- પાણી વિનાના છઠ્ઠથી જે શત્રુંજયની સાત જાત્રા કરે છે તે ત્રીજા ભવમાં સિદ્ધિને પામે છે.
તેથી જે જીવો દુર્લભ એવા મનુષ્ય ભવને પામીને શ્રી સિદ્ધાચલની યાત્રા કરે છે તે પોતાના જન્મને સફળ કરે છે અને જે તેવા પ્રકારની સામગ્રીના અભાવથી સ્વયં જાત્રા કરવા માટે અસમર્થ હોવા છતાં પણ યાત્રા કરનારા બીજાઓની અનુમોદના કરે છે. જેમ કે- “જે જીવો શ્રી સિદ્ધાચલને પોતાની દૃષ્ટિથી જુએ છે, પોતાના શરીરથી સ્પર્શે છે. ત્યાં પોતાના હાથથી શ્રી ઋષભદેવ વગેરે જિનોની પૂજા કરે છે....” તે જીવો ધન્ય છે. વળી બીજાઓને યાત્રા સંબંધી ઉપદેશ આપે છે. જેમકે
वपुः पवित्रीकुरु तीर्थयात्रया, चित्तं पवित्रीकुरु धर्मवाञ्छया ।
वित्तं पवित्रीकुरु पात्रदानतः, कुलं पवित्रीकुरु सच्चरित्रतः ॥१॥ અર્થ- “તીર્થ યાત્રાથી શરીરને પવિત્ર કર, ધર્મવાંછાથી ચિત્તને પવિત્ર કર, સુપાત્રદાનથી ધનને પવિત્ર કર, સદાચારથી કુલને પવિત્ર કર.....” - તથા મુક્તિ મંદિરમાં ચઢતા એવા જીવોને સુખેથી ચઢવા માટે શ્રેષ્ઠ સોપાનની જેમ શોભતા શ્રી વિમલાચલ તીર્થરાજને ક્યારે હું પોતાના નેત્રયુગલથી જોઈશ અને ક્યારે પોતાના શરીરથી તેનો સ્પર્શ કરીશ. તે તીર્થના દર્શન આદિ વિના મારો આ જન્મ નકામો જ જાય છે. ઇત્યાદિ ભાવનાને જે પોતાના ચિત્તમાં ભાવે છે તે જીવો પોતાના સ્થાનમાં રહેલા હોવા છતાં તીર્થયાત્રાના ફળને પામે છે. જે જીવો સામગ્રી હોવા છતાં પણ તીર્થયાત્રા કરતાં નથી તે અજ્ઞાની જીવો દીર્ઘ સંસારી જાણવા. તથા શ્રી શત્રુંજય ઉપર કરેલું થોડું પણ પુણ્ય મહાફળને આપનારું થાય છે. કહ્યું છે કે
न वि तं सुवनभूमी-भूसणदानेन अन्नतित्थेसु ।
जं पावइ पुण्णफलं, पूयाण्हवणेण सित्तुंजे ॥१॥ અર્થ- જે પુણ્ય શ્રી શત્રુંજય ઉપર પૂજા અને સ્નાનથી પ્રાપ્ત થાય છે તે બીજા તીર્થમાં સુવર્ણ, ભૂમિ અને ભૂષણના દાનથી પણ પ્રાપ્ત થઈ શકતું નથી.
વળી- તીર્થયાત્રા કરનારા જીવોએ યાત્રા સમયે “છ” રીકારવાળા થવું જોઈએ. જેથી તીર્થયાત્રાનો પ્રયાસ વિશિષ્ટતર ઈચ્છિત ફળને આપનારો થાય. જે શબ્દના અંતે “રી' આવે તેને રીકાર કહેવાય.