________________
૨૨
આત્મપ્રબોધ
(૧) નિત્ય ચૈત્ય- નિત્ય એટલે શાશ્વત, અને તે દેવલોક વગેરેમાં જાણવાં.
(૨-૩) ભક્તિ ચૈત્ય- ભરત આદિએ કરાવેલાં ચૈત્યો તે ભક્તિ ચૈત્યો. તે બે પ્રકારે છે. નિશ્રાકૃત અને અનિશ્રાકૃત.
(૪) મંગલ ચૈત્ય- મંગલ માટે કરાયેલું ચૈત્ય તે મંગલ ચૈત્ય, અને તે મથુરા વગેરેમાં બારસાખમાં સ્થાપન કરાયેલું હોય છે.
(૫) સાધર્મિક ચૈત્ય- વારત્તક મુનિના પુત્રે રમ્ય એવા દેવમંદિરમાં પોતાના પિતાની મૂર્તિ કરાવી તે સાધર્મિક ચૈત્ય. આનો ભાવાર્થ કથાનકથી જાણવો. તે કથાનક આ પ્રમાણે છેસાધર્મિક ચૈત્ય ઉપર વારત્તક મુનિની કથા
વારત્તક નામનું નગર હતું. અભયસેન નામનો રાજા હતો. અને તેને સુબુદ્ધિનો ભંડાર એવો વારત્તક નામનો મંત્રી હતો. એક વખત બહારગામથી આવેલા કોઈક મહેમાનની સાથે વાતો કરતો તે મંત્રી પોતાના વરંડાની દિવાલ ઉપર બેઠેલો હતો. તે વખતે ધર્મઘોષ નામના મહામુનિ ભિક્ષા ગ્રહણ કરવા માટે તેના ઘરે પ્રવેશ્યા. તેને ભિક્ષા આપવા માટે તેની પત્નીએ ઘી અને ખાંડથી મિશ્રિત દૂધનું પાત્ર ઉપાડ્યું, એટલામાં કોઈ પણ રીતે તે પાત્રમાંથી ખાંડથી મિશ્રિત ઘીનું બિંદુ ભૂમિ ઉપર પડ્યું. તેથી તેને જોઈને તે ધર્મઘોષ મુનિ મહાત્માએ ભગવાને ઉપદેશ કરેલ ભિક્ષાગ્રહણ કરવાની વિધિમાં ઉપયોગ મૂક્યો. છર્દિત દોષથી દુષ્ટ આ ભિક્ષા છે તેથી મને ન કલ્પ એ પ્રમાણે મનમાં વિચારીને ભિક્ષા લીધા વિના જ ઘરમાંથી નીકળી ગયા. વરંડાની દિવાલ ઉપર રહેલા વારત્તક મંત્રીએ નીકળતા એવા મહામુનિને જોયા. તેણે મનમાં વિચાર્યું કે આ મહામુનિએ મારા ઘરની ભિક્ષા કેમ ન લીધી ? એ પ્રમાણે જેટલામાં વિચારે છે તેટલામાં તે ભૂમિ ઉપર પડેલા ખાંડથી યુક્ત એવા ઘીના બિંદુ ઉપર માખીઓ ભેગી થઈ. તે માખીઓને ખાવા માટે ગરોળી દોડી. ગરોળીને મારવા માટે કાચીંડો દોડ્યો. તે કાચીંડાનું ભક્ષણ કરવા બિલાડી દોડી. તે બિલાડીને પણ મારવા માટે મહેમાનનો કૂતરો દોડ્યો, અને તેનો પણ દુશ્મન એવો બીજો ઘરનો કૂતરો દોડ્યો. ત્યાર પછી તે બે કૂતરાનું પરસ્પર યુદ્ધ થયું, ત્યાર પછી પોત-પોતાના કૂતરાના પરાભવથી દુઃખી થયેલા એવા મંત્રી અને મહેમાનના સેવકો દોડ્યા. ત્યાર પછી તે બે સેવકોનું પણ લાકડીઓ લઈને પરસ્પર મોટું યુદ્ધ થયું. મંત્રીએ વિચાર્યું કે- ઘી વગેરેનું બિંદુ માત્ર પણ ભૂમિ ઉપર પડ્યું તો આવા પ્રકારનું યુદ્ધ થયું. તેથી જ યુદ્ધના ભીરુ એવા પૂજ્ય મુનિએ ભિક્ષા ગ્રહણ ન કરી. અહો ! ભગવાને સારો ધર્મ જોયો. ખરેખર ! વીતરાગ ભગવાનને છોડીને આવા પ્રકારના નિષ્પાપ ધર્મનો ઉપદેશ આપવા કોણ સમર્થ થાય ? તેથી મારે પણ તે જ દેવ સેવવા યોગ્ય છે, અને તેમણે કહેલું જ અનુષ્ઠાન પાળવા યોગ્ય છે. એ પ્રમાણે વિચારીને સંસારસુખથી વિરાગ પામેલા, શુભધ્યાનને પામેલા, જેને જાતિસ્મરણ જ્ઞાન થયું છે એવા, દેવતાએ જેને સાધુવેશ આપેલો છે એવા તે મંત્રીએ તે કાળે જ ઘરનો ત્યાગ કરી અન્યત્ર વિહાર કર્યો. ક્રમે કરી લાંબા કાળ સુધી સંયમ પાળીને અને