________________
પ્રથમ પ્રકાશ - સમ્યકત્વ
૧૭ (૧૦) ધર્મરુચિ- અસ્તિકાયધર્મમાં અથવા કૃતધર્મ વગેરેમાં જેને રુચિ હોય તે ધર્મરુચિ. જે જીવ જીવ આદિની ગતિ આદિમાં કારણભૂત ધર્માસ્તિકાય વગેરેની અથવા આગમ સ્વરૂપ અંગ પ્રવિષ્ટ આદિની અથવા સામાયિક આદિ ચારિત્ર ધર્મની શ્રદ્ધા કરે છે તે ધર્મરુચિ જાણવો.
અહીં ઉપાધિના ભેદથી સમ્યકત્વનું અલગ-અલગ કથન શિષ્યના બોધ માટે કર્યું છે. અન્યથા તો નિસર્ગ અને ઉપદેશમાં અથવા તો અધિગમ વગેરેમાં ક્યાંક કોઈકનો અંતર્ભાવ છે જ અને અહીં જે સમ્યકત્વ જીવથી અભેદરૂપ કહેલું છે તે ગુણ અને ગુણીનો કંઈક અભેદ જણાવવા માટે કહ્યું છે. આ પ્રમાણે દશ પ્રકારનું સમ્યકત્વ કહ્યું. (૧૧) હવે સર્વ ધર્મકાર્યોમાં સમ્યકત્વની જ પ્રધાનતા છે તે બતાવે છે–
सम्मत्तमेव मूलं, निद्दि, जिणवरेहिं धम्मस्स ।
एगं पि'धम्मकिच्चं, न तं विना सोहए नियमा ॥१२॥ જિનેશ્વરોએ ધર્મનું મૂળ સમ્યકત્વ જ બતાવ્યું છે. એક પણ ધર્મકાર્ય તેના વિના નિયમો શોભતું નથી.
વ્યાખ્યા- ગાથાનો અર્થ સ્પષ્ટ છે. અહીં આ તાત્પર્ય છે. આ અપાર સંસારમાં ઘણું ભ્રમણ કરવાથી ખિન્ન થયેલા ભવ્ય આત્માએ કહેવાયેલા સ્વરૂપવાળા સમ્યકત્વથી યુક્ત એવી પોતાની આત્મભૂમિ વિશુદ્ધ કરવી જોઈએ. કારણ કે વિશુદ્ધ આત્મભૂમિમાં મૂકાયેલું સર્વ પણ સદ્ધર્મકૃત્ય - પ્રભાસ ચિત્રકારે તૈયાર કરેલી ભૂમિમાં શોભતા ચિત્રની જેમ અસાધારણ શોભાને ધારણ કરે છે. આત્મશુદ્ધિ વિના કંઈ પણ સત્કૃત્ય શોભતું નથી. આથી ભવ્ય જીવે ત્યાં જ પ્રયત્ન કરવો જોઈએ.
પ્રભાસ ચિત્રકારનું દૃષ્ટાંત આ જંબૂદ્વીપમાં ભરતક્ષેત્રની મધ્યમાં રહેલું, ઘણા મનોહર શ્વેતઘરોથી સુંદર, જિનમંદિરોની શ્રેણિથી શોભતું, વિવિધ પ્રકારના નાગ-પુત્રાગ આદિ વૃક્ષોથી યુક્ત, ઘણાં ઉપવનોથી શોભતું સાકેત નામનું નગર હતું. તે નગરમાં સંપૂર્ણ દુશ્મનરૂપી વૃક્ષોને ઉખેડવામાં મહાબળવાન મહાબલ નામનો રાજા શોભતો હતો. હવે એક વખત સભામંડપમાં બેઠેલા તે રાજાએ વિવિધ દેશને જોનારા પોતાના દૂતને આ પ્રમાણે પૂછ્યું: હે દૂત ! મારા રાજ્યમાં રાજલીલાને ઉચિત કોઈ પણ વસ્તુ ખરેખર નથી ? ત્યારે તે દૂતે કહ્યું: હે સ્વામી ! તમારા રાજ્યમાં બીજી બધી વસ્તુ છે, પણ એક નયન અને મનને હરનારી, વિચિત્ર ચિત્રોથી શોભતી, રાજલીલાને ઉચિત એવી ચિત્રસભા નથી. હવે આ વચન સાંભળીને અતિકુતૂહલથી પૂરાયેલા મનવાળા રાજાએ શ્રેષ્ઠ મંત્રીને બોલાવીને “તું જલદીથી ચિત્ર સભા કરાવ' એ પ્રમાણે આદેશ કર્યો. મંત્રીએ પણ સ્વામીની આજ્ઞા મસ્તકે ચઢાવીને જલદીથી લાંબી અને વિશાળ શાળાથી યુક્ત, ઘણા પ્રકારની રચનાથી શોભતી મહાસભા તૈયાર કરાવી. ત્યાર પછી રાજાએ ચિત્રકાર્યમાં નિપુણ એવા વિમલ અને પ્રભાસ નામના બે ચિત્રકારને બોલાવ્યા. પછી તે ચિત્રસભા તે બંનેને અડધા અડધા વિભાગથી વહેંચી આપી. મધ્યમાં પડદો કરીને રાજાએ તે બંનેને આ પ્રમાણે કહ્યું તમારે બંનેએ એકબીજાનું ચિત્રકાર્ય ક્યારે પણ જોવું