________________
૨૮૮
આત્મપ્રબોધ
આવવાનાંજ કારણો હોય તો તે મહાત્માને પણ શરીર વિગેરે હતું, અને તેઓ અહીં ઉભા હતા અને ચાલ્યા ગયા. શરીર છે તો આહાર કરતા જ હશે, અને આહાર હોય તો નિહાર અવશ્ય હોય જ. વળી તેઓ બોલતા પણ હતા કારણકે તેમણે મને ધર્મ બતાવ્યો છે. તેઓ જોતા પણ હતા, ત્યારે આમ ઇંદ્રિયોના કાર્યો વિદ્યમાન છતાં પણ કર્મબંધન થતો હોય એમ સંભવી શકે છે. હવે જો ઇદ્રિયોના કાર્યો વિદ્યમાન છતાં કર્મ બંધ ન થતો હોય તો તેઓએ મને સંવર કરવાનો ઉપદેશ શા માટે આપ્યો ? માટે હજી આની અંદર કાંઈક ગૂઢતા રહી જાય છે; એમ વિચાર કરતાં તેને વિશેષ જણાઈ આવ્યું કે ઇંદ્રિયોની અને મનની બે પ્રકારની ગતિ મારા અનુભવવામાં આવે છે. એક તો શુભ પ્રવૃત્તિ એટલે કોઈને દુઃખ ન થાય તેવી રીતે ઇન્દ્રિય અને મનની પ્રવૃત્તિ, અને બીજી અશુભ કે જેથી બીજાને દુઃખ ન થાય તેવી પ્રવૃત્તિ. ત્યારે જીવોને દુઃખ ન થાય તેવી રીતે મારા ઇંદ્રિય અને મનને પ્રવર્તાવવા એજ સંવર તે મહાત્માએ મને ઉપદેશ્યો જણાય છે. હવે તેની પ્રવૃત્તિ અત્યારે મારી છે કે નહિ તે માટે વિચારવાનું છે. અરે ! આ જીવન સંહાર કરનાર ખગ મારા એક હાથમાં રહી ગયું છે અને બીજા હાથમાં સુસમાનું માથું છે. આવી પ્રવૃત્તિવાળા મારામાં સંવર કેવી રીતે ગણાયજ. માટે તેનો ત્યાગ કરું અને મન તથા ઇંદ્રિયોની અશુભ પ્રવૃત્તિને રોકું એવા વિચારથી તેણે હાથમાંથી ખગ અને માથું દૂર ફેંકી દીધાં.
વળી ત્રીજા પદના વિચારમાં તેણે પ્રવેશ કર્યો. તેટલામાં તો લોહીથી ખરડાયેલા તેના શરીર ઉપર ચારે તરફથી કીડીઓ ચડવા લાગી. કીડીઓને યોજનગંધી કહી છે; અર્થાત્ ઘણા ઇંદ્રિયના પ્રબળ વિષયવાળી કીડીઓ દૂરથી પણ ગંધના જોરથી ખેંચાઈ આવે છે. અત્યાર સુધી રૂધિર ઝરતું સુસમાનું માથું તેના હાથમાં હતું, તેના છાંટાઓથી શરીરનો ઘણો ભાગ ભીંજાએલો હતો, તેથી કીડીઓ તેના શરીર ઉપર ચડી ચટકા દેવા લાગી. આ બાજુ ચિલાતીપુત્ર વિચારની ધારામાં આગળ વધી વિવેકનું સ્વરૂપ વિચારે છે કે વિવેક એટલે શું ? વિવેક એટલે પોતાનું અને પારકું તેની વિશેષતા સમજવી. ત્યારે મારું શું છે અને પારકું શું છે તે તો મારે અવશ્ય જાણવું જ જોઈએ. અત્યારે મારું તો કોઈ દેખાતું નથી, કેમકે આ શૂન્યરાનમાં હું તો એકલો છું, પણ ત્યારે હું તે કોણ ? આ હાથ કે પગ, માથું કે પેટ, આ શરીરમાં હું કોણ ? હાથ ન હોય તો ચાલી શકે છે. પગ ન હો તો પણ શરીર ટકી રહે છે, ત્યારે તે તો હું નહિ. આ આહારાદિ ખોરાકથી શરીરની વૃદ્ધિ અને તેના અભાવથી હાનિ થયા કરે છે. તો આહારથીજ વૃદ્ધિ હાનિ પામતું અને માતા પિતાના સંયોગોથી ઉત્પન્ન થયેલું શરીર તે હું કેમ સંભવી શકું ? વળી આ શરીર અહીંજ પડ્યું રહે છે ત્યારે તેમાંથી વિચાર કરતો, બોલતો, ચાલતો, સ્મૃતિ રાખનારો અને સુખ-દુઃખાદિ જાણનારો કોઈક