________________
આત્મપ્રબોધ
આમતેમ ભટકવા લાગ્યો. ભટકતાં ભટકતાં નજીકના ભાગમાં કાયોત્સર્ગ મુદ્રામાં ધ્યાનસ્થપણે ઉભેલા એક ચારણ શ્રમણને (આકાશમાં ગમન કરનાર મુનિને) તેણે જોયા. આવા ઉજ્જડ વેરાનમાં આવા મહાત્મા ક્યાંથી ? કાંઇક સારી આશાથી ચિલાતીપુત્ર આ મહાપુરુષની પાસે આવ્યો. વિનય વિવેક તો જાણતો નહોતો છતાં આવા મહાત્માઓ પાસે ધર્મ હોય છે, અને તે ધર્મથી સુખી થવાય એમ તેના જાણવામાં હતું. હું અત્યારે ખરેખર દુ:ખી હાલતમાં છું. માટે તેથી મુક્ત થવાને મને ધર્મની જરૂર છે. અને તે ધર્મ આ મહાત્મા પાસેથી મને મળવો જોઈએ. પણ હું ધર્મ માગીશ અને તરતજ આ મહાત્મા મને તે આપશે કે કેમ તે વિષે મને તો શંકા છે. કેમકે ધર્મ જેવી વસ્તુ એકદમ માગવાની સાથેજ કેમ આપી શકાય. માટે નમ્રતાથી નહિ પણ કાંઇક ભય દેખાડવા પૂર્વક માગણી કરું કે જેથી તે તુરતજ આપી દેશે. આવા આશયથી તે શ્રમણની પાસે આવ્યો અને જોરથી બોલ્યો કે હે સાધુ ! તું મને ધર્મ બતાવ. નહિતર આ તલવારથી તારું મસ્તક કાપી નાખીશ. આ શબ્દો સાંભળીને જ્ઞાની મુનિ વિચારવા લાગ્યા કે “આવી રીતે ધર્મની માગણી તો આજે જ સાંભળી. ભલે ગમે તેમ હો, પણ આવી ધર્મની માગણી એ તેની ધર્મ વિષયિક આતુરતા સૂચવે છે. આવી આતુરતાવાળા જીવોમાં રોપેલું ધર્મ બીજ એ ઉત્તમ ક્ષેત્રમાં વાવેલા બીજની માફક થોડા વખતમાં ફળ આપે છે.'' માટે મારે આને ધર્મ બતાવવો તો ખરો પણ અત્યારે આવી આતુરવાળા માણસ પાસે વિસ્તારથી ધર્મ કહેવાનો અવસર નથી. સંક્ષેપમાં કાંઈ કહેવાથી તેના ઉંડા વિચારમાં ઉતરતાં આને અવશ્ય ફાયદો થશે.
૨૮૬
આવા વિચારમાં તે ચારણ મુનિએ કાયોત્સર્ગ પા૨ીને (ધ્યાન સમાપ્ત કરીને) ચિલાતીપુત્રને કહ્યું કે, “હે ભવ્ય ! ઉપશમ, સંવર અને વિવેક આ ત્રણ ધર્મ છે.' આ પ્રમાણે કહીને તે ચારણશ્રમણ આકાશ માર્ગે કોઇ બીજે ઠેકાણે ચાલ્યા ગયા. આ તરફ ચિલાતીપુત્ર વિચાર કરવા લાગ્યો કે મુનિ તો આ ત્રણ શબ્દો કહીનેજ ચાલ્યા ગયા. મારે હવે આ ત્રણ શબ્દોમાં સમજવું શું ? સાધુ જાઢું તો નજ કહે. ત્યારે ત્રણ શબ્દોમાંજ તેણે મને ધર્મ બતાવ્યો કે ? પ્રથમ તેણે ઉપશમ એવું પદ કહ્યું તો ઉપશમનો અર્થ શું ? ઉપશમ એટલે શાંત થવું, દબાવવું, શાથી શાંત થવું ? કોને દબાવવું ? મારી પાસે એવી કઇ વસ્તુ છે કે ઉત્કર્ષ પામેલીને શાંત કરું, કે તેની ઉત્કટતાને દબાવું. આ દેહ ઉપર તો એવું કાંઇ દેખાતું નથી. તેમ મારી પાસે પણ અત્યારે તેવું કાંઈ નથી. આ જંગલમાં હું તો અત્યારે એકલોજ છું. ત્યારે તે મુનિએ મને ઉપશમ કરવાનું કેમ કહ્યું ? તેઓ અસત્ય તો ન જ કહે. કારણ કે મારી પાસે તે નિગ્રંથને કશો સ્વાર્થ ન હતો. ત્યારે શું મારા શરીરની અંદર કાંઇ ઉપશમ કરવા જેવું છે ? વિશેષ વિચારમાં આગળ વધતાં તેને જણાઇ આવ્યું કે, અરે ! ઉપશમ કરવાનું તો આત્માની અંદર ઘણું જ જણાય છે. આ ક્રોધરૂપ દાવાનળ