________________
પ્રથમ પ્રકાશ - સખ્યત્વ
૨૧
જીવાદિ તત્ત્વોને જે કહે તે પ્રવચન = સંઘ, (૧૦) દર્શન = સમ્યકત્વ. અભેદ ઉપચારથી સમ્યકત્વવાળા જીવને પણ દર્શન કહેવાય છે. આ પ્રમાણે આગળ પણ યથાસંભવ કહેવું.
(૧) આ અરિહંત આદિ દશ સ્થાનો વિશે સન્મુખ જવું, આસન આપવું વગેરે સ્વરૂપ બાહ્ય ઉપચાર કરવા રૂપ ભક્તિ કરવી. (૨) મનમાં અત્યંત પ્રેમ તે બહુમાન. (૩) અરિહંત આદિના ગુણોનું અતિશય કીર્તન કરવું તે વર્ણન. (૪) નિંદાનો ત્યાગ, હાલનાથી રક્ષણ કરવું વગેરે રીતે અવર્ણવાદનો ત્યાગ કરવો. (૫) અરિહંત આદિની આશાતનાનો ત્યાગ કરવો. મન-વચનકાયાથી પ્રતિકૂલ આચરણ ન કરવું. આ વિનય અરિહંત આદિ દશનો કરવાનો હોવાથી વિનય દશ પ્રકારનો જાણવો. વિનય સમ્યકત્વની હાજરીમાં પ્રગટ થાય છે. આથી આને દર્શન વિનય કહે છે. હવે વિનયના દશભેદોમાં જે ત્રીજો ભેદ ચૈત્યવિનય કહ્યો, તેમાં ચૈત્યો એટલે જિનબિંબો. તે કેટલા પ્રકારના છે અને કેવા સ્વરૂપવાળા છે? એવી શંકા કરીને તેના ભેદ વગેરે બતાવે છે. (૧૩-૧૪)
ચૈત્યના પાંચ પ્રકાર__ भत्ती १ मंगलचेइय २, निस्सकड ३ अनिसचेइए वावि ४ ।
सासयचेइय पंचम ५ - मुवइटुं जिणवरिंदेहिं ॥१५॥ ભક્તિ ચૈત્ય, મંગલ ચૈત્ય, નિશ્રાકૃત ચૈત્ય, અનિશ્રાકૃત ચૈત્ય અને શાશ્વત ચૈત્ય એમ પાંચ પ્રકારનાં ચૈત્ય જિનેશ્વરભગવંતોએ બતાવેલાં છે. આ વ્યાખ્યા- શ્રી જિનેશ્વરોએ પાંચ પ્રકારનું ચૈત્ય બતાવેલું છે. ત્યાં ઘરમાં દરરોજ ત્રિકાળ પૂજા-વંદન આદિ માટે યથોક્ત લક્ષણથી યુક્ત જે જિનપ્રતિમા કરેલી હોય તે ભક્તિચૈત્ય. તથા ઘરના દરવાજાના ઉપરના તિર્જી લાકડાના મધ્યભાગમાં જે જિનબિંબ બનાવેલું હોય તે મંગલ ચૈત્ય. મથુરા નગરીમાં જ્યારે ઘર બાંધવામાં આવે છે ત્યારે મંગલ માટે બારસાખમાં પહેલાં જિનપ્રતિમા સ્થાપન કરવામાં આવે છે. જો તે પ્રમાણે કરવામાં ન આવે તો તે ઘર પડી જાય છે. જેથી સિદ્ધસેન આચાર્ય મહારાજાએ કહ્યું છે કે
जम्मि सिरिपासपडिमं, संतिकए करइ पडिगिहदुवारे ।
अज्ज वि जणा पुरि तं, महुरमधन्ना न पेच्छंतीति ॥ १॥ આજે પણ લોકો તે મથુરા નગરીમાં શાંતિ માટે દરેક ઘરના દ્વારે શ્રી પાર્શ્વ જિનની પ્રતિમા કરે છે. અન્યો મથુરા નગરીને જોતા નથી.
તથા જે કોઈપણ ગચ્છ સંબંધી ચૈત્ય હોય છે તે નિશ્રાકૃત ચૈત્ય છે. કારણ કે ત્યાં પ્રતિષ્ઠા વગેરે કાર્યમાં તે ગચ્છના આચાર્ય વગેરે જ અધિકારી છે. બીજા કોઈ પ્રતિષ્ઠાદિ કરી શકતા નથી. તથા તેનાથી વિપરીત અનિશ્રાકૃત ચૈત્ય છે. ત્યાં બધા પણ ગણના નાયક એવા પદવીધરો પ્રતિષ્ઠા માલારોપણ વગેરે કાર્ય કરે છે. જેમકે શત્રુંજયના મૂળ ચૈત્યમાં બધા ગણના આચાર્યોએ પ્રતિષ્ઠા કરી છે. કારણ કે ત્યાં બધા આચાર્યો અધિકારી છે. તથા સિદ્ધાયતન પાંચમું શાશ્વત જિનચૈત્ય છે.
અથવા બીજી રીતે પાંચ પ્રકારનાં ચૈત્યો હોય છે. તે આ પ્રમાણે- (૧) નિત્ય ચૈત્ય (૨-૩) બે પ્રકારની ભક્તિથી કરાયેલું (૪) મંગલ ચૈત્ય (૫) સાધર્મિક ચૈત્ય.